માણસાઈના દીવા પ્રગટાવનાર દાનેશ્વરી હરિદાસબાપા

30 June, 2020 06:31 PM IST  |  Mumbai | Vasant Maru

માણસાઈના દીવા પ્રગટાવનાર દાનેશ્વરી હરિદાસબાપા

પોતાની આવકમાંથી સમાજને દાન આપવું કચ્છીમાડુની ખાસિયત છે, પરંતુ કચ્છમાં એક એવો દાનેશ્વરી પાક્યો જેણે સમાજ માટે પોતાનો આખો ધંધો વેચી એમાંથી ઊભી થયેલી મૂડી સમાજને દાનમાં આપી દીધી. એ દાનેશ્વરી હતા શિરવા ગામના હરિદાસભા જોઇસર.

પિતા પ્રધાનબાપા અને માતા ચાગબાઈના ઘરે આજથી ૧૧૪ વર્ષ પહેલાં હરિદાસનો જન્મ થયો. પ્રધાનભા જોઇસર પૈસાદાર વેપારી હતા. હરિદાસનો જન્મ થયો ત્યારે તેમનો માંડવી બંદરથી મુંબઈ તથા બહારગામ વહાણ દ્વારા તેલી‌બિયાં મોકલવાનો કારોબાર હતો. કચ્છની ખેતીમાં ઊપજતા ભૂતડા (શિંગદાણા), હેઢિયા (એરંડિયાં) જેવાં તેલીબિયાં બહારગામ મિલોમાં મોકલતાં. કચ્છમાં સારી ગુણવત્તાવાળી ગુવાર બહુ પાકતી. આ ગુવારમાંથી નીકળતા ગમ (ગુવારગમ) માટે કચ્છની ગુવાર ફાર્મા કંપનીઓમાં મોકલાતી. એના મોટા કારોબારમાં પ્રધાનભા જોઇસર જબરું કમાયા. હરિદાસ જ્યારે ૧૩ વર્ષના હતા ત્યારે તેમનાં લગ્ન મીઠાબાઈ સાથે થયાં. ચાર ધોરણ ભણ્યા પછી પિતાના વ્યવસાયમાં જોડાયા.

પિતાની જેમ તેમને પણ ઇચ્છા હતી કે ભાનુશાલી સમાજનું એક પણ બાળક ભણતરથી વંચિત ન રહી જાય એવી વ્યવસ્થા ઊભી કરવી. પરિણામે માંડવીમાં છોકરાઓની બોર્ડિંગ ઊભી કરી સમાજને અર્પણ કરી દેવાની મનોકામના કરી. એના માટે પોતાનો ધંધો વેચીને સમેટી લીધો અને જે મૂડી ઊભી થઈ એમાં દેવું કરી બીજા પૈસા ઉમેરી આ બોર્ડિંગ ઊભી કરવા તમામ રકમ દાનમાં આપી દીધી. ત્યારે તેમને ત્રણ દીકરા અને ચાર દીકરીઓનું વસ્તારી કુટુંબ હતું!

માંડવીમાં ભાનુશાલી સમાજની બોર્ડિંગ બનાવવા માટે ધંધાની મૂડી વાપરી નાખ્યા પછી દેવું થઈ ગયું એટલે ફરીથી ધંધો શરૂ કર્યો અને જવલંત સફળતા મેળવી દેવુ ભરપાઈ કર્યું. આ બધા માટે તેમને સંત ઓધવરામજી મહારાજ અને તેમના શિષ્ય સંત વાલરામજી મહારાજના આશીર્વાદ હોવાનું માનતા. હરિદાસબાપાએ બન્ને સંતોના અંતેવાસી બની સમાજનાં અનેક કાર્યો કર્યાં.

