31 July, 2024 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આજકાલ એક મૂંઝવણ અવારનવાર લોકોમાં જોઈ છે. ખાસ કરીને નવી પેઢી માને છે કે ક્રિયાકાંડની જરૂર જ નથી. ધર્મ એટલે માત્ર નીતિમત્તા. તમે મંદિરે ન જાઓ તો ચાલે, પણ તમારા ભાવ સારા હોવા જોઈએ. એટલે પ્રશ્ન થાય કે શું મંદિરે ન જવું? ઇષ્ટદેવના નામનું રટણ ન કરવું? બીજો એક વર્ગ એવો પણ છે જે કોઈનું દિલ દુભાતું હોય તો ભલે દુભાય પણ પોતે પોતાનાં દર્શન માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય. મંદિરમાં દર્શન માટેની લાગેલી કતારમાં વચ્ચે ઘૂસીને દર્શન કરવાનું છળ તે કરી શકે. ઘરમાં મા-બાપને ધૂત્કારતો વેપારી મંદિરમાં લાખો રૂપિયાનું દાન આપે. હવન અને યજ્ઞમાં કરોડો રૂપિયા ખર્ચી નાખનાર વ્યક્તિ ઘરમાં કામ કરતા નોકરને બીમારીમાં ઉપાડ આપવામાં વાંધાવચકા કરે. તો આમાં કોણ ધર્મી ગણાય? મંદિરમાં સવાર-સાંજ મંગળાનાં દર્શન કરીને મૂલ્યોને રહેંસી નાખનારો કે ભાવ સારા રાખો એવું કહીને શિસ્ત વિનાનું જીવન જીવનારો?
પ્રશ્ન વાજબી છે અને મૂંઝવણ સાચી છે, પરંતુ જવાબ બન્ને અવસ્થાની વચ્ચે છુપાયેલો છે. ધર્મનાં બે સ્વરૂપ છે, બાહ્ય અને આંતરિક. ક્રિયાકાંડ, બાહ્યપૂજા, તીર્થયાત્રા અને ઇષ્ટદેવનો જપ એ ધર્મના બાહ્ય સ્વરૂપમાં આવે. જોકે પૂરા ભાવ, શ્રદ્ધા અને જાગૃતિ સાથે બાહ્યધર્મ થાય ત્યારે જ એનું સકારાત્મક પરિણામ આવે. ભાવ સાથે થતા ધર્મમાં વ્યક્તિનો અધ્યાત્મિક વિકાસ થાય એ ધર્મનું આંતરિક પરિણામ છે. સરળ ભાષામાં સમજાવું તો જો નિયમિત વ્યાયામ કરો તો શરીરમાં શક્તિનો સંચાર થાય, આપણી ઇમ્યુનિટી વધે અને આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવાથી ઘણાબધા રોગથી આપણું રક્ષણ થાય. સ્ફૂર્તિને કારણે મન પ્રસન્ન રહે. કસરતને કારણે મળતી ઊર્જા જીવનમાં આગળ વધવાનો ઉત્સાહ વધારે. મનને પ્રસન્ન રાખે. બાહ્યધર્મ પણ જો પૂરા ભાવ અને શ્રદ્ધા તથા સમર્પણ સાથે થાય તો આવાં સકારાત્મક પરિણામ આપનારો હોય, પરંતુ જો તમે મન કે શ્રદ્ધા વિના માત્ર ટેવથી ક્રિયાકાંડમાં ફસાઈ ગયા તો એ ધર્મ નથી. તમારા પ્રાણ જો ધર્મક્રિયામાં નથી ઉમેરાયા તો એનું પરિણામ નહીં આવે અને ત્યારે એની આદત કહી શકાય, પણ ધર્મ તો નહીં જ.
જોકે અહીં એ પણ સમજવાનું છે કે વ્યવહારમાં ભાવ અનુસાર ક્રિયા થાય. કોઈના પ્રત્યે ક્રોધ થયો અને લડાઈ-ઝઘડો કર્યો, કોઈના પ્રત્યે પ્રેમનો ભાવ જાગ્યો અને એને માટે કંઈ પણ કરી છૂટવા માટે પ્રયાસ કર્યો, પરંતુ ધર્મના ક્ષેત્રમાં ક્રિયા અનુસાર ભાવ બનતો હોય છે. તમે મંદિરમાં દર્શન કર્યાં અને ઈશ્વરની અલૌકિકતાના ભાવ જાગ્યા. કહેવાનું એટલું જ કે ધર્મમાં ક્રિયાકાંડ જરૂરી છે, પરંતુ સાથે એટલું જરૂરી છે કે એ ભાવપૂર્ણ, શ્રદ્ધાપૂર્ણ અને ઈશ્વર પ્રત્યેના સમપર્ણપૂર્ણ હોય અને તો જ એ લેખે લાગશે.
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે.)