બીજી વ્યક્તિની આ ચીજ તો ક્યારેય વપરાશમાં નહીં લેતા

08 June, 2025 08:09 AM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સાવ અજાણતાં જ અન્ય કોઈની ચીજવસ્તુ માગી એનો વપરાશ કરવામાં આવતો હોય છે, જેને કારણે એ વ્યક્તિ સાથે રહેલી નેગેટિવ એનર્જી તમારા સુધી પહોંચે છે

કપડાં, કલમ, આ‍ૅર્નામેન્ટ્સ, શૂઝ

આપણી વ્યક્તિ ધારીને કે પછી અંગત માનીને કોઈની પાસેથી કશું માગી લેવાનું બહુ સહજ છે. ઇરાદો મર્યાદિત સમય માટે વપરાશનો જ હોય છે અને એવું જ કરવામાં આવતું હોય છે પણ અજાણતાં કે સહજ રીતે થતી આ પ્રક્રિયા શાસ્ત્રોક્ત રીતે બિલકુલ ગેરવાજબી અને ખોટી છે. અમુક ચીજવસ્તુઓને બાદ કરતાં ક્યારેય કોઈ બીજાની અમુક ચીજો વાપરવી ન જોઈએ. ક્યારેય નહીં, કારણ કે એવું કરવાથી સામેની વ્યક્ત‌િની નેગેટિવ એનર્જીથી લઈને એનાં નકારાત્મક કર્મો પણ એ વસ્તુ વાપરનારાના જીવનમાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે એવી કઈ ચીજવસ્તુઓ છે જે બીજાની ક્યારેય વાપરવી ન જોઈએ. મહત્ત્વના કહેવાય એવા અને સામાન્ય રીતે લોકો જે ચીજવસ્તુ બીજાની પાસે માગી બેસતા હોય છે એની વાત કરીએ.

ક્યારેય માગો કપડાં

ક્યારેય કોઈએ પહેરેલાં કપડાં પહેરવાં ન જોઈએ. સાઉથ મુંબઈમાં અમુક જગ્યાએ ફૉરેનનાં જૂનાં કપડાં વેચાતાં જોયાં છે. આ પ્રકારે પણ ક્યારેય કપડાં ખરીદવાં ન જોઈએ અને વ્યક્તિગત પણ કોઈની પાસે માગીને કપડાં પહેરવાં ન જોઈએ. મહિલાઓને આદત હોય છે કે તે કોઈની પાસે સાડી કે ડ્રેસ માગી લે અને પછી એ પહેરે છે. આ પ્રકારે માગીને સાડી પહેરવાની ભૂલ ક્યારેય ન કરો. કહ્યું એમ, એ નેગેટિવ એનર્જી પોતાની સાથે લઈને આવે છે અને એક વાત યાદ રાખવી, દરેક વ્યક્તિમાં નેગેટિવ ઊર્જા હોય જ હોય. ત્રાહિતની નેગેટિવ એનર્જી પહેલું કામ વ્યક્તિની સકારાત્મક એનર્જીને તોડવાનું કરે છે. પુરુષોએ પણ ક્યારેય કોઈનાં કપડાં માગીને પહેરવાં ન જોઈએ. વર્કિંગ પર્સન જ્યારે કોઈનાં કપડાં કે સાડી માગીને પહેરે ત્યારે તેના જીવનમાં સંઘર્ષ ઉમેરાય છે.

એવું નથી કે બીજા જ દિવસથી એની અસર દેખાવા માંડે, પણ અસર દેખાય એ નિશ્ચિત છે.

ક્યારેય માગો આ‍ૅર્નામેન્ટ્સ

ઘણી કૉર્પોરેટ કંપનીમાં સ્ટાફ વચ્ચે આ પ્રકારનાં સેલ રાખવામાં આવે છે પણ એ શાસ્ત્રોક્ત રીતે વાજબી નથી. ક્યારેય કોઈના ઊતરેલા, વપરાયેલા ઑર્નામેન્ટ્સ વાપરવા ન જોઈએ. પ્રસંગોપાત્ત મહિલાઓ પરિવાર કે બહેન પાસેથી સોનાના દાગીના માગીને પહેરતી હોય છે. જો શક્ય હોય તો ગળું ખાલી રાખીને પણ પ્રસંગમાં જાઓ પણ ક્યારેય માગીને દાગીના પહેરો નહીં. માગીને પહેરેલા દાગીના ઘરની બરકત અટકાવે છે, આર્થિક સમૃદ્ધિ ધીમી કરે છે એટલે ક્યારેય કોઈની પાસેથી દાગીના માગીને પહેરવા નહીં.

