જાણો તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો, 'ફરફર', 'પછેડીવા' કે પછી 'નેવાધાર'?

01 July, 2019 04:07 PM IST  |  અમદાવાદ

જાણો તમારે ત્યાં કેવો વરસાદ પડ્યો, 'ફરફર', 'પછેડીવા' કે પછી 'નેવાધાર'?

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતી સાહિત્યમાં વરસાદના 12 પ્રકાર પાડેલા છે.

૧. ફરફર
જેનાથી ફકત હાથ પગના રુવાળા ભીના થાય તેવો નજીવો વરસાદ. એટલે એમ કહીએ કે જરાક વરસાદે ડોકું કર્યો અને જતો રહ્યો.

૨. છાંટા
ફરફર થી થોડો વધારે વરસાદ. છાંટા શબ્દ તો આપણે રોજબરોજના જીવનમાં વાપરતા હોઈએ છે. જેમાં રસ્તાઓ પણ માંડ ભીના થાય તેવો વરસાદ એટલે છાંટા.

૩. ફોરા
છાંટાથી મોટા ટીપા વાળો વરસાદ. એવા ટીપા જે તમારા શરીર પર પડે તો તમે તેને અનુભવ થાય. વાગે ખરા..

૪. કરા
ફોરાથી વધુ અને નાના બરફના ટુકડાનો વરસાદ. કરા ગુજરાતમાં ભાગ્યે જ પડે છે.

૫. પછેડીવા
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ. એટલે હળવો વરસાદ. જેનાથી તમે માત્ર એક પછેડી જેવા કપડાથી રક્ષણ મેળવી શકો.

૬. નેવાધાર
ઘરના છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તે પાણી ઘરના છાપરા પરથી નીચે પડે ત્યારે તેને નેવાધાર વરસાદ કહેવાય.

૭. મોલમેહ
મોલ એટલે કે પાકને પૂરતો થઈ રહે તેટલો વરસાદ. ખાસ કરીને ખેડૂતો માટે આ વરસાદ છે. તેમના પાકને પાણી મળી રહે એટલો જ વરસાદ. ન વધુ ન ઓછો.

૮. અનરાધાર
એક છાંટા ને બીજો છાંટો અડે અને ધાર થાય એવો વરસાદ. સતત પડતો વરસાદ

૯. મુશળધાર
અનરાધાર થી વધુ હોય એવો વરસાદ એટલે મુશળધાર વરસાદ. તેને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.

૧૦. ઢેફાં
વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફાં ભાંગી જાય એવો વરસાદ

.૧૧. પાણમેહ
ખેતરો પાણીથી ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય એવો વરસાદ. આવો વરસાદ ખેતરના પાક માટે નુકસાનકારક છે.

આ પણ વાંચોઃ વરસાદી વાતાવરણમાં આ ગુજરાતના સ્થળોએ બની જાય છે સ્વર્ગ સમા

૧૨. હેલી
અગિયાર પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત એક અઠવાડિયું ચાલે તેને હેલી કહેવાય છે ... ... !!!

તો હવે યાદ રાખજો અને વરસાદનું જ્યારે આગમન થાય ત્યારે ખાસ જોજો કે તમારે ત્યાં ક્યા પ્રકારનો વરસાદ પડી રહ્યો છે? તેનાથી ડરવા જેવું છે કે નહીં!!

Gujarat Rains gujarat