23 May, 2024 12:02 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
બુદ્ધને આપણે ભગવાન માનીએ છીએ, પણ એક મહત્ત્વની સ્પષ્ટતા - બુદ્ધ ભગવાનમાં માનતા નહોતા અને પોતાને ભગવાન પણ કહેવડાવતા નહોતા. તેમના જીવન વિશે એક કથા છે. બુદ્ધ બનતાં પહેલાં તેમનું નામ રાજા તરીકે સિદ્ધાર્થ હતું અને પછીથી ગૌતમ બુદ્ધ થયું હતું. ખેર, આ કથા મુજબ બુદ્ધના જન્મ પહેલાં આગાહી થઈ હતી કે તે કાં તો ચક્રવર્તી રાજા બનશે અથવા સાધુ-સંન્યાસી થશે. તેથી તેમના પિતાએ રાજકુંવર સિદ્ધાર્થમાં વૈરાગ્ય જાગે જ નહીં એ માટે તેમને રાજ્યની ચોક્કસ હદ કે મહેલની ચોક્કસ હદ બહાર જવા દીધા જ નહીં. તેમને માંદગી, વૃદ્ધત્વ અને મૃત્યુ જોવા જ ન મળે એવા માહોલમાં જ રાખ્યા; પરંતુ ભાગ્યનું લખેલું કોણ ટાળી શકે? એક દિવસ યુવા સિદ્ધાર્થ પોતાના સારથિને લઈને ચોક્કસ વિસ્તારોમાં પહોંચી જાય છે જ્યાં માર્ગમાં તેમને માંદગીથી પીડિત એક વ્યક્તિ દેખાય છે અને સિદ્ધાર્થ તેમના સારથિને પૂછે છે કે આને શું થયું છે. સારથિ કહે છે, એ વ્યક્તિ રોગનો શિકાર બની છે. સિદ્ધાર્થ પૂછે છે, શું મને પણ માંદગી આવશે? આગળ જતાં સિદ્ધાર્થ એક વૃદ્ધ વ્યક્તિને જુએ છે અને સારથિને પૂછે છે, શું હું પણ વૃદ્ધ થઈ જઈશ? એ પછી આગળ જતાં સિદ્ધાર્થ એક મૃતદેહની અર્થી લઈ જતા ટોળાને જોઈ પૂછે છે, આ વ્યક્તિને શું થયું? તેને ક્યાં લઈ જાય છે? સારથિ કહે છે, એ વ્યક્તિ મૃત્યુ પામી છે. સિદ્ધાર્થ કહે છે, શું હું પણ એક દિવસ મૃત્યુ પામીશ? સારથિ પાસે બીજા કોઈ જવાબ નથી. સિદ્ધાર્થ સારથિને કહે છે, રથ પાછો લઈ લો.
આ કથા વરસોથી પ્રચલિત છે, આપણે બધાએ અનેક વાર સાંભળી કે વાંચી હશે. પરંતુ આ બુદ્ધ જયંતી નિમિત્તે આવેલા વિચારો કંઈક નવું-જુદું કહેવા પ્રેરે છે. સત્ય સમજાવવા આપણને ઘણી વાર્તાઓ-કથાઓ કહેવી પડતી હોય છે, જેને આપણે સીમિત અર્થમાં જ સમજીને યાદ રાખી લઈએ છીએ. પરિણામે એના ખરા અર્થને સમજવાનું ચૂકી જઈએ છીએ. સમય સાથે સનાતન સત્ય બદલાતાં નથી, પરંતુ અર્થઘટન સમજવાનું સરળ બની શકે યા એના નવા અર્થ મળી શકે છે.
