Navratri 2021: પ્રથમ નોરતે મા આદ્યાશક્તિના ઘટસ્થાપન માટે શુભ મુહૂર્ત જાણો અહીં 

06 October, 2021 03:00 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આ તહેવારની ઉજવણીમાં મંદિરોમાં અને ઘરમાં મા આદ્યાશક્તિની ઘટસ્થાપના કરવામાં આવે છે.

માતાની આધારના કરવાનો તહેવાર એટલે નવરાત્રી

માતા શક્તિનાં નવ સ્વરુપોની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી.  આસો સુદ  અકમ એટલે કે 7 ઓક્ટોબરથી  માતાના નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ તહેવાર ભારતીય સંસ્કૃતિ સાથે સદીઓથી વણાયેલો છે. નવ રાત સુધી ચાલનારા આ તહેવારમાં શક્તિનાં નવ સ્વરુપની આરાધના કરવામાં આવે છે. 

નવરાત્રીમાં માતાની ઉપાસના કરવાની સાથેસાથે ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. ઘરમાં ઘટની સ્થાપના કરવા ઉપરાંત માતા દુર્ગાની પ્રતિમાની સ્થાપના થાય છે. દશેરાના દિવસે આ પ્રતિમાઓનું વિસર્જન થાય છે. આ વર્ષે દશેરા 15 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. આપણી સંસ્કૃતિ અને રિતી-રિવાજ પ્રમાણ દરેક ધાર્મિક કામ આપણે મુહૂર્તના આધારે કરીએ છીએ. આ વર્ષે 7 ઓક્ટોબર 2021ના રોજ ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત સવારે 6:17 થી 10:11 સુધીનું રહેશે. ત્યાર પછી અભિજીત મુહૂર્ત 11:46 મિનિટથી 12:32 મિનિટ સુધી રહેશે.

આ તહેવારની ઉજવણીમાં મંદિરોમાં અને ઘરમાં મા આદ્યાશક્તિની ઘટસ્થાપના કરવામાં આવે છે. શુભ મુહૂર્ત અનુસાર ઘટ સ્થાપના વખતે માટીમાં અગિયાર ધાન્યની વાવણી કરીને જવારા ઉગાડવામાં આવે છે અને દસમા દિવસે માતાના વિસર્જન સાથે જવારાનું પણ વિસર્જન પણ થાય છે. કેટલાક લોકો શુકન તરીકે જવારા પોતાની તિજોરીમાં આખા વર્ષ સુધી રાખી મુકે છે.  

નવરાત્રીના પ્રથમ દિવસે જ ઘટસ્થાપન કરવામાં આવે છે. આ સ્થાપન માટે લાલ રંગના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યાર પછી એક કળશમાં પાણી લઈ તેના ઉપરના ભાગને નાળાથી બાંધી માટીના પાત્ર પર મૂકવામાં આવે છે, જેમાં સપ્ત ધાન્ય હોય છે. ત્યાર પછી કળશની ઉપર પાન મુકી કળશની પૂજા થાય છે. માતાજીના સ્થાપનમાં અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે છે, જે અંતિમ દિવસ સુધી ના બુઝાય તેનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ દરમિયાન માતાજીના ઝાપ કરવામાં આવે છે અને માતાજીની ભાવપુર્વક શ્રદ્ધા સાથે નવ દિવસ પુજા અર્ચના કરવામાં આવે છે. 

 

navratri culture news durga puja