દક્ષિણ ગુજરાતમાં માતાજીની આરાધનાનું આદિવાસી નૃત્ય : ઘેરિયા

23 October, 2022 04:50 PM IST  |  Mumbai | Ashok Patel

સુરત, નવસારી, તાપી, વલસાડના આદિવાસીઓ એક ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. પુરુષો દ્વારા સ્ત્રીવેશમાં થતું આ અનોખું નૃત્ય એક પ્રકારની માતાની આરાધના રૂપે પણ થાય છે અને મનોરંજન રૂપે પણ

ઘેરિયા આદિવાસી નૃત્ય

મહુવા, ચીખલી, પારડી અને ધરમપુર વિસ્તારમાં ઢોડિયા સમાજના ઘેરિયાઓ ઘેર રમતા હોય છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક કોળી યુવાનો પણ ઘેર રમતા હોય છે

મનીષ રે ભાઈ ઘોડીએ ચયડા, હાં.... રે ... હાં... ભાઈ

ઘોડીએ ચયડા ભીલા ભીલ, હાં... રે ... હાં... ભાઈ

ભાઈની ઘોડી જાહે રે ગામ, હાં... રે ... હાં... ભાઈ

હાં રે હાં ભાઈનું કોરસ, ઘૂઘરાનો રણકાર અને સ્ત્રીનો પહેરવેશ છતાં પૌરુષત્વ છલકાવતું નૃત્ય... જોમ અને જુસ્સો એવો કે જોનારાઓના પગ પણ થિરકવા માંડે, સાથે સાથે હાં રે હાં ભાઈમાં સૂર પણ પુરાવા માંડે. ના, આ કોઈ સામાન્ય નૃત્ય નથી, પરંતુ માતાજીની આરાધના માટે દક્ષિણ ગુજરાતની હળપતિ પ્રજાનું એ નૃત્ય છે.

નવરાત્રિથી દિવાળી સુધી હળપતિઓ માતાજીની આરાધના આ નૃત્ય દ્વારા કરતા જોવા મળે છે. સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં જોવા મળતું આ નૃત્ય ગુજરાતીઓના જાણીતા ગરબા સાથે મળતું આવે, પણ એ સામાન્ય ગરબી તો નહીં જ. એ માટેની તૈયારીઓ તો અનોખી જ હોય છે. નવરાત્રિના મહિના પહેલાં ઘેર બાંધવી કે નહીં એ વિશેનો નિર્ણય હળપતિ કોમનો સમૂહ લેતો હોય છે. એ પછી ઘેર રમવા માટે વીસથી પચીસ ઘેરિયાની પસંદગી કરવામાં આવતી હોય છે. એમાં ફક્ત નૃત્ય કરનારાઓ જ નહીં, પણ વિવિધ પાત્રો ભજવનારાઓની પણ પસંદગી કરવામાં આવે છે. આ પસંદગી થઈ જાય એ પછી આરાધના શરૂ થતી હોય છે. ઘેરમાં જોડાનારાઓ આખો મહિનો માતાજીની આરાધના, પૂજન કરતા હોય છે. એ આખો મહિનો ઘેરિયાઓ બ્રહ્મચર્ય પાળે છે અને માંસાહારથી પણ દૂર રહે છે. દરરોજ માતાજીનું પૂજન, આરતી અને જાપ કરે છે. એ આકરી તપશ્ચર્યા બાદ નવરાત્રિ આવે એટલે ઘેર રમવાનું શરૂ થાય છે, પરંતુ સવાલ એ થાય છે કે આ પરંપરા કઈ રીતે શરૂ થઈ?

ઘેરિયા વિશે બે લોકવાયકા પ્રચલિત છે. એક કથા એવી છે કે કોઈક ભીલારાણી નામની રાણીના રજવાડામાં એક યુવાન રાઠોડે એ રાણી સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. એ ઇનકારથી નારાજ થયેલાં રાણીએ રાઠોડને પામવા માટે ભીલારાણીએ ઉગ્ર તપ કર્યું. તુળજાભવાની માતાએ પ્રસન્ન થઈને રાણીને તળાવના કિનારે ઘેરિયા રાસના વેશમાં સજ્જ થઈને રક્ષણ બક્ષ્યું હતું. એ પ્રસંગની યાદમાં દર વર્ષે ઘેરિયા રાસ રમાતો હોય છે. એ ઉપરાંત બીજી વાયકા એવી છે કે પાવાગઢના ચાંપાનેર પર મુસ્લિમોએ આક્રમણ કર્યાં હતાં. આક્રમણ દરમ્યાન તેઓ લોકોનું ધર્માંતરણ પણ કરતા હતા. ધર્માંતરણ કરવું ન પડે એ માટે રાઠોડો પાવૈયાનો વેશ લઈને ત્યાંથી છટકી ગયા. ચાંપાનેરમાંથી રાઠોડો ધર્માંતરણ કરવું ન પડે એ માટે પાવૈયાના રૂપમાં ઘેરિયા નૃત્ય કરતાં-કરતાં છટકી ગયા અને ત્યારથી આ પરંપરા ચાલુ થઈ છે. એ ઉપરાંત બીજી કેટલીક દંતકથાઓ પણ ઘેરિયા નૃત્ય સાથે સંકળાયેલી છે. એ વાયકાઓને ધ્યાનમાં લઈએ તો ઘેરિયા નૃત્ય પાંચ-છ સદી જૂની પરંપરાનો એક ભાગ છે એવું ફલિત થાય છે.

