જો કોઈની માટે હાથ ફેલાવવો પડે તો પણ એ મહાદેવને મંજૂર છે

22 August, 2021 07:59 AM IST  |  Mumbai | Aacharya Devvrat Jani

ઇતિહાસ કહે છે કે ઋષિ-મુનિઓ પ્રાચીન વિદ્યાઓને બચાવવાના હેતુથી શિવલિંગની રચના કરતા, જેમાં અનેક પ્રકારનાં શાસ્ત્રોનો ઉપયોગ થતો

શિવલિંગ

ખપ્પર.

મહાદેવના પ્રતીકમાં હવે પછીના ક્રમમાં આવે છે ખપ્પર. ખપ્પરનો અર્થ કરતાં એનો અનર્થ વધારે કરવામાં આવે છે અને એનું કારણ મા કાલી છે. કાલીની મૂર્તિ યાદ કરશો તો તેમના એક હાથમાં રાક્ષસ મહિષાસુરનું શીર્ષ છે અને એક હાથમાં રહેલા વાસણમાં એનું લોહી લેવાઈ રહ્યું છે. એ યુદ્ધના કારણે મા કાલી ખપ્પરવાળી મા તરીકે પ્રસિદ્ધ થયાં, પણ ભાવિકોએ એવો ભાવાર્થ કાઢી લીધો કે માતાના હાથમાં રહેલું શીર્ષ ખપ્પર કહેવાય. ના, ખપ્પર એને નહીં, પણ ખપ્પર હાથમાં રહેલા વાસણને કહેવાય. ખપ્પર એ મહાદેવની નિશાની છે.

મહાદેવની સાથે ખપ્પર હોય છે. શાસ્ત્રો અનુસાર સૃષ્ટિના તમામ જીવની ભૂખ સમાવવા માટે મા અન્નપૂર્ણા સામે મહાદેવે ખપ્પર ધર્યું હતું અને મા અન્નપૂર્ણાએ એ નાનકડા ખપ્પરમાં એટલું અન્ન ભર્યું કે જેનાથી સમગ્ર સૃષ્ટ‌િની જઠરાગ્નિ શાંત થઈ. અહીં બે વાતનો સંદેશ આપવામાં આવ્યો છે. જગતમાં કોઈના પણ કલ્યાણ માટે હાથ ફેલાવવો પડે, ભિક્ષા પણ માગવી પડે તો એ માગો અને અન્ય જીવનું કલ્યાણ કરો. કલ્યાણ કરવું જરૂરી છે અને એ જ હેતુ હોવો જોઈએ. સ્વમાનના ભોગે પણ જો અન્યનો લાભ થતો હોય, દુઃખ-દર્દ દૂર થતાં હોય તો એ કરવું એવું મહાદેવ કહે છે. બીજો સંદેશ આજના સમય મુજબ ઉચિત છે.

માગવા માટે વાસણ નહીં, દાનતની અનિવાર્યતા જરૂરી છે. ખપ્પર ધરીને સૃષ્ટિની ભૂખ ભાંગનારા મહાદેવ આ જ વાત કહે છે કે તું આવે ત્યારે તારા હાથમાં શું છે એનાથી કોઈ નિસબત નથી, નિસબત છે તારી દાનત સાથે. જો ભાવના સારી હશે, આસ્થા શુદ્ધ હશે અને વૃ‌ત્ત‌િમાં કોઈ વિકાર નહીં હોય તો તને એ સઘળું આપીશ જેને ભરવાની તારી ક્ષમતા પણ નહીં હોય.

ખપ્પર એ મહાદેવનું ઓગણીસમું પ્રતીક છે અને આ પ્રતીક પછી હવે આવે છે વીસમું પ્રતીક, શિવલિંગ.

શ‌િવલિંગ મહાદેવના નિર્ગુણ અને નિરાકાર રૂપનું પ્રતીક છે તો એ બ્રહ્મ, આત્મા અને બ્રહ્માંડનું પણ પ્ર‌તીક છે. વાયુ પુરાણ મુજબ, પ્રલયકાળમાં સૃષ્ટિનો જેમાં ક્ષય થાય અને સૃષ્ટિકાળમાં સૃષ્ટિ જ્યાંથી ફરી પ્રકટ થાય એને શિવલિંગ કહે છે.

શિવલિંગના ત્રણ ભાગ છે. સૌથી નીચે જે ભાગ છે એ બ્રહ્માનું તો મધ્ય ભાગ વિષ્ણુનું અને શીર્ષ ભાગ શિવનું પ્રતીક છે. શિવલિંગ મૂર્ત‌િ છે તો એના પર રહેલી જલાધારી પિત્તળની અને શિવલિંગ ફરતે રહેલો નાગ તાંબાનો હોય છે. શિવલિંગ પર ધતૂરો કે પછી આંકડાનાં ફૂલ ચડે છે અને સાથે બીલીપત્ર ચડાવવામં આવે છે. ઇતિહાસ કહે છે કે ઋષિ-મુનિઓ પ્રાચીન વિદ્યાઓને બચાવવાના હેતુથી શિવલિંગની રચના કરતા, જેમાં અનેક પ્રકારનાં શાસ્ત્રોનો ઉપયોગ થતો. જે એ વિદ્યાને સમજી શકે એ જ એનો લાભ લઈ શકે એવા હેતુથી અનેક સ્થળે શિવલિંગની રચના થઈ અને એની સ્થાપના પણ થઈ. ચોક્કસપણે અનેકાનેક શિવલિંગ સ્વયંભૂ પણ છે, પણ એ સિવાયનાં શિવલિંગ પણ વિદ્યાઓના આધારે સર્જન થયાં છે અને એને લીધે એનું મહત્ત્વ પણ શાસ્ત્રો અને ઇત‌િહાસમાં અનેકગણું માનવામાં આવ્યું છે.

શિવલિંગને જીવતા-જાગતા મહાદેવ માનવામાં આવ્યા છે. શિવલિંગ સૂચવે છે કે તમારી ઉપસ્થિતિ ન હોય તો પણ તમારો પ્રભાવ અકબંધ રહે એનું નામ મહાદેવ અને જે એવું જીવન જીવી જાણે એ મહાદેવને પ્ર‌િય હોય. મહાદેવના પ્ર‌ીતિપાત્ર રહેવા માટે શિવલિંગનાં નિયમિત દર્શન કરવા જોઈએ, એવું સૂચન પણ શાસ્ત્રો કરે છે.

શિવલિંગના પ્રકાર અને શ્રાવણમાં કયાં શિવલિંગની પૂજાથી કેવો લાભ થાય એની વાત કરીશું આપણે હવે પછી.

(લેખક આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત વિધિકાર છે. શાસ્ત્રોક્ત લેખન તેમ જ સેમિનાર થકી શિક્ષણમાં પણ નિપુણતા ધરાવે છે. શિવનાં જગદવ્યાપી સ્વરૂપનાં દર્શન કરાવતા શિવપુરાણની વાતો શ્રાવણના પવિત્ર મહિનામાં રોજેરોજ અહીં વાંચવા મળશે.)

columnists