આ 10 ગુજરાતી તહેવારો તો તમારે માણવા જ જોઈએ

08 June, 2019 01:30 PM IST  |  અમદાવાદ

આ 10 ગુજરાતી તહેવારો તો તમારે માણવા જ જોઈએ

આ 10 ગુજરાતી તહેવારો તો તમારે માણવા જ જોઈએ

આમ તો ગુજરાતમાં દરેક દિવસ એક તહેવાર છે. ગુજરાતીઓ તેમનું જીવન મન ભરીને માણે છે. અહીંની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને કળાનો વારસો અતુલ્ય છે. અને જો તમારે પણ વાઈબ્રન્ટ ગુજરાતનો અનુભવ માણવો હોય તો આ 10 તહેવારો તમારે માણવા જોઈએ.

1. નવરાત્રિ
નવલી નવરાત્રિ. દુનિયાનો સૌથી લાંબો ચાલતો આ તહેવાર વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં મનાવવામાં આવે છે. અને તે પણ ધૂમધામથી. અને ગુજરાતના ગરબાની તો વાત જ શું કરવી. ચણીયા ચોળીમાં સજ્જ માનુનીઓ અને કેડિયું ચોરણીમાં સજ્જ તરવરિયા યુવાનો. નવરાત્રિમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. માતાજીની આરતી બાદ ઢોલ ધ્રબુકે છે અને ખેલૈયાઓ જાણે હિલોળે ચડે છે. નવરાત્રિ સૌથી જીવંત તહેવારોમાંથી એક છે. તો એનો આનંદ તો માણવો જ રહ્યો.


2. રણ ઉત્સવ
'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'. આ એક જ વાક્ય કચ્છના વૈભવને વાચા આપવા માટે પુરતું છે. અને તેમાં પણ જો ચાંદની રાત અને સફેદ રણનો સહવાસ હોય તો લાગે કે સ્વર્ગ કદાચ આને જ કહેવાતું હશે. 7, 500 સ્કવેર કિમીના વિસ્તારમાં પથરાયેલું સફેદ રણ કચ્છમાં આવેલું છે. અહીં તમને કચ્છના ટ્રેડિશનલ કપડા, ઘરેણાં મળી આવશે. અહીં તમને પરંપરાગત નૃત્યો પણ જોવા મળી જશે. અહીંના ટેન્ટમાં રહેવાનો લ્હાવો અનેરો છે.

3. ઉત્તરાયણ
એ કાયપો છે.....લપેટ...લપેટ....આ ડાયલોગ્સ તો તમે હિન્દી ફિલ્મોમાં પણ સાંભળ્યા હશે. ફિલ્મોમાં બતાવવામાં આવતા માહોલથી પણ વધુ જીવંત અને વાઈબ્રન્ટ હોય છે ઉત્તરાયણનો ખરેખરો માહોલ. પતંગ, ફિરકી અને ખાણીપીણીની મોજ. આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું હોય. ધાબા પર જોર શોરથી મ્યુઝિક વાગતું હોય. જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય. અમદાવાદમાં તો આ તહેવાર 2 દિવસ મનાવવામાં આવે છે. અને તેની મજા તમારે માણવી જ રહી.


4. શામળાજીનો મેળો
શામળાજીનો મેળો શામળાજીનો મેળો કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. મેશ્વો નદીના કિનારે આ મેળો ભરાય છે. જેમાં ભાગ લેવા દેશ વિદેશથી ભક્તો આવે છે. નદીમાં ડૂબકી મારે છે અને પુણ્ય મેળવે છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે શામળાજીના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી ચાલીને પણ આવે છે.

5. વૌઠાનો મેળો

પુરાણોમાં પણ જે મેળાનો ઉલ્લેખ જોવા મળે છે, તે મેળો એટલે વૌઠાનો મેળો. જેમાં ગર્દભનું વેચાણ થાય છે. અને તેના માટે જ આ મેળો પ્રસિદ્ધ છે. ધોળકા તાલુકાના વૌઠા ગામે સપ્તનદી એટલે કે સાત નદીઓના સંગમ સ્થાન પર આ મેળો ભરાય છે. આ મેળામાં ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાનો સંગમ થાય છે. મેળામાં મનોરંજન, ખાણીપીણી અને રમકડાના સ્ટોલ હોય છે. સાથે આ મેળામાં ઊંટનું પણ વેચાણ કરવામાં આવે છે.

6. રથયાત્રા
પુરીની જેમ અમદાવાદમાં પણ નીકળે છે જગતના નાથની નગરચર્યા. આખું નગર જેની કાગડોળે રાહ જોતું હોય છે જ્યારે ખુદ ભગવાન નગરજનોને દર્શન આપવા આવે છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ રથયાત્રાનો લાભ લે છે. આમ તો હવે ગુજરાતભરમાં નાની મોટી રથયાત્રાનું આયોજન થાય છે પણ પુરી બાદ સૌથી મોટી અને માણવા લાયક રથયાત્રા હોય તો તે અમદાવાદની છે.


7. મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ
આર્ટ, મ્યુઝિક, ડાન્સ અને કલ્ચરનો સંગમ એટલે મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ. આ ફેસ્ટિવલ ગુજરાતના સમૃદ્ધ કળા વારસાની ઝાંખી કરાવે છે. મોઢેરાના સુપ્રસિદ્ધ સૂર્ય મંદિરના સાનિધ્યમાં યોજાતો આ ફેસ્ટિવલ ખરેખર માણવા જેવો છે.

તસવીર સૌજન્યઃ હેલ્લોટ્રાવેલ.કોમ

8. અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો
નવલા નોરતામાં જગતજનની મા અંબાને આમંત્રણ આપવા માટે ભક્તો પગપાળા ચાલીને અંબાજી પહોંચે છે. આ મેળો આસ્થાના કુંભ સમાન છે. સાત દિવસ આ મેળો ચાલે છે. જેનો લાખો ભક્તો લાભ લે છે અને માતાના દર્શન કરીને પાવન પણ થાય છે.

9. ભવનાથનો મેળો


શિવરાત્રિના પાવન અવસર પર યોજાતો ખાસ મેળો એટલે ભવનાથનો મેળો. ગુજરાતના જૂનાગઢમાં આ મેળો યોજાય છે. જેને મિનિકુંભ કહેવામાં આવે છે. અહીં દેશભરમાંથી નાગા સાધુઓ આવે છે અને ધૂણી ધખાવે છે. વિદેશથી પણ લોકો આ મેળાને જાણવા અને માણવા આવે છે.

આ પણ વાંચોઃ ગુજરાતને જાણવા માટે તમને આટલી વસ્તુઓ ખબર હોવી છે જરૂરી

10.જન્માષ્ટમી
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ હોય અને રંગો ન હોય એવું બને ખરા? ખાસ કરીને રાજ્યભરના ગુજરાતના મંદિરોમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દ્વારકા મંદિરમાં તો વાતાવરણ અલૌકિક હોય છે. જો તમારે લાલાના જન્મના ઉત્સવને માણવો હોય તો આ તહેવાર દરમિયાન શ્રીકૃષ્ણના ધામની મુલાકાત લેવા જેવી છે.

gujarat Places to visit in gujarat