વિશ્વનું શ્રેષ્ઠ સગપણ : સાધર્મિક વાત્સલ્ય

07 September, 2021 11:40 AM IST  |  Mumbai | Kalaprabhsagarsurishwarji Maharaj Saheb

હા, સાધર્મિક જેવું સગપણ આ દુનિયામાં બીજું કોઈ નથી, સાધર્મિકની ભક્તિ કરવાથી મુક્તિદાયક એવા સમકિત નિર્મળ બને છે

પ્રતીકાત્મક તસવીર

ગૃહસ્થજીવનનાં કર્તવ્યોમાં ૧૭મું કર્તવ્ય સાધર્મિક પ્રત્યેની વાત્સલ્ય ભાવનાને ઊંચી લાવવાની વાત કરે છે અને કહે છે જે ધર્મને હું માનું છું, જે વિતરાગની આજ્ઞા હું પાળું છું એ જ મારા પ્રભુની આજ્ઞાનો આરાધક અને એ જ મારો સાધર્મિક છે.

માતાને પોતાના બાળક પ્રત્યે જે અંતરથી પ્રેમ અને લાગણી છે તે વાત્સલ્ય છે. આવી વાત્સલ્યની ભાવના પોતાના સાધર્મિક પ્રત્યે આવવી અને લાવવી એ જ ગૃહસ્થ જીવનનું કર્તવ્ય છે.

સગાં-સ્નેહી, સંબંધી કે પછી શેઠ, શ્રેષ્ઠી – સાહુકારની ભક્તિ તો આ સંસારના બધા જીવો જાણે છે, એમાં નવી વિશેષતા છે જ નહીં, પણ જેની સાથે અન્ય કોઈ પરિચય નથી, જેની પાસે પૈસા નથી, આર્થિક સધ્ધરતા નથી એ સૌ મારા ભગવાનના ભક્ત છે અને એની એ જ ઓળખાણ અને એ ઓળખાણના આધારે સાધર્મિક માટે કંઈક કરી છૂટવાની ભાવના. તેના સુખે સુખી થવાની ભાવના અને તેના દુ:ખે દુ:ખની અનુભૂતિની ભાવનાનો સાક્ષાત્કાર થાય અને એ સાક્ષાત્કારના આધારે સાધર્મિકના દુઃખને દૂર કરી તેને સુખી કરવાના પ્રયાસ, તેને ખુશી આપવાના પ્રયત્નો એ જ સાચી સાધર્મિક ભક્તિ છે.

શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે.

એગત્થ સવ્વધમ્મા, સાહમ્મિ અવચ્છલં તું એગત્થ

બુદ્ધિતુલાએ તુલિયા, દો વિ અ તુલ્લાઈ ભણિઆઈં

એક પલ્લામાં સર્વ ધર્મો અને એક પલ્લામાં સાધર્મિક વાત્સલ્ય મૂકવામાં આવે અને જો બુદ્ધિરૂપી ત્રાજવામાં એ તોળવામાં આવે તો બન્ને સરખા જ થાય એવું જ્ઞાનીઓ, ચિંતકોએ કહ્યું છે.

આ સાધર્મિક વાત્સલ્યના બે પ્રકાર છે. પહેલું છે, દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય અને બીજું છે, ભાવ સાધર્મિક વાત્સલ્ય.

ધન, ધાન્ય, દવા, વસ્ત્ર, સ્થાન જેવાં દ્રવ્યો દ્વારા જે સાધર્મિકની ભક્તિ કરવામાં આવે એ છે તે દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય.

સાધર્મિક ભક્તિના ભાવને સમજવા માટેનું આ દૃષ્ટાંત એકદમ ઉચિત છે.

ઉદો એનું નામ, નસીબ એનું અવળું, ગરીબી ભારોભાર પણ એમ તે હિમ્મત હારતો  નથી. સંઘર્ષના હેતુથી ઉદો કર્ણાવતી પહોંચ્યો. પહેલીવાર આવ્યો હતો એટલે નગરી તેની માટે અજાણી, પણ એ અજાણી નગરીમાં તેને ભવ્ય જિનાલય દેખાયું.

ઉદાના દિલમાં આનંદ આનંદ છવાઈ ગયો, તેને બધું દુઃખ, બધા સંઘર્ષ ભુલાઈ ગયાં. પ્રભુભક્તિમાં ઉદો લીન થઈ ગયો અને થોડીવાર સુધી ભગવંતની ભક્તિ કરી તે જિનાલયમાંથી બહાર નીકળ્યો. જિનાલયની બહાર એક ડોશીમા ક્યારથી કોઈની રાહ જોતાં બેઠાં હતાં. ડોશીમાએ ઉદા સામે જોયું.

‘આપ કોઈ પરદેશી લાગો છો. પધારો મારે ત્યાં અને મને સાધર્મિક ભક્તિનો લાભ આપો.’

ડોશીમાના આમંત્રણમાં ભાવ હતો. ઉદાએ ડોશીમાના આમંત્રણનો સ્વીકાર કર્યો. મળી ગયેલા સાધર્મિક ભક્તિના લાભથી અત્યંત હર્ષિત થયેલાં ડોશીમાએ ઉદારદિલે સહુને પ્રેમથી જમાડ્યા.

યાદ રાખજો, વસ્તુ કરતાં વાત્સલ્ય અમૂલ્ય છે. તેમણે ઉદાનો પરિચય મેળવી લીધો અને તેની જરૂરિયાત શું છે એ પણ જાણી લીધું. ડોશીમાએ ઉદાને કહ્યું,

‘ભાઈ, મારી બાજુમાં મારું એક વધારાનું મકાન છે, ખાલી છે, હાલ તમને ત્યાં રહેવું હોય તો રહી શકાશે. ત્રણ મહિના રહો ત્યાં સુધીમાં બીજી વ્યવસ્થા થઈ જશે.’

