મંદિર ગામની બહાર, સ્મશાન ગામની મધ્યમાં

28 September, 2023 01:45 PM IST  |  Mumbai | Morari Bapu

આજનો માણસ કુદરતની આવી એક પણ નોટિસને ગંભીરતાથી લેતો નથી

મિડ-ડે લોગો

હું કોણ છું? એ પછી સંસાર કે સંન્યાસ? અને એના પછી દ્રષ્ટા બનવાની વાત આપણે જાણી અને પછી વાત શરૂ કરી, સંદેશાને ઓળખવાની.

કુદરત પણ એવું જ કરે. એ સૌપ્રથમ આંખની રોશની ઓછી કરે છે, પછી દાંત પડવા માંડે છે. એ પછી ઢીંચણની તકલીફ ને હૃદયની તકલીફ ને બીજી તકલીફો આવવાની શરૂ થાય છે. આ બધું શું બતાવે છે? એ જ કે સામાન રવાના થઈ રહ્યો છે અને અધિકારીની મુસાફરીનો દિવસ નજીક આવી રહ્યો છે, પરંતુ આજનો માણસ કુદરતની આવી એક પણ નોટિસને ગંભીરતાથી લેતો નથી. જે ગુનેગાર નોટિસનો જવાબ ન આપે, સમન્સ બજાવવા છતાં ન સમજે તેની ધરપકડનું વૉરન્ટ નીકળે છે એમ એક દિવસ યમના દૂત ધરપકડનું વૉરન્ટ લઈને આવે છે અને જીવે ફરજિયાત જવું પડે છે. એવું બને નહીં એટલે જ તુલસીદાસજીએ કહ્યું છે કે સંદેશાઓને ઓળખવાની તાતી જરૂર છે. સંદેશા જેવા મળવા માંડે એવું માનવું કે સામાન રવાના થવા માંડ્યો છે, સામાન પહોંચશે એટલે આપણે પણ એક્ઝિટ કરવાની આવશે.

હવે વાત કરવાની છે સૌથી અંતિમ મુદ્દાની, મોતને યાદ રાખીને આગળ વધો.

આજનો માનવી આવી પરિસ્થિતિમાં પણ સ્વસ્થ છે, એનું કારણ એક જ છે.

આજનો માનવી પોતાના મોતને ભૂલી ગયો છે. હા, તે સાવ વીસરી જ ગયો છે. તે એવું જ માને છે કે તે આવ્યો છે, પણ જવા માટે નહીં, કાયમ અહીં રહેવાનો છે, પણ આ તેની ભૂલ છે. એક દિવસ અવશ્ય એવો આવશે જ્યારે આત્મા નામનું પક્ષી દેહના પીંજરાને છોડીને ઊડી જશે. જૈન મુનિ તરુણસાગર કહે છે કે મંદિર ગામની બહાર હશે તો ચાલશે, પણ સ્મશાન ગામની બરાબર વચ્ચોવચ એવી જગ્યાએ હોવું જોઈએ જે ગામના દરેક નાગરિકને એક દિવસમાં ૧૦ વખત તેના મૃત્યુની યાદ અપાવ્યા કરે. માણસ ડાઘુ બનીને સ્મશાનમાં જાય છે અથવા બેસણામાં જાય છે ત્યારે તેની માણસાઈની ટકાવારી મહત્તમ હોય છે. દરેક માણસ જો પોતાના મોતને યાદ રાખે તો ભ્રષ્ટાચાર, દંગાફસાદ, લૂંટફાટ જેવા અપરાધો, ગુનાઓ સાવ ઓછા થઈ જાય. હું તો કહીશ કે નહીંવત્ થઈ જાય. પણ ના, એવું નથી થતું, કારણ કે માણસ એવું જ માને છે કે તેને મોત આવવાનું નથી.

માણસ સતત મોતને યાદ રાખે, પોતે પરદેશી છે એનું ભાન રાખે. સૌની સાથે પ્રેમથી રહે અને હરિનામ લીધા કરે તો જીવનયાત્રા સફળ થશે અને સમગ્ર વિશ્વ પ્રેમમય બનશે એની ખાતરી રાખજો.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

culture news life and style columnists Morari Bapu