હરિદાસબાપા માંડવીની બોર્ડિંગને દેવતુલ્ય ગણતા. પોતાની વાડીમાં ઊગતાં આમા (કેરી), જાંભુ (જાંબુ) ઇત્યાદિ ફળોનો પહેલો પાક ઊતરે ત્યારે કંઢિયાઓ (કરંડિયાં) ભરીને ફળો બોર્ડિંગનાં બાળકો માટે લઈ જતાં. બાળકોને ચખાહ્યા બાદ ફળો મંદિરમાં ચડાવતાં, પછી પોતાનાં સંતાનોને ખાવાની છૂટ આપતાં. આમ મંદિરથીયે પહેલાં પોતાની વાડીનાં ફળોને બોર્ડિંગનાં બાળકોમાં વહેંચતાં, કારણ કે તેમના મતે વિદ્યાનું અજવાળું પાથરતી બોર્ડિંગ મંદિરથીયે ઊંચી હતી. ભાનુશાલી સમાજના વિદ્યાર્થીઓ બોર્ડિંગમાં ભણીને આજે ડૉક્ટર, સી.એ., એન્જિનિયર ઇત્યાદિ બની દેશ-વિદેશમાં ફેલાઈ ગયા છે. બાપા છેક પોતાના શિરવા ગામથી છાશ બનાવી બોર્ડિંગમાં રોજ મોકલાવતા. વાર-તહેવારે બોર્ડિંગનાં બાળકોને પોતાની વાડીમાં ઉજાણી માટે બોલાવી આનંદનો ઓછવ કરાવતા. સમાજના આ વિદ્યાધામમાં તેઓ ટ્રસ્ટી હતા.

એક વાર હરિદાસભા સંત ઓધવરામજી બાપાને લઈને ઘાટકોપરમાં રહેતા પોતાના ભાગીદાર પ્રેમજી હરિદાસના બંગલા પર પહોંચી ગયા. પ્રેમજી હરિદાસ એ ઘાટકોપરની કચ્છી શાંન હતા. ભારતભરમાં તેમની પેઢીની ૪૫ જેટલી શાખાઓ હતી. વડાલામાં એકરોમાં ફેલાયેલી મિલ છે. તેમનો બંગલો હજી પણ ઘાટકોપરમાં છે. ભાગીદારના બંગલે પહોંચી પ્રેમજીભાનાં બા ખેતબાઈમા પાસે લાખ રૂપિયાના દાનની માગણી કરી. એ જમાનામાં લાખ રૂપિયાની કિંમત આજના જમાનામાં કરોડોની થાય. ઓધવરામજી બાપાએ કચ્છથી મુંબઈ આવતા ભાનુશાલી સમાજના લોકો માટે એક વાડી બનાવવાનું સપનું જોયું હતું. ભોંગા (કાચા મકાન) કે ફુટપાથ પર રહેતા જ્ઞાતિ બંધુઓ માટે આશ્રય આપવાનું કામ કરવું હતું. મુંબઈમાં ભાનુશાલી સમાજના વિકાસમાં આ વાડી કેન્દ્રસ્થાન બની શકે એમ હતી. બાના આગ્રહથી પ્રેમજીભાએ લાખ રૂપિયાનું માતબર દાન આપી એક અદ્ભુત પ્રકલ્પ ઊભું કર્યું. સંત ઓધવરામજી બાપાના સ્વપ્ન સમી વાડીનું અત્યારે રિડેવલપમેન્ટ પ્રોસેસ ચાલી રહ્યું છે.

હરિદાસબાપાએ બોર્ડિંગ ઉપરાંત અનેક શૈક્ષણિક કાર્યો તો કર્યાં જ સાથે સમાજ ઉધ્ધારનાં અનેક કાર્યો પણ કર્યાં. બધાં કાર્યોમાં સૌથી પહેલાં દાન પોતે જ આપતા, પછી બીજા ખમતીધરો પાસે દાન મેળવતા.

