ઈશ્વરીય અને માનવીય, અપરાધ બે પ્રકારના છે

14 March, 2023 05:53 PM IST  |  Mumbai | Swami Satchidananda

કેટલાક ધર્મો દારૂ પીવામાં પાપ માને છે, પણ ગાંજો, ચરસના સેવનમાં પાપ નથી માનતા

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

સૃષ્ટિના આરંભથી સમાપ્તિ સુધી અનેક અનિષ્ટો સાથે અપરાધોનું અનિષ્ટ પણ ચાલુ રહેવાનું જ. આ જ વાતને આગળ વધારતાં પહેલાં સમજવાનું છે કે અપરાધોના મુખ્ય બે ભેદ છે, જેમાં પહેલા સ્થાને આવે છે ઈશ્વરીય અપરાધ અને બીજા નંબરે આવે છે માનવીય  અપરાધ. ઈશ્વરે જે જીવનવ્યવસ્થા ગોઠવી છે એનાથી ઊલટી વ્યવસ્થાએ જીવન જીવવું એ ઈશ્વરીય અપરાધ છે, એને પાપ કહેવાય અથવા કહેવાવું જોઈએ એવું મારું માનવું છે. હવે વાત કરીએ માનવીય વ્યવસ્થામાં ઊભા થયેલા અપરાધોની.

માનવીય વ્યવસ્થાના ત્રણ મુખ્ય ભેદ છે; પહેલો ધાર્મિક. એ પછી આવે છે, સામાજિક અને ત્રીજા સ્થાને આવે છે રાજકીય. 

ધાર્મિક એટલે સાંપ્રદાયિક. મનુષ્યોએ જુદા-જુદા ધર્મોના નામે સંપ્રદાયો રચ્યા છે અને પ્રત્યેક સંપ્રદાય પોતપોતાના કોઈ ને કોઈ નીતિ-નિયમો પણ રચે છે, જેને તોડવાથી પાપ અથવા અપરાધ થયો ગણાય છે, જેમ કે એક સંપ્રદાય માંસ, ડુંગળી, લસણ તથા કંદ-મૂળ વગેરેને અખાદ્ય માને છે, એ ખાવામાં પાપ માને છે. બીજા આવું નથી માનતા. બીજો ધર્મ વ્યાજ ખાવામાં તથા અમુક પશુઓનું માંસ ખાવામાં પાપ માને છે. આ ધાર્મિક અપરાધ છે. કેટલાક ધર્મો દારૂ પીવામાં પાપ માને છે, પણ ગાંજો, ચરસના સેવનમાં પાપ નથી માનતા. કેટલાક નહાવામાં પણ પાપ માને છે તો કેટલાક નહાવામાં પુણ્ય માને છે.

આ પણ વાંચો: રહેવા માગો સંયમી, પણ સ્વચ્છંદી બનાવતું વાતાવરણ

આવાં અનેક વિધિ-નિષેધો છે, જેને ધાર્મિક અપરાધ કહી શકાય. આવા અપરાધીઓને દંડ તરીકે પ્રાયશ્ચિત્ત અપાય છે, તો કોઈ વાર ધર્મમાંથી બહિષ્કૃત પણ કરવામાં આવે છે. દંડ આપવાનો મૂળ હેતુ એ હોય છે કે વ્યક્તિ કે વર્ગ ફરીથી આવો અપરાધ કરે નહીં. ચુસ્ત અહિંસાવાદીઓ પણ પોતાના શિષ્યો વગેરેને ધાર્મિક ભૂલો માટે દંડ આપતા જ હોય છે. આ હિંસા જ છે, છતાં જરૂરી છે. જો દંડ અપાય જ નહીં તો પૂરી વ્યવસ્થા જ તૂટી પડે. એટલે પ્રાથમિક શાળાથી માંડીને છેક સ્મશાન સુધી દંડનું અસ્તિત્વ રહેતું જ હોય છે. મરનારને દાટવો કે બાળવો કે બીજી કોઈ વિધિ કરવી એ બધું ધર્મ નક્કી કરે છે અને નક્કી થયા પ્રમાણે ન થાય તો (વિરુદ્ધ થાય તો) દંડ કરાય છે. આ પણ હિંસા જ કહેવાય.

ધાર્મિક ક્ષેત્રમાં પશુબલિ તો થાય છે, પણ ભગવાનને કેસર-સ્નાન કરાવવામાં તથા થાળ-ભોગ ધરાવવામાં પણ હિંસા તો થાય જ છે. આવી જ રીતે નર-નારીને એકબીજાથી દૂર રહેવાની ફરજ પાડવી તથા દુખી કરવાં એ પણ હિંસા જ કહેવાય. જો બૂટ-ચંપલ પહેરવાથી કીડી-મકોડાની હિંસા થાય તો ઉઘાડા પગે પણ કીડી-મકોડા દબાઈને મરવાનાં જ, એટલે ચાલવું પણ હિંસા થઈ જાય. હા, જોડાં પહેરવાથી પગમાં ગંદકીના જંતુઓ ન વળગે તથા કાંટો કે ખીલી ન વાગે એટલે રક્ષા થાય ખરી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists life and style astrology swami sachchidananda