ઉદો સાંભળતાં જ સ્તબ્ધ બની ગયો. ઉદાનો ધર્મ અને પ્રભુ ઉપરનો ભરોસો ઓર મજબૂત બની ગયો. ઉદાએ આમંત્રણનો સ્વીકાર કર્યો અને કર્ણાવતીમાં કામ ચાલુ કર્યું. પ્રામાણિકતા સફળતા આપે, એવું જ ઉદા સાથે બન્યું અને સફળ થયેલા ઉદાએ ત્રણ મહિનામાં ડોશીમાનું મકાન ખરીદી લીધું. જૂના મકાનના સ્થાને નવું મકાન બનાવવા ઉદાએ ઘરનું ખોદકામ શરૂ કરાવ્યું અને એ મકાનના સ્થાન ઉપર ખોદકામ કરતાં જમીનમાંથી મોંઘેરા રત્ન-સોનામહોરોથી ભરેલો ચરુ નીકળ્યો.

ઉદાએ એ ચરુ ડોશીમાને આપ્યો, પણ ડોશીમા પણ ધર્મ સાથે જીવનારા. તેમણે ઇનકાર કરી દીધો અને ઉદાને સમજાવ્યો.

‘મેં જમીન સહિત મકાન તમને વેચ્યું એટલે આ ચરુ ઉપર મારો કોઈ અધિકાર નથી.’

‘મેં જમીન અને મકાન ખરીદ્યાં, ચરુ લીધો નથી...’ ઉદાએ પણ ધર્મ છોડ્યો નહીં અને કહી દીધું, ‘આ ચરુ પર

મારો કોઈ હક નથી, મારાથી ચરુ લેવાય જ નહીં.’

બેમાંથી કોઈ માને નહીં એટલે ઉદો પહોંચ્યો કર્ણાવતીના રાજવી સિદ્ધરાજ જયસિંહના રાજ દરબારમાં.

‘મહારાજ, મને ન્યાય આપો... માજીને સમજાવો કે આ ચરુ તે સ્વીકારે.’

માજીની પણ એ જ દલીલ કે એ જગ્યા મેં વેચી દીધી છે તો મારાથી કેવી રીતે એનો સ્વીકાર થઈ શકે?

રાજાએ ન્યાય કરવા મહાજન બોલાવ્યું. મહાજને ન્યાય આપતાં આદેશ આપ્યો.

‘આ ચરુની માલિકી ઉદાની જ કહેવાય.’

મહાજનનો ન્યાય સ્વીકાર્યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. ઉદો લાચાર હતો, તેણે  ન્યાય સ્વીકાર્યો પણ મનમાં એ જ સમયે નિર્ણય કર્યો કે આ સંપત્તિમાંથી એક પાઈનો ઉપયોગ પણ પોતાના માટે કરવો નહીં, પણ જે પ્રભુભક્તિથી આ મળ્યું છે એને જ એ અર્પણ કરવું.’

ઉદાએ આ સંપત્તિનો સદુપયોગ કરીને એમાંથી ભગવંતના ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું.

જિનશાસનને આવા મહાન શ્રાવકની ભેટ ધરવાનો ઘણોબધો લાભ એ ડોશીમાએ કરેલી ભાવભીની સાધર્મિક ભક્તિને ફાળે જાય છે. એ ડોશીમાનું નામ હતું લક્ષ્મીબાઈ.

પર્યુષણ પર્વ નિમિત્તે એ જ કહેવાનું કે જો મળી જાય આવો કોઈ લાભ તો ક્યારેય ગુમાવશો નહીં. પુણ્યના અપૂર્વ ઉદયથી મળેલી તકને ક્યારેય વેડફી નાખશો નહીં. નિઃસ્વાર્થભાવે કરેલી સાધર્મિક ભક્તિ લાભ આપે છે પણ સાથોસાથ એ શાસનને દિલદાર શ્રાવક રત્નોની પ્રાપ્તિ પણ કરાવી આપે છે.

હિતશિક્ષા અને મીઠી ટકોર

ધર્મમાર્ગને ભૂલી પ્રમાદી બનેલા સાધર્મિકના દુર્ગતિ તરફ જતા આત્માની કરુણા લાવી અને યોગ્ય હિતશિક્ષા અને મીઠી ટકોર દ્વારા માર્ગમાં સ્થિર કરવું તે ભાવ સાધર્મિક વાત્સલ્ય છે.

સાહમી તણા સગપણ સમું, અવર ન સગપણ કોય;

ભક્તિ કરો સહામી તણી, જેમ સમકિત નિર્મલ હોય.

વિશ્વના સર્વ સગપણ અને સંબંધમાં શ્રેષ્ઠ સાધર્મિક સાથેના સંબંધનો અહીં પરિચય આપ્યો છે. એમાં નથી સ્વાર્થ, પરિચય, ઓળખાણ કે પછી આંખનો પણ કોઈ સંબંધ. અહીં તો એકમાત્ર વિચારણા છે કે આ તો મારા પ્રભુની આજ્ઞા માનનારો ભક્ત છે, જિનશાસનનો શ્રાવક છે, મારો સાધર્મિક છે. આ સંબંધને નિ:સ્વાર્થ ભાવે નજર સામે લાવી એનું ચિંતન કરજો. જો એ ચિંતનના અંતે સત્ય સમજાય તો સાધર્મિકના સંબંધની સામે બાકીના બધા સંબંધ કોડીના બની જશે.

columnists