જાણો, નીલેશ પંડ્યા રચિત 'ચાંદો ઊગ્યો ચોકમાં' પુસ્તક કેમ છે વાંચવા જેવું

14 May, 2019 11:44 AM IST  |  રાજકોટ | શિલ્પા ભાનુશાલી

જાણો, નીલેશ પંડ્યા રચિત 'ચાંદો ઊગ્યો ચોકમાં' પુસ્તક કેમ છે વાંચવા જેવું

નીલેશ પંડ્યા પોતાનું પુસ્તક "ચાંદો ઊગ્યો ચોકમાં" સાથે

આમ તો લોકગીત અને તેના પુસ્તકો સરળતાથી મળી રહેતાં હોય છે. તો આ પુસ્તક વિશે લખવાનું ખાસ કારણ શું એ પ્રશ્ન કરવામાં આવે તો તેના જવાબમાં માત્ર એટલું જ કહેવું છે કે આ પહેલું એવું મોટા પાયાનું પુસ્તક છે જેમાં 90 જેટલાં લોકગીતોનો સમાવેશ થયો છે અને તે બધાં જ ગીતોનો આસ્વાદ કરાવવામાં આવ્યો છે અને તે પણ સચિત્ર, જો કે પુસ્તક સચિત્ર પ્રગટ કરવાનો ખ્યાલ સરકારના માહિતી ખાતાનો છે. છતાં આ પુસ્તક એક એવું પુસ્તક છે જે કદાચ કોઇ બાળકને પણ આપવામાં આવે તો તેનો આસ્વાદ અને ચિત્રો જોઇને તે પણ આ લોકગીતનું રસદર્શન કરાવતાં આ પુસ્તક સાથે જોડાઇ શકે.

રસાસ્વાદ કરતાં પુસ્તકની પ્રેરણા

‘ચાંદો ઉગ્યો ચોકમાં’ પુસ્તક લખનાર નિલેશ પંડ્યાએ gujaratimidday.com સાથે ખાસ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે પોતે વર્ષ 2001-02માં યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં લોકગીતોના જજ તરીકે ગયા હતા. ત્યારે તેમણે જોયું કે લગભગ 45 જેટલા વિદ્યાર્થીઓમાંથી 35 જેટલા વિદ્યાર્થીઓને લોકગીત વિશેની કોઇ માહિતી જ નથી. તેમણે લોકગીતને બદલે કોઇ બીજી જ ગઝલ-ભજન કે કોઇ કવિતા ગાઇ હતી. આવા કડવા અનુભવથી તેઓ યુનિવર્સિટીના કુલપતિને મળ્યા અને તેમને આ વિશે વાત કરી. ત્યારે કુલપતિએ આવી પરિસ્થિતિનો ઉકેલ શું એવી ચર્ચાના સારરૂપે લોકગીતો રજૂ કરતી વખતે તેનો આસ્વાદ પણ કરાવવો એ બાબત આવી. પરંતુ લોકગીતની જેમ જ આ આસ્વાદ પણ માત્ર સાંભળ્યું ત્યાં સુધી યાદ રહે તેવું ન બની રહે તે માટે તેમણે આ રસાસ્વાદ લખવાનું શરૂ કર્યું અને આમ એક પછી એક એમ કરતાં આજે 160 જેટલા લોકગીતોનો સંગ્રહ તેમની પાસે થઇ ગયો છે અને હજી પણ આ આસ્વાદનું કાર્ય ચાલું જ છે. તે ગીતોમાંથી 90 ગીતોની પસંદગી કરીને ગુજરાત સરકારના માહિતીખાતા દ્વારા આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે.

પુસ્તકમાં આપેલા લોકગીતોની પસંદગી વિશે

પુસ્તકમાં ગીતોની પસંદગી વિશે વાત કરતાં નીલેશ પંડ્યા કહે છે કે તેમણે આ પુસ્તકમાં એવા ગીતોનો સંગ્રહ કર્યો છે જે ખૂબ જ પ્રસિદ્ધ છે, થોડાં ઓછાં જાણીતા છે અને જે સાવ અજાણ્યા હોય એટલે કે જે લુપ્ત થવાને આરે પહોંચ્યા હોય એવા કુલ 90 લોકગીતોની પસંદગી કરી છે. તેમજ આ લોકગીતોના આસ્વાદ સાથે સચિત્ર આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે

તમારા આ પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગમાં લેવાય?

‘ચાંદો ઊગ્યો ચોકમાં’ આ લોકગીતના રસાસ્વાદ કરાવતાં પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગમાં લઇ શકાય કે કેમ તે વિશે વાત કરતાં નીલેશ પંડ્યા કહે છે કે આ પુસ્તકમાંથી કેટલાક લોકગીતની પસંદગી કરીને તેને પાઠ્યપુસ્તક માટે ઉપયોગમાં લઇ શકાય છે તેમજ આ પુસ્તકનો ઉપયોગ રેફરન્સ બુક તરીકે પણ થઇ શકે છે.