સંત વાલરામજી મહારાજના કોઈ સામાજિક કાર્ય માટે મોટું દાન મેળવી મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા હતા. મોટું દાન મેળવવાના ઉમંગમાં ટ્રેનની ટિકિટ લેવાનું ભૂલી ગયા. કારમાં ફરવાની ત્રેવડ ધરાવતા હરિદાસબાપા કાર તો શું રિક્ષા કે ટૅક્સીનો ખર્ચ ક્યારેય કરતા નહીં. મુંબઈમાં હોય તો લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા. એ દિવસે ટીસીએ જ્યારે ટિકિટ માગી ત્યારે યાદ આવ્યું કે તેમના એક ખિસ્સામાં દાનની મોટી રકમ હતી અને બીજા ખિસ્સામાં પોતાના માંડ પાંચ-દસ રૂપિયા હતા. ટીસીને સમજાવ્યું કે મારી પાસે દંડના પૈસા નથી. જે પૈસા છે એ દાનના છે જે હું જીવના ભોગે પણ નહીં આપું. તારે જે કાર્યવાહી કરવી હોય એ કરી મને સજા કર. ટીસીને બાપાની વાત પર ભરોસો થતાં સામેથી તેમના ગંતવ્ય સ્થાન સુધીની ટિકિટની વ્યવસ્થા કરી આપી.

બાપાનો નાનો પુત્ર કિશોર જોઇસર પ્રખર રાષ્ટ્રવાદી હતા. તેમની રાષ્ટ્રવાદી પ્રવૃત્તિને કારણે ઇન્દિરા ગાંધીની કટોકટીના સમયે જેલમાં નાખવાનું ફરમાન થયું. કિશોરભા રાતોરાત શિરવા છોડીને છેક મહારાષ્ટ્રના લાતુરમાં ભાગ્યા. લાતુરમાં કિશોરભાના મોટા ભાઈ વ્યવસાય અર્થે રહેતા હતા. લાતુરમાં કિશોરભાએ પોતાનો વ્યવસાય શરૂ કર્યો. એક વાર હરિદાસબાપા સંત વાલરામજી મહારાજ સાથે લાતુર પધાર્યા. બન્ને ભાનુશાલી ભાઈઓની મહારાષ્ટ્રના આ અંતરિયાળ શહેરમાં પ્રગતિ જોઈ તેમણે ત્યાં ભાનુશાલી સમાજનો પ્રકલ્પ ઊભો કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરિણામે છેક લાતુરમાં સમાજની વાડી ઊભી થઈ. આજે આખા લાતુરમાં આ વાડી સામાજિક કાર્યો માટે લોકપ્રિય છે.

એક વાર કચ્છમાં કારમો દુકાળ પડ્યો. સંત વાલરામજી મહારાજની પ્રેરણાથી હરિદાસબાપાએ દુકાળમાં અદ્ભુત કાર્ય કર્યું. પશુઓને સૂકો ઘાસચારો મળી રહે એ માટે છેક લાતુરમાં ૧૦,૦૦૦ ફુટનો શેડ બંધાવી એમાં કડબનો વતરો (જુવાર અને બાજરીના સૂકા છોડના નાના ટુકડા)નું મશીન કિશોરભાએ નાખ્યું. ત્રણ- સાડાત્રણ મહિનામાં ૩૫૦ રેલવે-વેગન તથા ૩૫૦ ટ્રક કડબનો વતરો કચ્છમાં મગાવી હરિદાસબાપાએ હજારો પશુઓના જીવન બચાવ્યા. ૩૫૦ વેગન કડબ મોકલવાનો ખર્ચ રેલવેએ માફ કર્યો. આ મહાયજ્ઞમાં કચ્છના દાનેશ્વરી એન્કરવાલા બંધુઓ તેમ જ કચ્છના આગેવાન તારાચંદભા છેડાએ મન મૂકીને સહાય કરી. હરિદાસબાપાને ભાનુશાલી જ્ઞાતિ માટે ખૂબ ગર્વ હતું. એટલું જ ગર્વ પોતાના ગામ શિરવા માટે હતું. શિરવા ગામના હાઇવે પાસે છ એકર જમીન (જેની હાલમાં કરોડોની કિંમત થાય) પર શાળા બાંધી સમાજને અર્પણ કરી.

