ભારત ૭૬ વર્ષથી પ્રજાસત્તાક અને બાવન વર્ષથી બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ છે

20 January, 2026 03:08 PM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે એ વાત જગજાહેર છે. પરંતુ બંધારણના સમગ્ર લખાણમાં ભારતની આવી ઓળખ આપતો એકેય શબ્દ નહોતો

પ્રતીકાત્મક તસવીર

છેલ્લાં ૭પ વર્ષથી દર ૨૬ જાન્યુઆરીની પરેડ લાખો લોકો જોતા આવ્યા છે. ભારત ૧૯૪૭ની ૧પ ઑગસ્ટે સ્વતંત્ર થયું અને ૧૯પ૦ની ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક બન્યું. એ દિવસથી ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું. દેશની સૌપ્રથમ ચૂંટણી જોકે ૧૯પ૨માં યોજા હતી. એ પૂર્વે બંધારણ કઈ રીતે, કોના દ્વારા ઘડાયું અને સ્વીકારાયું એ પેચીદા પ્રશ્નોમાં ન પડીએ પરંતુ વિદ્વાનોએ અવશ્ય ધ્યાન આપવા લાયક એક વાત પર ખાસ ધ્યાન દોરું છું.

ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે એ વાત જગજાહેર છે. પરંતુ બંધારણના સમગ્ર લખાણમાં ભારતની આવી ઓળખ આપતો એકેય શબ્દ નહોતો. નેહરુજીનું ખાસ્સું દબાણ હોવા છતાં બંધારણના ઘડવૈયા એવા પૂર્વપુરુષોએ આવા કોઈ શબ્દોને બંધારણમાં સ્થાન નહોતું આપ્યું.

સ્વતંત્રતાના પૂરા ત્રણ દાયકા બાદ અને બંધારણને અમલમાં મૂક્યાને પૂરાં ૨૭ વર્ષ પછી ઈસવી સન ૧૯૭૭માં એક ઘટના (કે દુર્ઘટના) બની. તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમર્જન્સી લાદી. ઇમર્જન્સી ઉર્ફે કટોકટી. આવા સમયે બંધારણ, બંધારણીય અધિકારો, આદેશો બધું જ સ્થગિત થઈ જાય. આ કટોકટીના સમય દરમ્યાન બંધારણના આમુખમાં (પ્રી-એમ્બલમાં) બે શબ્દો મુનસફીથી ઉમેરવામાં આવ્યા. આ બે શબ્દો છે સોશ્યલિસ્ટ અને સેક્યુલર. આ બે શબ્દોએ સમગ્ર દેશની ઓળખ બદલી નાખી.

જે વખતે લોકશાહી કોમામાં હતી એવા એ કટોકટીના સમયમાં ૪૨મા બંધારણીય સુધારારૂપે આ ફેરફારો કરાયા. આ સુધારાનો અમલ ૧૯૭૭ની ૩ જાન્યુઆરીથી અને એનાં કેટલાંય પ્રોવિઝન્સનો અમલ ૧૯૭૭ની ૧ ફેબ્રુઆરીથી થયો.

વિકીપીડિયા જેવાં માધ્યમો આ ૪૨મા બંધારણીય સુધારાને આજ સુધીમાં થયેલા તમામ બંધારણીય સુધારાઓમાં સૌથી વધુ વિવાદસ્પદ તરીકે હાઇલાઇટ કરે છે. કેટલાક વિદ્વાનોએ આ ઘટનાને ‘કૉન્સ્ટિટ્યુશન ઑફ ઇન્ડિયા ચેન્જડ ઇન્ટુ કૉન્સ્ટિટ્યુશન ઑફ ઇન્દિરા’ કહીને વર્ણવ્યું. સુપ્રીમ કોર્ટના અને રાજ્ય સરકારોના ઘણા પાવર્સ પાર્લમેન્ટ અને કેન્દ્ર સરકાર પાસે શિફ્ટ થયા. આ ઘટના પછી ભારતને ‘સાર્વભૌમ પ્રજાસત્તાક દેશ’ને બદલે ‘સાર્વભૌમ બિનસાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ દેશ’ની ઓળખ મળી.

આશ્ચર્યની વાત છે કે દેશની રાષ્ટ્રભાષા હોઈ શકે, રાષ્ટ્રગીત હોઈ શકે, રાષ્ટ્રધ્વજ હોઈ શકે, રાષ્ટ્રીય પક્ષો હોઈ શકે; રાષ્ટ્રીય ધર્મ ન હોઈ શકે! જે દેશના ગામડે-ગામડે મંદિરોની ધજા ફરકે છે, દેરીઓની ઘંટડીઓ રણકે છે, સાંજે આરતીઓ ઊતરે છે, પરોઢિયે ભજનો વાગે છે એ દેશની ઓળખ છે ધર્મનિરપેક્ષ ભારત! લઘુમતીઓના તુષ્ટિકરણનો આ એક હીન પ્રયાસ હતો. આ એક પ્લાન્ટેડ ટાઇમબૉમ્બ હતો એવી ઘણાની જૂની દહેશત પર હસ્તાક્ષરો કરનારા હવે વધી રહ્યા છે. કટોકટીની ઘટનાને ‘કાળી ઘટના’ તરીકે ઉલ્લેખવાથી કાંઈ વળતું નથી. નિષ્ણાતોએ લીગલ એન્જિનિયરિંગ કરીને થયેલી ભૂલને સુધારીને બંધારણના આત્માને જીવંત રાખવો પડશે.  

republic day culture news india columnists