પુસ્તક માટે ગીતો મેળવવામાં કેવી મુશ્કેલી પડી હતી?

નીલેશ પંડ્યા પોતે લોકગીતોના ગાયક હોવાથી તે પોતે આ ગીતોના લય તેમજ ઢાળના જાણકાર છે, અને પુસ્તક સચિત્ર તો પ્રગટ થયું જ છે પણ જો કોઇને આ પુસ્તકને ઓડિયો રિલીઝ કરવાની ઇચ્છા થાય કે તેને ઓનલાઇન પ્રગટ કરવાની ઇચ્છા થાય તો તે પોતાનાથી બનતી મદદ કરવા તૈયાર છે. આ પણ ડિજીટલ યુગમાં પોતાની પાસે રહેલા જ્ઞાનને ડિજીટલાઇઝ કરવા માટે તે કેટલા તત્પર છે તે જોઇ શકાય છે

અમેરિકન મહિલા આલિયા સાથે

લોકગીતોના આસ્વાદ વખતે શબ્દની સમજણ કે પસંદગી માટે કોઇ મુશ્કેલી પડી?

આ વિશે નીલેશ પંડ્યાનું કહેવું છે કે પોતે ગ્રામ્ય વિસ્તારમાંથી આગળ આવ્યા હોવાથી તેમને આમ શબ્દો ઉકેલવામાં ખાસ મુશ્કેલી પડી નથી. પણ હા અર્થ નિશ્ચિત કરતી વખતે ગડમથલ કરવી પડે ખરી કે કયા શબ્દનો પ્રયોગ કરવો વધારે યોગ્ય રહેશે. શબ્દોની ગડમથલ વિશે વાત કરતાં નીલેશ પંડ્યા સંશોધક તરીકે કઈ રીતે યોગ્ય ઠરે છે તે પણ તેમણે કહ્યું કે પોતે જે લોકગીતનો આસ્વાદ કરાવ્યો છે કે અર્થ કર્યો છે તે અંતિમ હોઇ શકે જ નહીં તેમણે પોતે જ એ વાતનો સ્વીકાર કર્યો છે કે આ લોકગીત છે અને તેના જુદા અર્થો થઇ શકે અને લોકોએ તેને સ્વીકારવા પણ પડે જે પુસ્તકરૂપે પ્રગટ થયું છે તે સત્ય છે પણ તે જ સત્ય છે અને બીજું મિથ્યા એ બની શકે નહીં.

ડિજીટલના સમયમાં પુસ્તક ઓનલાઇન મળશે કે નહીં..?

પુસ્તકની ઓનલાઇન અવેલેબલીટિ માટે નીલેશ પંડ્યા કહે છે કે તેમને આ પુસ્તક ઓનલાઇન એવેલેબલ થાય તે સુઝાવ ગમ્યો છે તે આગળ સુધી આ વાત પહોંચાડશે. તેમ જ આ પુસ્તકની હાર્ડ કોપી એટલે પ્રિન્ટ વિનામૂલ્યે અપાય છે. આ પુસ્તક મેળવવું હોય તો ગુજરાતના કોઇપણ માહિતી ખાતામાંથી મેળવી શકાશે તે માટે તમારે કોઇપણ કિંમત ચૂકવવી પડશે નહીં, જો કે મુંબઇના રહેવાસીઓને કે લાઇબ્રેરીમાં આ પુસ્તકની જરૂર હોય તો નીલેશ પંડ્યા પોતે પ્રયત્ન કરીને મોકલી આપે છે ઓનલાઇન માટે નીલેશ પંડ્યાનું માનવું છે કે જે પુસ્તક પ્રિન્ટમાં વિનામૂલ્યે વેંચાય છે તે જો ઓનલાઇન અવેલેબલ થાય તો પણ તે વિનામૂલ્યે જ હશે. જો કે અત્યારે આ બાબતે વધુ માહિતી આપવી શક્ય નથી.

આ પણ વાંચો : તમને ખબર છે ગુજરાતી થાળીમાં શું પીરસવામાં આવે છે?

ચાંદો ઊગ્યો ચોકમાં આ પુસ્તકમાં ગુજરાત સરકારે આટલો રસ લીધો એ જ મોટી બાબત છે અને આ પહેલું એવું મોટા પાયાનું પુસ્તક છે જેમાં લોકગીતોનું સંચય તો થયેલું છે જ તેની સાથે આ પુસ્તકમાં ગીતોનું રસાસ્વાદ પણ કરાવેલું છે તેથી ખરેખર આ પુસ્તક પોતાની પાસે હોવું જોઇએ એવો વિચાર તો આવે જ છે.

gujarat