ઉપર્યુક્ત કથાને જુદા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. શું રાજકુમાર સિદ્ધાર્થે પોતાના પરિવારમાં કોઈને માંદા જોયા જ નહીં હોય? કોઈને વૃદ્ધ જોયા જ નહીં હોય? કોઈનું મૃત્યુ પણ જોયું નહીં હોય? સિદ્ધાર્થને બાળપણથી શાસ્ત્રોનો અભ્યાસ કરાવાતો હતો એમાં ક્યાંય માનવીની માંદગી, વૃદ્ધાવસ્થા અને મરણની વાત આવી જ નહીં હોય? એવું બની શકે? સિદ્ધાર્થની માતાનું જ તેમના જન્મ બાદ મૃત્યુ થયું હતું. પિતા વૃદ્ધ થતા ગયા હતા. યુદ્ધમાં સિદ્ધાર્થે પોતે અનેકને હણ્યા હતા, ઘાયલ કર્યા હતા, શું તેમણે મૃત્યુ જોયું જ નહોતું એમ કહી શકાય?
આ ત્રણ સવાલો આપણા
માટે હતા, છે
ખેર, સિદ્ધાર્થને થયેલા કહેવાતા એ ત્રણ સવાલો આપણને કહેવા માટે હતા; આપણને સમજાવવા, યાદ કરાવવા માટે હતા; પરંતુ આપણને સિદ્ધાર્થ જેવા સવાલ થાય છે કે નહીં એ પણ સવાલ છે અને સવાલ થતા પણ હશે તોય આપણે ત્યાં ને ત્યાં જ. આપણો રથ, સ્કૂટર, ગાડી પાછાં ફરતાં નથી; કેમ કે આપણે આ બધું સ્વીકારી લીધું છે. આપણે એમ પણ માનતા હોઈ શકીએ કે આપણને માંદગી આવવાને વાર છે, ન પણ આવે. આપણને વૃદ્ધ થવાને વાર છે, ન પણ થઈએ અને આપણને મરણ આવવાને પણ બહુ વાર છે. મૃત્યુ તો બીજાઓને આવે છે, આપણને ક્યાં આવે છે? આપણે શ્રી રામ-શ્રી રામ કરતા કોઈની સ્મશાનયાત્રામાં જઈએ ત્યારે આપણને આપણી ચિતા દેખાય છે ખરી?
બુદ્ધને થયો બીજો અન્યાય
બીજી વાત, ઘણા લોકો બુદ્ધે મહાભિનિષ્ક્રમણ બાદ પત્ની યશોધરા અને પુત્ર રાહુલનો ત્યાગ કરી દઈ જંગલની વાટ પકડી લીધી એ ઘટના બાબતે હજી પણ બુદ્ધ પરિવાર પ્રત્યેની ફરજ, કર્તવ્ય અને ધર્મને ચૂકી ગયા એવો આક્ષેપ કરે છે; એને બુદ્ધ તરફથી પોતાની પત્ની અને માસૂમ બાળકને કરાયેલો અન્યાય ગણાવે છે. આના માટે આજે પણ બુદ્ધ પર વ્યંગ અને ટીકા થાય છે. આ એક બહુ જ મર્યાદિત યા સંકુચિત દૃષ્ટિકોણ છે. જ્યારે જીવનના પરમ સત્યની શોધમાં માનવી નીકળે ત્યારે તેણે નાની અથવા નાશવંત બાબતોનો ત્યાગ કરવો પડે છે. બુદ્ધ જેવા અવતાર પોતાની સાંસારિક ફરજો પૂરી કરવા જન્મ લેતા નથી, પરંતુ સમષ્ટિના કલ્યાણ માટે આવીને-જીવીને ચાલ્યા જાય છે. કૃષ્ણએ ધર્મની રક્ષા માટે જ ઘણી વાર અધર્મનો માર્ગ અપનાવ્યો એ યાદ રાખવું જોઈએ. ભગવાન શ્રી રામે અગ્નિપરીક્ષા બાદ પણ સીતાજીનો ત્યાગ કર્યો એ પણ વિચારવું જોઈએ. શું રામ, કૃષ્ણ અને બુદ્ધને આપણે આપણી સંકુચિત નજરે મૂલવીને તેમને અન્યાય નથી કરતા? બુદ્ધ પ્રત્યેનો એ લોકોનો સંકુચિત દૃષ્ટિકોણ લોકપ્રિય અને ચર્ચાસ્પદ ભલે બને, પરંતુ એ ખરેખર તો લોકોને સત્યથી દૂર લઈ જઈ ગેરમાર્ગે દોરે છે.
