સંતોષને લગામ ક્યારે આપવી અને શું કામ આપવી?

20 April, 2026 01:59 PM IST  |  Mumbai | Swami Satchidananda

પરિવારને સમય આપ્યા વિના પૈસા પાછળ ભાગતા રહેવું ગેરવાજબી છે તો પરિવારને જ માત્ર સમય આપવો એવું ધારવું કે વિચારવું પણ અયોગ્ય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સંસારીઓને મોટા ભાગના સત્સંગમાં એવું કહેવામાં આવે છે કે સંતોષ રાખો, પણ સંતોષ શું કામ રાખવો એ ક્યારેય સમજાવવામાં નથી આવતું. કહેવામાં આવે કે બહુ પૈસા કમાયા, હવે સંતોષ કરો; બહુ ધન એકઠું કર્યું, હવે સંતોષ રાખો; બહુ કામ કરી લીધું, હવે સંતોષ રાખો. હું આ એક પણ સંતોષકારી વાત સાથે સહમત નથી. સંસારીનું કામ જ અસંતોષ સાથે દોડવાનું છે, એકઠું કરવાનું છે. તમે જ વિચારો કે આપણા દેશમાં જો તાતા-બિરલા અને અંબાણીઓએ સંતોષ રાખ્યો હોત તો શું આજે હજારો અને લાખો લોકોને રોજીરોટી આપી શક્યા હોત? ખાવાનું તો તેમણે પણ દાળ-ભાત અને શાક-રોટલી જ છે; પણ એમ છતાં તેઓ રોજ દોડે છે, રોજ નવું-નવું કામ કરે છે અને રોજેરોજ નવાં-નવાં સાહસો કરે છે. આ જે સાહસ છે એ દરેકેદરેક સંસારીઓના લોહીમાં હોવું જોઈએ. રોજ કામ કરવાની ક્ષમતા પણ સંસારીઓમાં હોવી જોઈએ અને એ ક્ષમતા જીવનના છેલ્લા શ્વાસ સુધી હોય તો જ સંસારી તરીકે જીવન જીવ્યાનો તે આનંદ માણી શકશે.

આપણે ત્યાં જેમ મા પોતાના દીકરાઓને સાહસિક બનતાં અજાણતાં રોકી બેસે છે એવી જ રીતે આપણે ત્યાં અર્ધાંગિની પોતાના પતિને આગળ વધતાં અજાણતાં જ રોકી બેસે છે અને એકધારી કચકચને લીધે પુરુષ પોતે ધીમે-ધીમે જાતને રોકતો થઈ જાય છે. જોકે સામાજિક રીતે એ ગેરવાજબી છે. માણસ જેટલો આગળ વધે એટલો જ તે સમાજને લાભદાયી બને અને સમાજને લાભ કરાવવો, વધુમાં વધુ લોકોને રોજીરોટી આપવાનું કામ કરવું એ રાષ્ટ્રપ્રેમની નિશાની છે. હા, સાથોસાથ પૈસો ખર્ચાવો પણ જોઈએ અને પરિવારને સમય આપવાની માનસિકતા પણ કેળવવી જોઈએ.

પરિવારને સમય આપ્યા વિના પૈસા પાછળ ભાગતા રહેવું ગેરવાજબી છે તો પરિવારને જ માત્ર સમય આપવો એવું ધારવું કે વિચારવું પણ અયોગ્ય છે. પતિ કે પરિવારના મોભીએ પરિવારનું વિચારતા રહેવું જોઈએ અને પરિવારે તથા પત્નીએ પતિનું ચાલકબળ બનીને તેને સહકાર આપતા રહેવું જોઈએ. તેણે ખુશ થવું જોઈએ કે તેના પતિને પૈસા કમાવાનો શોખ છે, આગળ વધવાની ધગશ છે. આજે પણ દેશમાં અનેક રાજ્યો એવાં છે જ્યાંના પુરુષો કામચોર છે. બે ટંકનું કમાઈ લીધું એટલે વાત પૂરી થઈ ગઈ. જોકે મારી નજરે એ કુદરતે આપેલી ક્ષમતાનું અપમાન છે. ઈશ્વર દરેકને એવી ક્ષમતા નથી આપતો કે તે અઢળક ધન કમાઈ શકે. ઈશ્વર દરેકને એવી કુનેહ નથી આપતો કે તે રોજગાર આપી શકે. રોજગાર આપવાથી મોટી દેશસેવા બીજી કોઈ નથી. રોજગાર આપનારો રાષ્ટ્ર પરનું ભારણ ઓછું કરતો હોય છે અને એ ક્ષમતા જો તમારા પરિવારમાં કોઈની હોય તો તેને સહકાર આપજો, તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરજો. 
નહીં કે સંતોષના નામની ખોટી સલાહ આપવી.

culture news lifestyle news life and style columnists