પંચાક્ષર મંત્રનો જાપ સ્વર્ગનાં દ્વાર ખોલી આપવાનું કામ કરે

29 August, 2021 03:38 PM IST  |  Mumbai | Aacharya Devvrat Jani

પંચાક્ષર મંત્રના પ્રારંભમાં આવતા ઓમકારને લીધે એ ષડાક્ષર બને છે અને ભગવાન શિવનો સાક્ષાત્કાર કરાવે છે

શિવલિંગ

આપણી વાત ચાલે છે પંચાક્ષર મંત્ર ‘ૐ  નમઃ શિવાય’ની, જેમાં આપણે પંચાક્ષર મંત્ર સાથે જોડાયેલી એક કથાની વાત કરી. કાર્ણિક નામના રાજ્યના ઋષિવરને એક આદત. દરેક વાતના આરંભ અને અંતમાં ‘ૐ  નમઃ શિવાય’ બોલે. કોઈ સામે જુએ તો પણ ‘ૐ  નમઃ શિવાય’ અને કોઈ દર્શનાર્થે આવે તો પણ ‘ૐ  નમઃ શિવાય’. પંચાક્ષરની એક ખાસિયત છે. એના રટણના પ્રત્યુત્તરમાં પણ પંચાક્ષર જ બોલવામાં આવે છે. ઋષિવર ‘ૐ  નમઃ શિવાય’ બોલે એટલે કાર્ણિક રાજ્યની દરેક વ્યક્તિને પણ એ આદત પડી.

ઋષિવર તપ અને સાધના માટે હિમાલય ગયા. થોડા સમય પછી બનવાકાળ કાર્ણિક નગરીનો પ્રલયમાં નાશ થયો અને કાર્ણિક ખતમ થઈ ગયું. સાધના કરીને પાછા આવેલા ઋષિવર માટે કાર્ણિકવાસીઓ તેમનો પરિવાર હતો. નગરમાં કોઈ બચ્યું નહોતું એટલે ઋષિવરે પણ જીવ આપવાનું નક્કી કર્યું અને પંચાક્ષરના પાઠ સાથે જીવ આપી દીધો. ઋષિને લેવા અપ્સરાઓ આવી, પણ ઋષિવર ગયા નહીં. દેવતાઓ આવ્યા, પણ ઋષિવરે જવાની ના પાડી દીધી. ઋષિવરે કહ્યું કે મને તમારું સ્વર્ગ ખપે નહીં, કારણ કે મારા કાર્ણિકવાસી પરિવારજનો તમારા સ્વર્ગમાં નથી.

દેવતાઓએ સ્પષ્ટતા કરી કે કાર્ણિકવાસીઓ સ્વર્ગમાં જ છે. ઋષિ માનવા તૈયાર નહીં. ઋષિને મનાવવા માટે દેવતાઓ પણ મૂંઝાયા. કેવી રીતે ઋષિને ભરોસો આપવો? દેવતાઓએ આશરો લીધો મહાદેવનો. મહાદેવને વાત કરી એટલે મહાદેવ આવ્યા અને પ્રગટ થયા. મહાદેવને જોઈને ઋષિવર ખુશ થઈ ગયા, પણ સ્વર્ગમાં જવાની વાત સાથે સહમત થયા નહીં. મહાદેવે તેમને કહ્યું કે ઋષિવર વિશ્વાસ રાખો, બધા સ્વર્ગમાં છે. આવો જુઓ અને જો એવું ન હોય તો તમને વરદાન આપું છું કે તમારે જે લોકમાં જવું હોય ત્યાં તમને જવા મળશે.

ઋષિવર માની ગયા અને ગયા સ્વર્ગલોકમાં. જઈને જોયું અને એ તો આભા રહી ગયા. કાર્ણિક નગરીની એકેએક વ્યક્તિ ત્યાં હતી. ઋષિવરે મહાદેવની સામે જોયું અને પૂછ્યું કે આવું થવાનું કારણ શું? શું નગરવાસીના એકેએક માણસે પુણ્યો જ કર્યાં છે? પાપ કોઈએ કર્યું નથી? એટલે મહાદેવે કહ્યું કે ના, એવું નથી, પણ એ બધાં પાપો તેમનાં ધોવાઈ ગયાં છે. દરેક વ્યક્તિએ એટલી વાર ‘ૐ નમઃ શિવાય’નું રટણ કર્યું છે કે બધા માટે સ્વર્ગલોકનાં દ્વાર ખોલી નાખવામાં આવ્યાં.

ઋષિવર રાજી થઈ ગયા, પણ તેમના આ રાજીપામાં અચરજ ત્યારે ઉમેરાયું જ્યારે તેમણે કાર્ણિક નગરીના પોતાના આશ્રમ પાસે બેસી રહેતા કૂતરાને પણ સ્વર્ગમાં જોયો. ઋષિએ મહાદેવ સામે જોયું અને મહાદેવ તેમના મનમાં આવેલો પ્રશ્ન પારખી ગયા. મહાદેવે કહ્યું કે આ કૂતરો તમને જ્યારે સામે મળતો ત્યારે તમે એને પણ ‘ૐ  નમઃ શિવાય’ કહેતા અને જવાબમાં એ ગળામાંથી માત્ર ‘ઓમ’નો નાદ કરતો. ઓમકારમાં પણ હું છું અને ‘ૐ નમઃ શિવાય’માં પણ હું છું. મારે મન તો ઓમકારનો પણ પ્રસાદ સ્વર્ગ છે અને પંચાક્ષર મંત્રના જાપનો પ્રસાદ પણ સ્વર્ગ છે. કૂતરાના મોઢેથી ઓમકાર નહોતો બહાર આવતો, પણ એ પ્રયાસો તો ઓમકારનો કરતો હતો અને એ પ્રયાસ તેણે કાયમ કર્યો. તમે જ્યારે એની સામે જોઈને એને ‘ૐ નમઃ શિવાય’ કહ્યું ત્યારે-ત્યારે તેણે પ્રયાસ કર્યો અને પ્રયાસથી શ્રેષ્ઠ કશું નથી. એ હતો પ્રયાસ, પણ ભાવના તેની શતપ્રતિશત શુદ્ધ હતી. મહાદેવ ભાવનો ભૂખ્યો છે, ભાવનાઓનો ભૂખ્યો છે. હેતુ શુદ્ધ હશે, મન નિર્મળ હશે અને હૈયે પ્રેમ હશે તો મહાદેવ દ્વારે આવીને ઊભો રહી જશે.

પંચાક્ષર મંત્રના પ્રારંભમાં આવતા ઓમકારને લીધે એ ષડાક્ષર બને છે અને ભગવાન શિવનો સાક્ષાત્કાર કરાવે છે. શાસ્ત્રો કહે છે કે પંચાક્ષર મંત્રનું માત્ર મનમાં ચાલતું રટણ પણ સંપૂર્ણ શાસ્ત્રોના જ્ઞાન અને શુભ કાર્ય દ્વારા મળતા જ્ઞાન અને પુણ્ય સમાન બને છે. પંચાક્ષર માટે પુરાણોમાં કહ્યું છે કે એ સર્વજ્ઞ, પરિપૂર્ણ અને સ્વભાવગત નિર્મળ બનાવે છે. મહાદેવના સાક્ષાત્કાર માટે કશું ન કરી શકો અને માત્ર પંચાક્ષર મંત્રનું રટણ કરો તો પણ એ પુણ્યશાળી બનાવે છે.

columnists