કૉલમ : સેલિબ્રેશન કચ્છિયતનું

21 May, 2019 02:18 PM IST  |  | મયૂર જાની, તંત્રી - કચ્છી કોર્નર

કૉલમ : સેલિબ્રેશન કચ્છિયતનું

કચ્છી કોર્નર

કચ્છી જ્યાં વસે ત્યાં વસે કચ્છ. આમાં જરીકેય અતિશયોક્તિ નથી. કચ્છીઓને તેમની ધરા સાથે અમાપ પ્રેમ. એવી લાગણી કે તમે આ સૂકી ધરતીના માણસોને મળો તો લાગણીઓમાં નખશિખ ભીંજાઈ જાઓ. ધીંગી ધરાની આ પ્રજાની ખુમારીનો પણ કોઈ છેડો નથી. આવી જ કચ્છીઓની સંસ્કૃતિ અને તેમની પરંપરા. આવી કચ્છિયતની ઉજવણી તો કરવી જ જોઈએ અને એ વિચારના બીજે જન્મ આપ્યો કચ્છિયતના સેલિબ્રેશન કરતાં વિભાગ કચ્છી કૉર્નરને.

આ વિચાર શૅર કર્યો અને એને મળેલા અદ્ભુત આવકારથી અભિભૂત થવાયું. ખરેખર કચ્છ અને કચ્છીઓને જ સલામ કરવાનું મન થાય. ૧૮૧૯ની ૧૬ જૂને થયેલા ભયાવહ ભૂકંપથી લઈને છેક ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ થયેલા ભયંકર તારાજી વેરતા ધરતીકંપ સુધીમાં કુદરત કચ્છની ધરતીને ૯૦ વાર વિનાશક રીતે ધ્રુજાવી ચૂકી છે, પણ હારે એ કચ્છ અને કચ્છી નહીં. કુદરતની આટઆટલી થપાટ છતાં કચ્છીઓ માત્ર પગભર નથી થયા, તેમણે કલ્પી ન શકાય એવી સફળતાની હરણફાળ ભરી છે.

આવી પ્રજાની હામને બિરદાવવા માટે ‘મિડ-ડે’ રજૂ કરી રહ્યું છે ‘કચ્છી કૉર્નર.’ દર મંગળવારે પ્રસિદ્ધ થનારા આ ‘કચ્છી કૉર્નર’માં અમે વાત કરીશું કચ્છ અને મુંબઈ સહિત આખા જગતમાં વસતા કચ્છીઓની, પછી એ કચ્છીઓની સંસ્કૃતિ હોય, પરંપરા હોય, તેમની કોઈ સામાજિક પ્રવૃત્તિ કે પછી હોય સમાચારો. અમારો પ્રયાસ હશે કચ્છીઓને આવરી લેતાં દરેકેદરેક પાસાંને સ્થાન આપીએ ‘કચ્છી કૉર્નર’માં. માત્ર એટલું નહીં હોય ‘કચ્છી કૉર્નર’માં, સાથે હશે કચ્છના ઇતિહાસના અને સાંપ્રત સમયના નાયકોની સાહસગાથા.

આ પણ વાંચો : કૉલમ : તરસ્યું છે કચ્છ

અચલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ગુણોદયસાગર સૂરીશ્વરજી મ.સા.ને નમન કરતા અમારી સાથે જોડાવા માટે અહીં ખાસ આભાર માનું છું કીર્તિભાઈ ખત્રી, કિશોર વ્યાસ, વસંતભાઈ મારુ, રશ્મિન ખોના અને ભાવિની લોડાયાનો. ‘કચ્છી કૉર્નર’માં ભવિષ્યમાં વધુ કચ્છી સાક્ષરો જોડાશે એવી મને આશા છે.

...તો કચ્છીઓને ઇજન છે કે આવો, જોડાઓ અમારી સાથે કચ્છિયતના સેલિબ્રેશનમાં.

kutch Places to visit in gujarat