ગુજરાતના આ જ્યોતિર્લિંગનું ભજનસમ્રાટ ગુલશનકુમારે કરાવ્યું છે નવનિર્માણ

14 August, 2019 02:05 PM IST  |  દ્વારકા

ગુજરાતના આ જ્યોતિર્લિંગનું ભજનસમ્રાટ ગુલશનકુમારે કરાવ્યું છે નવનિર્માણ

Image courtesy:TripAdvisor

જ્યોતિર્લિંગની વાત આવે ત્યારે ગુજરાતનું નામ પહેલું લેવાય છે. કારણ કે સોમનાથ મહાદેવ એ 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે. એટલે સ્વાભાવિક રીતે જ તેનું મહત્વ વધારે છે. જો કે ગુજરાતમાં બીજું જ્યોતિર્લિંગ નાગેશ્વર પણ આવેલું છે. ભલે તેની ચર્ચા ઓછી થતી હોય, પરંતુ નાગેશ્વર જ્યોતિર્લિંગ પણ ખાસ છે.

હિન્દુ ધર્મમાં નાગેશ્વરનો અર્થ થાય છે. નાગ કે સાપના ઈશ્વર. રૂદ્ર સંહિતામાં પણ શંકરને નાગેશ કહેવામાં આવ્યા છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગત નાગેશંનો ઉલ્લેખ છે, જે દારુકાવનમાં આવેલું છે. આ દારુકા વન એટલે દ્વારકા જિલ્લામાં આવેલું નાગેશ્વર જ્યોતિર્લિંગ. જે જગતમંદિરથી 16 કિલોમીટર દૂર આવેલુ છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરનો પુનરોદ્ધાર

રસપ્રદ વાત એ છે કે આ જ્યોતિર્લિંગનું પુનઃનિર્માણ જાણીતા ભજન સમ્રાટ ગુલશનકુમારે કરાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે વર્ષો સુધી નાગેશ્વરના જ્યોતિર્લિંગની આસપાસ નાનકડી દેરી જેવી જ જગ્યા હતી. પરંતુ ટી સિરીઝના સ્થાપક સ્વર્ગસ્ત ગુલશનકુમારે 1996માં મંદિરો જિર્ણોદ્ધાર કરવાનું કામ હાથમાં લીધું હતું. જો કે આ દરમિયાન તેમની હત્યા થતા, તેમના પરિવારે મંદિરનું કામ પુરુ કરાવ્યું હતું. 2002માં નાગેશ્વર જ્યોતિર્લિંગનું નવું મંદિર તૈયાર થયું. જેની પાછળ લગભગ 1.25 કરોડનો ખર્ચ થયો હતો.

હાલના નાગેશ્વર જ્યોતિર્લિંગના મંદિરનું વાતાવરણ ખુબ જ સુંદર છે. મુખ્ય મંદિરની બાજુમાં ભગવાન શંકરની ધ્યાનસ્થ મુદ્રામાં 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી મૂર્તિ સ્થાપિત કરાઈ છે. આ મૂર્તિ 2 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. જેવા તમે મંદિરના મુખ્ય દ્વારમાંથી પ્રવેશ કરશો કે સામે જ લાલ રંગનું નાગેશ્વર મહાદેવનું મંદિર છે.

કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું જ્યોતિર્લિંગ?

શાસ્ત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એક સમયે સમુદ્ર કિનારે અહીં દારુક નામનું વન હતું, જ્યાં દારુક નામની રાક્ષસી રહેતી હતી. દારુકાએ માતા પાર્વતી પાસેથી વરદાન લીધું હતું, જે બાદ તે સમુદ્રના રસ્તે જતા તમામ લોકોને પકડીને લૂંટતી અને મારી નાખતી. એક સમયે દારુકાએ એક આખા કાફલાને પકડ્યો, જેમાં સુપ્રિય નામનો ભગવાન શંકરનો ભક્ત વણિક પણ હતો. જે દારુકાની કેદમાં પણ શિવલિંગની પૂજા કરતો. તેણે અન્ય કેદીઓને પણ પૂજા કરતા કર્યા.

આ વાત દારુકા સુધી પહોંચી. તેણે સુપ્રિયને પૂછ્યુ કે તું કોની પૂજા કરે છે. સુપ્રિયએ જવાબ ન આપતા તેને મારી નાખવાનો આદેશ આપ્યો. આ દરમિયાન સુપ્રિયએ શિવને યાદ આવ્યા. અને કહેવાય છે કે જમીનમાંથી એક સુંદર મંદિર નીકળ્યું. જેમાં જ્યોતિ સ્વરૂપે શંકર પરિવાર સાથે બિરાજમાન હતા. શિવજીએ પ્રસન્ન થઈને સુપ્રિયને અભયદાન આપ્યું. આમ નાગભૂમિમાં શિવજી પ્રગટ થયા હોવાથી તે નાગેશ્વર નામે ઓળખાયા.

આ પણ વાંચોઃ દ્વારકાની એ જગ્યાઓ જ્યાં પાણી છે ગુલાબી, અને રેતી છે પીળી !

જો તમે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભગવાનના દર્શન કરવા જવાના હો, તો સમય ખાસ ધ્યાન રાખજો મંદિર સવારે 5 વાગે મંગળા આરતી સાથે ખુલે છે. જો કે દર્શનનો સમય 6 વાગ્યથી શરૂ થાય છે. શૃંગાર આરતીના દર્શન સાંજે 4 વાગે થઈ શકે છે. બાદમાં ગર્ભગૃહમાં નથી પ્રવેશી શકાતું. શયન આરતી સાંજે 7 વાગ્યે થાય છે અને રાતના 9 વાગ્યે મંદિર બંધ થઈ જાય છે.

gujarat dwarka Places to visit in gujarat