એ જ રીતે સંત ઓધવરામજી બાપાએ હરિદ્વારમાં શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમનું નિર્માણ કર્યું. ત્યારે યુવાન હરિદાસભાએ દાન ઉપરાંત આશ્રમનાં નિર્માણકાર્યમાં સક્રિય ભાગ ભજવ્યો. આજે પણ હરિદ્વારના એ આશ્રમમાં બાપાના નામનો સ્તંભ મોજૂદ છે.

કચ્છના વાંઢાય ગામમાં સંત ઓધવરામજી બાપાએ પોતાના ગુરુ શ્રી ઈશ્વરદાસજી મહારાજશ્રીના નામે ભવ્ય આશ્રમ બનાવ્યો તેમ જ બાજુમાં દિવ્યાંગો માટે અંધશાળા સ્થાપી દિવ્યાંગોના વિકાસ માટે કાર્ય કર્યું. એમાં પણ હરિદાસબાપા સક્રિય રહ્યા. સંત ઓધવરામજી મહારાજ અને ગૃહસ્થ હરિદાસબાપા બન્નેનો જન્મ રામનવમીના દિવસે થયો હતો. બન્નેનાં માતૃશ્રીનું નામ ચાગબાઈમા હતું. એટલે સંત ઓધવરામજી બાપાએ હરિદાસબાપાનાં માતૃશ્રીને પણ બાનો દરજ્જો આપ્યો હતો. હરિદાસબાપાના પૌત્ર વિપુલભા સીએની ફાઇનલ પરીક્ષામાં આખા ભારતમાં તેરમા સ્થાને પાસ થયા ત્યારે હરિદાસબાપા અને મીઠામાની પ્રેરણાથી વિપુલભાએ મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રિસિટીના અછતના ઉપાયરૂપે સોલાર એનર્જી કંપની શરૂ કરી પોતાના ભણતરના જ્ઞાન વડે કંપની વિકસાવી. તેમની સોલાર કંપની ભારતની ટૉપની કંપની છે. એ જ રીતે હરિદાસબાપાએ પૌત્રી પ્રીતિને માનવસેવા અર્થે ડૉક્ટર બનવાની પ્રેરણા આપી. પરિણામે ડૉક્ટર પ્રીતિ નંદા અને તેમના પતિ ડૉ. અમરીશ નંદાએ માનવસેવા અર્થે એક હૉસ્પિટલ શરૂ કરી. ડૉ. અમરીશ નંદા બાપાની સ્થાપેલી બોર્ડિંગમાં ભણ્યા હતા. બાપાની પરપૌત્રી હીર જોઇસરને હાર્વર્ડ યુનિવર્સિટીએ રૂપિયા પાંચ કરોડની મસમોટી સ્કૉલરશિપ પીએચડી કરવા આપી છે. હીર જોઇસર અમેરિકામાં પીએચડી કરી રહ્યાં છે. એ જ રીતે તેમનો બીજો એક પરપૌત્ર તીર્થ જોઇસર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બાલ કલાકાર તરીકે પ્રખ્યાત છે. બાપાના બે પૌત્રો વિક્રમ જોઇસર અને અતુલ જોઇસર કેમિકલ એન્જિનિયર બની નામના કાઢી છે.

હરિદાસબાપાને જીવનના અંત કાળનો આભાસ થઈ ચૂક્યો હતો એટલે તેમનાં સંતાનોને ભેગાં કરીને આજ્ઞા આપી કે તેમના મૃત્યુ પછી કોઈ ધાર્મિક ક્રિયા ન કરતાં અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં જઈ ૧૩ દિવસ સુધી ભોજન કરાવજો તો મારું સાચું તર્પણ ગણાશે!

અસ્તુ.

gujarat saurashtra kutch vasant maru