જાણો ઐતિહાસિક નગરી જૂનાગઢને, જ્યાં સચવાયો છે સોરઠનો ધબકાર

07 August, 2019 06:01 PM IST  |  મુંબઈ | ફાલ્ગુની લાખાણી

જાણો ઐતિહાસિક નગરી જૂનાગઢને, જ્યાં સચવાયો છે સોરઠનો ધબકાર

જૂનાગઢની એક દુર્લભ તસવીર


ગરવા ગીરનારની ગોદમાં વસેલી ગૌરવવંતી નગરી એટલે જૂનાગઢ. શહેરનું નામ યોનાગઢ એટલે કે યૌન(ગ્રીક)નું શહેર. એક સમયે અહીં ગ્રીકો પણ વસતા હતા. પ્રાચીન કવિ દાયારામે પોતાના કાવ્ય રસિકવલ્લભમાં જીર્ણગઢ તરીકે પણ કર્યો છે.આઝાદી સમયે ભારત અને પાકિસ્તાનમાંથી અંતે ભારત સાથે રહેવાનું પસંદ કરવાનું હતું.

ઈતિહાસ પ્રમાણે જૂનાગઢની સ્થાપના મૌર્ય વંશે કરી હતી. જે બાદ ચુડાસમા વંશે તેનું જનત કર્યું. સમય જતા અનેક શાસકો આવ્યા. એક સમયે સુલતાન મહેમૂદ બેગડાએ તેનું નામ બદલીને મુસ્તફાબાદ કરી નાખ્યું હતું. 1970માં જૂનાગઢ સ્ટેટની સ્થાપના થઈ હતી અને 1807માં તે બ્રિટિશ રાજમાં આવ્યું. આઝાદી સમયે જૂનાગઢના નવાબે આઝાદીના દિવસે જ પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું અને પાકિસ્તાને તેને મંજૂર પણ કર્યું હતું. આખરે સરદારે પોતાના હાથમાં બાજી લીધી. ભારતના સૈન્ય અને નૌકાદળે જૂનાગઢને ચારે તરફથી ઘેરી લીધું અને નવાબ જૂનાગઢથી ભાગી ગયો. બાદમાં ભારત સરકારે જૂનાગઢનો કબજો લઈને લોકમત કરાવ્યો. જેના આધારે આખરે જૂનાગઢ ભારતમાં જોડાયું.

જૂનાગઢે સાચવ્યો છે વારસો
જૂનાગઢ પૌરાણિક નગરી છે. અહીં ગીરનાર આવેલો છે. તો આવેલી છે અડીકડીની વાવ અને નવઘણ કૂવો.  સાથે જ છે ઉપરકોટ જે શહેરનું રક્ષણ કરે છે.

ગીરના પ્રખ્યાત એશિયાટિક લાયનોની દહાડ પણ તમને અહીં સાંભળવા મળશે.ઉપરકોટમાં વસેલા જૂનાગઢને પાણી પુરું પાડવા માટે અડીકડી વાવ અને નવઘણ કૂવો બનાવવામાં આવ્યો હતો. જે આજે પણ છે. આ બંને સ્થાનો સાથે અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે અડીકડીની વાવ એક જ પથ્થર કાપીને બનાવવામાં આવી છે.

 

શ્રદ્ધાનું પ્રતિક જૂનાગઢ

શ્રદ્ધાને લઈને તો જૂનાગઢ સમૃદ્ધ છે જ. પણ આ જ શ્રદ્ધા અહીં વારસા સાથે પણ જોડાયેલી છે. કહી શકાય કે જૂનાગઢને મજબૂત રીતે ટકાવી રાખવાના બે પાયા એટલે શ્રદ્ધા અને વારસો. જેમ શિવરાત્રિનો મેળો, ગિરનાર એ લોકોને અહીં ખેંચી લાવે છે, તો અહીં આવ્યા બાદ આ શહેરનો વારસો લોકોને અહીંના પ્રેમમાં પાડે છે.

(તસવીર સૌજન્યઃ હિતેશભાઈ દવે)

લગભગ 2,300 વર્ષ પહેલા સમ્રાટ અશોકે આપેલો સંદેશ જૂનાગઢે આજે પણ જાળવ્યો છે. આ શિલાલેખ પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલા છે. આ શિલાલેખમાં સમ્રાટ અશોકે 14 આજ્ઞાઓ કોતરાવેલી છે. જેને સામાન્ય લોકો પણ સમજી શકે તે માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું છે. આ શિલાલેખ અતુલ્ય ભારતનો અમૂલ્ય વારસો છે. જેની જાળવણી પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે.

તો આવી છે આપણી ઐતિહાસિક નગરી જૂનાગઢ. જે પોતાનામાં સૌરાષ્ટ્રનો ધબકાર સાચવીને બેઠી છે અને વારસાનું જતન કરી રહી છે.

junagadh Places to visit in gujarat