અહીં દર્શન કરશો તો ક્યારેય નહીં નડે શનિની પનોતી

27 August, 2019 01:31 PM IST  |  દ્વારકા

અહીં દર્શન કરશો તો ક્યારેય નહીં નડે શનિની પનોતી

શનિ દેવ ન્યાયના દેવતા છે. શનિ દેવ કર્મનું ફળ આપે છે. જો કે મોટા ભાગે આપણને શનિને પનોતી તરીકે જ ઓળખીએ છીએ. દરેક વ્યક્તિના જીવનમાં એકવાર તો શનિની પનોતીનો સમય આવે જ છે. ત્યારે મોટા ભાગના લોકો ડરી જતા હોય છે. જો કે આ પનોતી પણ આખરે તો કર્મના સિદ્ધાંત પર જ આધારિત છે. પરંતુ આજે અમે તમને વાત કરીશું એક એવા મંદિરની જ્યાં દર્શન કરીને શનિ દેવના આશીર્વાદ મેળવશો તો જીવનમાં ક્યારેય શનિની પનોતી નહીં લાગે.

વાત છે દ્વારકા જિલ્લામાં આવેલા હાથલા ગામના શનિ મંદિરની. હાથલાનો ઉલ્લેખ પુરાણોમાં અને શાસ્ત્રોમાં ભગવાન શનિદેવના જન્મસ્થળ તરીકે થયો છે. વર્ષે લાખો લોકો આ મંદિરના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે અહીં રહેલી શનિદેવની મૂર્તિ, શનિકુંડ વગેરે છઠ્ઠી અને સાતમી સદી દરમિયાન બનેલા છે. જેને પુરાતત્વ વિભાગે સુરક્ષિત રાખ્યા છે.

આ મંદિરમાં શનિદેવ બાળ સ્વરૂપે બિરાજમાન છે. સાથે જ શનિદેવની પ્રાચીન મૂર્તિઓ, શિલ્પ, તૂટેલું શિવલિંગ, નંદી, હનુમાન અને શનિકુંડ હયાત છે. આ શનિકુંડમાં બાળ શનિદેવની મૂર્તિ હાથીની સવારી પર બિરાજમાન થયેલી છે. આ મંદિરની બાંધણી કાળ જેઠવાઓના ઘુમલી રાજ્યના પહેલા મૈત્રકકાલીન સમયમાં બન્યું હોવાનું કહેવાય છે.

હાથલા ગામ બરડા ડુંગર નજીક આવેલું છે. આ બરડા ડુંગર તરીકે ઓળખાતો વિસ્તાર એક સમયે બટુકાચળ અને પીપ્લાવન હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તેમાં હાથલાનો ઉલ્લેખ હસ્તિનનસ્થળ અને મધ્યકાળમાં હસ્થથલ તરીકે થયેલો છે. આ ગામનું નામ અહીં હાથી પર બિરાજેલા શનિદેવની હાજરીથી પડ્યું છે.

શાસ્ત્રોમાં દર્શાવાયા પ્રમાણે શનિદેવના 10 સ્વરૂપ છે, અને 10 વાહનો તેમજ 10 પત્નીઓ છે. જેમાંથી એક છે પિપ્લાશ્રય, જેમાં બાળ શનિદેવ હાથીની સવારી કરે છે. હાથલા સિવાય દેશમાં ક્યાંય શનિ દેવની હાથીની સવારી પરની મૂર્તિ નથી.

પ્રાચીન કથા એવી છે કે મુગ્દલ નામના ઋષિનો આ સ્થળે વાસ હતો, તેમણે શનિદેવની ઉપાસના કરી તેમને પ્રસન્ન કર્યા હતા. ત્યારે હાથી પર સવાર શનિદેવે તેમને આશીર્વાદ આપતા કહ્યું હતું જે વ્યક્તિ ખાસ કરીને મામા-ભાણેજ અહીં સાથે દર્શન કરશે તો તેમને મારી કઠોર દ્રષ્ટિના તાપમાંથી મુક્તિ મળશે. તમને મહારાષ્ટ્રના શનિ શિંગડાપુરમાં આવેલા જાણીતા શનિ મંદિર વિશે તો ખ્યાલ જ હશે. અહીંના શનિ મંદિરના પુસ્તકમાં પણ શનિદેવના મુખ્ય સ્થાન તરીકે હાથલાનો ઉલ્લેખ છે. આ મંદિર દ્વારકા જિલ્લાના ભાણવડ ગામથી 20 કિલોમીટર દૂર છે.

આ પણ વાંચોઃ શ્રીફળનો પહાડઃ વર્ષોથી પડ્યા છે લાખો શ્રીફળ, તેમ છતાંય નથી બગડતા

રસપ્રદ વાત એ છે કે આ પ્રાચીન શનિદેવના મંદિરની સાથે સાથે શનિદેવના પત્ની પનોતી દેવીનું પણ મંદિર આવેલું છે. કહેવાય છે કે અહીં આવેલા શનિ કુંડમાં જો મામા અને ભાણેજ સાથે સ્નાન કરી પૂજા કરે તો જીવનભર શનિની પનોતી નડતી નથી. પનોતીથી છૂટવા લોકો પોતાના જોડા પણ અહીં જ મૂકીને જાય છે. પ્રાચીન માન્યતા છે કે પનોતી રૂપી પગરખા મંદિરે મૂકી દેવાથી પનોતી જતી રહે છે.

Places to visit in gujarat gujarat dwarka