પાપના નાશ માટે કરવામાં આવેલી હિંસાથી મોટું બીજું કોઈ પુણ્ય હોતું નથી

16 April, 2024 07:55 AM IST  |  Mumbai | Swami Satchidananda

હિંસાનો સીધો અર્થ પાપ નથી થતો.

સ્વામી સચ્ચિદાનંદની તસવીર

અહિંસાને આપણે આભૂષણ માનતા થઈ ગયા છીએ, પણ એ આપણી ભૂલ છે. અહિંસાની વાત ત્યારે જ સારી લાગે જ્યારે બાવડામાં બહાદુરી ભરી હોય, પણ આપણો મોટો દોષ એ છે કે આપણે અહિંસાને વિચારમાં નહીં, આચરણમાં લઈ લીધી અને એ પછી એને જીવનશૈલી બનાવી દીધી. પરિણામ શું આવ્યું, આપણી પ્રજાએ સંતાનોને બહાદુર બનાવવાની દિશામાં કામ જ બંધ કરી દીધું. સંતાનોને અખાડામાં મોકલવાં, રમતના મેદાનમાં ઉતારીને ખડતલ બનાવવાં, સવારે પાંચ વાગ્યે જગાડીને દંડબેઠક કરાવવા જેવાં કામને આપણે હાંસિયાની બહાર ધકેલી દીધાં. આપણી પ્રજા હવે સંતાનોને સ્કૉલર બનાવવા માગે છે અને એ લાયમાં આજે દસમાંથી પાંચ બાળકોની આંખોની આગળ ડાબલા લાગી ગયા. ડાબલા લાગેલી વ્યક્તિની મોટામાં મોટી જો કોઈ લાચારી હોય તો એ કે ઝઘડા વખતે તેને સૌથી પહેલી બીક પોતાનાં ચશ્માંની લાગે.

અહિંસા જરૂરી છે, પાપાચાર સામે પણ એની પીપૂડી પકડી રાખવી એ મૂર્ખતા છે. જો રસ્તા પર બે કન્યા એકલી જતી હોય અને એવા સમયે મવાલી એ યુવતીની છેડતી કરે ત્યારે અહિંસાના શપથ લીધા હોય તો એ ભૂલીને પણ હિંસાનો માર્ગ અપનાવી લેવો એ જ પરમ ધર્મ છે, પણ એવું ક્યારે શક્ય બની શકે એ પણ વિચારવું રહ્યું.

આપણી પ્રજા સંતાનોને નાનપણથી એવી જ રીતે ઘડતર કરવા માંડી છે જાણે જીવનમાં કોઈ પ્રકારના વિકટ સંજોગો આવવાના જ નથી અને એને માટે શારીરિક ક્ષમતાની અનિવાર્યતા રહેવાની નથી. આ બાબતમાં ભારતે જો કોઈની સીધી નકલ કરવાની જરૂર હોય તો એ ઇઝરાયલ છે. દુશ્મનોની વચ્ચે ઘેરાયેલા ઇઝરાયલનો એકેક નાગરિક શારીરિક રીતે એટલો સક્ષમ છે કે કોઈ નાના દેશની આર્મીને તે એકત્રિત થઈને હરાવી દે. હથિયાર ચલાવવાની તેનામાં આવડત છે તો પંગુતા વચ્ચે પણ તે પોતાનું સ્વરક્ષણ કરવાને સમર્થ છે. ઇઝરાયલનાં ધાર્મિક સ્થળોએ પણ મહિનામાં એક વાર સ્વબચાવના કૅમ્પ થાય છે અને મનમાં ખુમારી જન્મે એ પ્રકારના લેક્ચરનો પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે, પણ આપણે એ દિશામાં વિચારી નથી શકતા. કોઈ મંદિરમાં સેલ્ફ-ડિફેન્સના ક્લાસ રાખવામાં આવે અને ત્યાં કુસ્તી શીખવવામાં આવે તો આપણી પ્રજા ધ્રૂજી જાય, એને અરેરાટી થઈ જાય, કારણ કે આપણે હિંસાને પાપ સાથે જોડી દીધી છે. જો હિંસા પાપ જ હોય તો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવો પાસે હિંસા જ કરાવી હતી. હિંસાનો સીધો અર્થ પાપ નથી થતો. પાપના નાશ માટે થતી હિંસાથી મોટું બીજું કોઈ પુણ્ય હોતું નથી, પણ કમનસીબે આપણે અહિંસાના પૂજારી બની ગયા એટલે સત્યવચનને વીસરી ગયા.

astrology life and style columnists