એવું જ ઇમિટેશન જ્વેલરીનું છે. જો કુંદન જેવી મોંઘીદાટ ધાતુના દાગીના માગીને પહેરી ન શકાય તો પછી એનાથી ઊતરતી ધાતુ કેવી રીતે માગીને પહેરી શકાય. દાગીના કે ઑર્નામેન્ટ્સ ન હોય તો પહેરવાનું ટાળો પણ એ માગો નહીં. માગેલી ઇમિટેશન જ્વેલરી ઘર, પરિવાર કે સંબંધોમાં ઘર્ષણ લાવવાનું કામ કરે છે.

ક્યારેય માગો શૂઝ

જો કોઈએ ખેડેલી મજલ તમારી નથી તો પછી કોઈએ મજલ દરમ્યાન પહેરેલાં જોડાં કેવી રીતે તમારાં થઈ શકે? ફરી એ જ સલાહ, ઉઘાડા પગે જવાનું રાખજો પણ માગીને કોઈનાં સ્લીપર્સ પણ પહેરવાં નહીં. ઘણી કંપનીઓમાં વૉશરૂમની બહાર બેત્રણ સાઇઝનાં સ્લીપર્સ પડ્યાં હોય છે જે વૉશરૂમમાં જનારાએ પહેરવાનાં રહે છે. આવું હોય ત્યારે શક્ય હોય તો પગમાં પહેરેલા સૉક્સ ઉતારી ઉઘાડા પગે અંદર જવું પણ કોઈએ જે સ્લીપર્સમાં પગ નાખ્યો હોય એ પગમાં પહેરવાં નહીં.

જેની ઑરા શુદ્ધ છે તેને આ પ્રકારની પારકી નેગેટિવિટી તરત જ અસર કરે છે તો અન્યને ઓછી અસર કરે છે, પણ એ અસર તો ચોક્કસ કરે છે. એટલે ક્યારેય કોઈનાં ચંપલ-સ્લીપર્સ કે શૂઝ માગીને પહેરવાં નહીં. આ આદત યંગ જનરેશનમાં વધારે પડતી જોવા મળે છે એટલે તેમને પણ સમજાવવાનો પ્રયાસ કરવો.

ક્યારેય માગો કલમ

પેન્સિલથી લઈને બૉલપેન, ઇન્કપેન કે પછી લખાણનું કંઈ પણ મટીરિયલ ક્યારેય કોઈ પાસેથી લેવું નહીં કે પછી ક્યાંય પડ્યું હોય એ વાપરવું નહીં. બૅન્ક કે પછી એવી અનેક જગ્યાએ ફૉર્મ ભરવા કે સિગ્નેચર માટે કાઉન્ટર પર પેન રાખવાની સિસ્ટમ વર્ષોથી છે. એનો પણ વપરાશ ન કરવો જોઈએ. જો એ પ્રકારનું કામ હોય તો તમારી પાસે પેન રહેવી જ જોઈએ જેથી કોઈની પેન વાપરવી ન પડે.

વાસ્તુ અને સામુદ્રિક શાસ્ત્રમાં જણાવ્યા મુજબ અન્યની પેન વાપરવાનો અર્થ છે અન્યને તમારી મહેનત લખી આપવી. તમારી કલમ તમારી સાથે જ રાખવી અને એનો જ ઉપયોગ કરતાં રહેવો જોઈએ. યુઝ-ઍન્ડ-થ્રો કે પછી વન-ટાઇમ પેનનો જે કન્સેપ્ટ આવ્યો છે એ પણ વાજબી નથી. તમારા વેઢા જેના સતત સંપર્કમાં રહે છે એ ચીજને ફેંકી શું કામ દેવાની? એટલે શક્ય હોય તો વારંવાર અને લાંબો સમય વાપરી શકાય એવી પેન વાપરવી અને અન્યની પેન ક્યારેય ન વાપરવી.

culture news life and style columnists gujarati mid-day mumbai