ઘેરિયા એટલે વીસથી પચીસ યુવાનોનો પોશાક મહિલાઓનો અને શૈલી પુરુષની એવું સંયોજિત નૃત્ય. ઘેરિયાઓ બેથી ત્રણ સાડીઓ પહેરતા હોય છે. કમરની નીચે ડબલ ફાળના ધોતિયાની શૈલીથી સાડી પહેરતા હોય છે. બીજી સાડી કમરથી ઉપરના ભાગે કબજાની ઉપર વાળીને ખભાની ઉપર બાંધેલી હોય છે અને ત્રીજી સાડીને માથા પર ફેંટારૂપે બાંધવામાં આવે છે. શણગાર પણ પૂરો મહિલાઓ જેવો. કમરે ઘૂઘરા, પગમાં ઝાંઝર, કેડે કંદોરો, કાનમાં લટકણિયાં, આંખે કાજળ, ને વળી ચશ્માં પણ ખરાં અને હોઠ પર લાલી લગાવેલો પુરુષ દૂરથી જુઓ તો કોઈ સ્ત્રી જ લાગે, પરંતુ જ્યારે ચાલે કે નૃત્ય કરે, ત્યારે તેમાં મહિલાની લચક નહીં, પણ રમરમાટ તો પુરુષનો જ જોવા મળે.

ઘેર બાંધવાનો નિર્ણય થાય એટલે મહિના સુધી માતાજીની આરાધનાની સાથે રાસની પ્રૅક્ટિસ થાય. ઘેરિયાની પસંદગી પછી મુખ્ય ભૂમિકા કવિયાની આવે. કવિયો એટલે માતાનો ખાસ ભક્ત. ઘેરિયાઓને મલ્લિમાતા કે વેરાઈમાતા કે કાલિકામાતા કે અંબામાતાના મંદિરે લઈ જઈને ભાવથી માતાની પૂજા કરાવે. માતાને જગાવીને બાધા રાખવામાં આવે અને પૂજા-અર્ચના કરી માતાજીની જય બોલાવવા સાથે નાળિયેર વધેરીને પ્રસાદી વહેંચીને ઘેરિયા રમવાનું શરૂ થતું હોય છે. ઘેરિયામાં રાસ રમનારો એક હાથમાં દાંડિયો અને બીજા હાથમાં મોરપીંછનો ઝૂડો રાખતો હોય છે. તે ઘેર રમતો હોય, તો કવિયો ઘેરિયાઓને રમાડે છે. તેનો વેશ મહિલાઓનો હોતો નથી, પણ તે ખમીસ, બંડી કે કોટ પહેરે, સાથે માથે સાફો બાંધે કે ટોપી પણ પહેરે. તેના એક હાથમાં મોરપીંછનો ઝૂડો અને બીજા હાથમાં છત્રી હોય છે. પ્રસંગ પ્રમાણે તે ગીત ગવડાવતો હોય છે. ઘેરિયાઓની સાજસજ્જા કરનારો ગભાણિયો કહેવાય. વડીલ વર્ગ પણ સાથે હોય, જે મૂઠ તારેક સહિત સાર સંભાળનારા ગણાય. ઘેરિયા રમવા સાથે મહેનતાણું ઉઘરાવવા માટે એક વ્યક્તિ હોય. એક તબલચી કે ઢોલકવાળો હોય,. વાદકોમાં થાળીવાળો, મંજરીવાળો અને ખંજરીવાળો પણ હોય. દરેક ઘેરિયા ટીમમાં ઘેરને નજર ન લાગે એ માટે બગલીવાળો હોય છે. તેના એક હાથમાં લાંબી લાકડી હોય છે, તેના ઉપરના છેડે આડી લાકડી પર ખમીસ, બંડી કે બુશશર્ટરૂપે ડગલી લટકાવેલી હોય છે. તે વસ્ત્રનું દાન માગતો હોય છે. ઘેરિયા રમાતા હોય ત્યારે એની આસપાસ ફરીને જોનારાઓનું મનોરંજન કરનારો ઘોડીવાળો હોય છે. તે આમ તો જોકર જ કહેવાય. લાકડી પર

લાકડામાંથી બનેલું ઘોડાનું માથું લઈને જાણે ઘોડેસવારી કરતો હોય એમ ઘેરની આસપાસ ફરતો રહી લોકોને હસાવતો હોય છે, તો તરકટ કરી મનોરંજન કરનારો તરકાટિયો પણ ટીમમાં હોય છે. આ ટીમમાં કાળી બિલાડી બનેલો ઘેરિયો હોય છે, જે ઘેરિયા ગવડાવનારાના ઘરમાં જઈને ઘરમાંથી ભૂતપ્રેત ભગાવવાની પરંપરા નિભાવે. તેનો વેશ બિલાડી જેવો જ. શરીર પર કાળો રંગ ચોપડીને કાળી બિલાડી બને ને પાછળ પૂંછડી પણ લગાવે!

ઘેર નીકળે એટલે તેઓ ચાલતા હોય એના કરતાં દોડતા હોય એવું વધુ લાગે. કમર પર બાંધેલો ઘૂઘરાના પટ્ટાનો રણકાર દૂરથી જ ઘેર આવતી હોવાનો અહેસાસ કરાવી દે અને કોઈ ઘેર બોલાવે એટલે તેના આંગણામાં એક અનોખું જોમ અને જુસ્સાવાળું નૃત્ય શરૂ થાય એ ઘેરિયા, માતાની આરાધના ખરી અને લોકોનું મનોરંજન પણ ખરું.

columnists