બુદ્ધને થયો ત્રીજો અન્યાય
ત્રીજી વાત, બુદ્ધ વિશે એક ગેરસમજણ એવી પણ રહી છે કે તેમણે શાસ્ત્રોનો સ્વીકાર ન કર્યો, તેમણે ભગવાન હોવાનો પણ ઇનકાર કર્યો. આને લીધે બહુ મોટો વર્ગ બુદ્ધની વિરુદ્ધ થઈ ગયો. બુદ્ધ પર જીવલેણ હુમલા થયા, બુદ્ધના શિષ્યો પર આક્રમણ થતાં રહ્યાં. બુદ્ધ અને તેમના સંઘે ભારત છોડી દેવાની નોબત આવી. આમ ભારતનો બહુ મોટો વર્ગ બુદ્ધને સમજવામાં થાપ ખાઈ ગયો. વાસ્તવમાં બુદ્ધનો સંદેશ હતો કે કોઈ શાસ્ત્ર કે ગુરુ તમને સત્ય અને પરમ જ્ઞાન સુધી લઈ જઈ શકે નહીં. તમે ભલે બધું વાંચન કરો, સાંભળો, ગુરુ બનાવો; પરંતુ અંતિમ સત્ય તમારે જ શોધવું પડે; તમારે જ તમારો માર્ગ શોધવો પડે અને તેથી જ તેમણે જગતને ‘અપ્પો દીપો ભવ’ મંત્ર આપ્યો. સ્વયંનો પ્રકાશ ખુદ જ બનો.
આ બુદ્ધ જયંતી નિમિત્તે આવેલા વિચારો રજૂ કરવામાં મારી ક્યાંક ચૂક થઈ હોય તો એને મારી ક્ષતિ ગણજો, બુદ્ધના સંદેશ કે બોધની નહીં. આપણે બુદ્ધને સમજી શક્યા નહીં, સાચવી શક્યા નહીં તેથી બુદ્ધ અનેક દેશોમાં યાત્રા કરતા રહ્યા અને આજે બૌદ્ધ ધર્મ આપણા કરતાં વધુ અન્ય દેશોમાં ફેલાઈ ગયો છે. વાસ્તવમાં બૌદ્ધ ધર્મ પણ નથી, માર્ગ છે; સત્યને શોધવાનો, ખુદને અપ્પો દીપો ભવ બનાવવાનો. સમય હજી પણ છે, બુદ્ધનું પરમ સત્ય હજી પણ અકબંધ ઊભું છે. આપણે બુદ્ધમ શરણમ ગચ્છામિ ક્યારે થઈશું? બુદ્ધને અનુસરવાનો અર્થ બુદ્ધત્વ તરફ વળવાનો છે. આ સત્યને સમજવા દરેકે જાતની ભીતર ઊતરવું જરૂરી છે.
બુદ્ધના કેટલાક સંદેશની ઝલક
જીવન છે તો દુઃખ રહેવાનાં, પરંતુ દુઃખનાં નિવારણ પણ છે.
સુખ અને દુઃખથી પર થઈને માનવી કાયમી આનંદને પામી શકે છે.
ધ્યાન એ સ્વ-ઓળખ માટેનો ઉત્તમ માર્ગ છે.
વીણાનો તાર બહુ ઢીલો હશે યા બહુ કડક હશે તો વીણામાંથી સંગીત નહીં પ્રગટે, તેથી મધ્ય માર્ગ અપનાવો.
સત્ય ઉધાર મેળવી શકાય નહીં, જાતઅનુભવમાંથી પ્રાપ્ત થાય એ સત્ય.
બુદ્ધ કહે છે, મને પણ નહીં પકડો, તમારો રાહ તમે જ બનાવો અને પછી એના પર યાત્રા કરો.
બુદ્ધત્વનો માર્ગ શાંતિ અને કરુણા તરફ લઈ જાય છે.