02 October, 2023 03:01 PM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર
આપણે ઇસ્લામ-ઇસ્લામ બહુ કરીએ છીએ, પણ એ ધર્મની વિશેષતાઓ વિશે બહુ ઓછું જાણીએ છીએ. હું પ્રથમથી જ બધા ધર્મોનું એની અનુકૂળ દૃષ્ટિથી અધ્યયન કરતો રહ્યો છું અને લોકોને પણ આવી રીતે સર્વ ધર્મનું અધ્યયન કરવાનું સૂચવતો રહ્યો છું. મને એથી ઘણો લાભ થયો છે.
મારામાં જે કાંઈ વિશાળતા કે વ્યાપકતા આવી છે એ આ સર્વ ધર્મનાં શાસ્ત્રોના અધ્યયનથી આવી છે. આ અધ્યયનના કારણે હું સંપ્રદાયમુક્ત ધાર્મિકતાનો ચાહક થયો છું. હું વિના સંકોચે કહીશ કે જો મેં એ કાર્ય ન કર્યું હોત તો કદાચ હું પણ સંપ્રદાયથી જકડાયેલો રહ્યો હોત અને મેં પણ ઘણું ગુમાવ્યું હોત.
અધ્યયન દરમ્યાન મેં બધા ધર્મોનાં કંઈક અંશે જમા-ઉધાર પાસાં જોયાં છે અને એમાંથી જમા-જમા પાસાંઓનું સમર્થન કરતો રહ્યો છું. ઘણી વાર ઘણા હિન્દુભાઈઓની ફરિયાદ રહે છે કે હું ઇસ્લામનાં વખાણ કરું છું, જે મારે ન કરવાં જોઈએ. એમની આ ફરિયાદમાંથી પહેલી વાત સાથે હું સહમત છું કે હું ઇસ્લામનાં વખાણ કરતો હોઉં છું, પણ એની સાથોસાથ હું એ વાત સાથે બિલકુલ સહમત નથી કે મારે એનાં વખાણ ન કરવાં જોઈએ. શું કામ નહીં કરવાનાં વખાણ, જ્યારે તમારી પાસે સારી વાત આવે છે ત્યારે એને ચોમેર ફેલાવવી એ તમારી ફરજ છે અને ઇસ્લામ પાસે એવી વાત છે પણ ખરી.
ઇસ્લામનો એકેશ્વરવાદ, સમાનતા, આભડછેટ વિનાની જીવનવ્યવસ્થા, બ્રહ્મચર્ય પાળવા પર નહીં, પણ કુદરતસહજ આવેગોને કુદરતી માર્ગે શમાવવા પર મૂકવામાં આવતો ભાર, લગ્ન અને મરણપ્રક્રિયામાં ન્યાય અને વિશાળતા, બધા ધર્મના માણસો માટે પોતાના દરવાજા ખુલ્લા રાખવા, મસ્જિદની સાદાઈ, નિરાકાર પરમાત્માને સોના-ચાંદીના દાગીનાથી શણગારવાનો અભાવ અને એવી જ રીતે છપ્પન ભોગ જેવા ભોગોનો અભાવ, વિશ્વભરની બધી કોમો અને બધા ધર્મના માણસો માટે પોતાના દરવાજા ખુલ્લા રાખવા, સૌને સમાવવા, સૌની સાથે એકતા કરવી, સાથે બેસીને આભડછેટ વિના જમવું અને આવી બીજી અનેક વાતો છે જેનાથી હું પ્રભાવિત થયો છું અને એટલે એ વાતોને હું વધુમાં વધુ લોકો પાસે મૂકવા પણ તૈયાર છું. જે વાત અયોગ્ય છે એ કહેવામાં પણ મેં ક્યારેય પાછા પગ નથી કર્યા તો પછી જે વાત યોગ્ય છે, જે આપણે સૌએ સમજવાની જરૂર છે એવી વાત કહેવામાં સંકોચ શાનો રાખવાનો. ઇસ્લામની જ નહીં, મેં તો એ સિવાયના ધર્મોની પણ સારી વાતોનો સ્વીકાર કર્યો છે અને એ પણ લોકો સુધી પહોંચાડી છે.