અનિષ્ટનો સંહાર શાસ્ત્રોમાં પણ સહજ અને સ્વીકાર્ય છે

20 September, 2022 05:18 PM IST  |  Mumbai | Swami Satchidananda

સરદાર વલ્લભભાઈ પટેલની ઇચ્છા હતી કે ભારત સુરક્ષાની દૃષ્ટિએ પગભર બનીને દુનિયા સામે અડીખમ બનીને ઊભું રહે, પણ નેહરુએ વિરોધ કરીને શસ્ત્ર-સરંજામનો મોટો ઑર્ડર કૅન્સલ કરાવ્યો અને એ સમયે બ્રિટને પણ નેહરુની ખુશામત કરીને ભારતને પાંગળું રાખવાનું કામ કર્યું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

અહિંસાની નીતિ ક્યાંય ખોટી અને ખરાબ છે એવું કહેવાનો ભાવ નથી, પણ એ નીતિને ગેરવાજબી રીતે પકડી રાખવાની માનસિકતા ખોટી છે. નિષ્ટ સામે રાખવામાં આવતી અહિંસા પરમોધર્મ છે, પણ અનિષ્ટ સામે રાખવામાં આવતી અહિંસાની માનસિકતા મૂર્ખામીથી સહેજ પણ ઓછી નથી. અનિષ્ટ સામે ટકી રહેવા જ નહીં, અનિષ્ટનો સંહાર કરવા માટે પણ શસ્ત્રો આવકાર્ય છે, કારણ કે અનિષ્ટનો સંહાર શાસ્ત્રોમાં પણ સહજ અને સ્વીકાર્ય છે. ઊલટું હું તો કહીશ કે અનિષ્ટની સામે પણ અહિંસાની અને પ્રેમભાવની નીતિ રાખવી એ પાપ છે. તમે જ વિચારો કે ક્રૂરતા સાથે નારી પર અત્યાચાર કરી તેના પર બળાત્કાર કરનારા આરોપીની સામે અહિંસા અને પ્રેમભાવ ભરેલો વ્યવહાર કરવામાં આવે તો તમે એને કેવી રીતે સ્વીકારી શકો? સ્વીકારવો જોઈએ કે નહીં એ પણ યક્ષ પ્રશ્ન છે. કરવામાં આવેલું એ વર્તન તમારા કાયદા અને નિયમોને નબળા પુરવાર કરવાની સાથોસાથ એ પણ સાબિત કરશે કે તમે કશું કરવાના તો છો નહીં, તો પછી આ દેશમાં અને આ સમાજ સાથે કોઈ પણ રીતે વર્તવું એ તો આપણો હક થઈ જાય છે. શિષ્ટાચારનો હક દરેકેદરેક જીવને છે, પણ જો સિંહ આદમખોર બને તો એની સામે પણ અહિંસાનો રસ્તો વાપરવો જ હિતાવહ બને છે. 

દેશમાં શસ્ત્રોનો વિરોધ શરૂ થયો એ સમયે પણ કેટલાક ડાહ્યા લોકોએ કહ્યું જ હતું કે આપણે ભૂલ કરીએ છીએ, પણ એ વાતને સાંભળવામાં ન આવી. સરદાર વલ્લભભાઈ પટેલની ઇચ્છા હતી કે ભારત સુરક્ષાની દૃષ્ટિએ પગભર બનીને દુનિયા સામે અડીખમ બનીને ઊભું રહે, પણ નેહરુએ વિરોધ કરીને શસ્ત્ર-સરંજામનો મોટો ઑર્ડર કૅન્સલ કરાવ્યો અને એ સમયે બ્રિટને પણ નેહરુની ખુશામત કરીને ભારતને પાંગળું રાખવાનું કામ કર્યું. બસ, પછી તો એ પરંપરા બની ગઈ. આ પરંપરા હવે તૂટી છે, જેની તાતી આવશ્યકતા હતી. મારે કહેવું છે કે શસ્ત્રો ખરીદવાનો અર્થ હિંસા ફેલાવવાનો બિલકુલ નથી થતો, પણ તમારે ત્યાં કોઈ હિંસા ફેલાવે તો તમે એને રોકવા માટે પૂરતા સક્ષમ છો એ પુરવાર કરવાનું છે. સુરક્ષા દળના હાથમાં રહેલી રાઇફલથી તે શું ફાયરિંગ કર્યા જ કરે છે? ઇન્સ્પેક્ટરની કમરે લટકતી રિવૉલ્વરથી શું તે દુનિયાને દબડાવ્યા કરે છે? ના, એવું કશું નથી થતું, પણ કોઈ ખોટી દમદાટી આપતું હોય એવા સમયે એ હથિયારો દ્વારા સમાજમાં સુરક્ષાનો ભાવ જન્માવી શકાય છે તો ખોટું કામ કરનારાને ડરાવવાનું કામ પણ થઈ શકે છે. કહેવાનો ભાવાર્થ એટલો કે સમાજના દૂષણનો નાશ કરવાનું કામ શસ્ત્રો કરે છે અને આપણે સમાજમાંથી એ જ શસ્ત્રોનો નાશ કરવા દોડ્યા હતા.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology swami sachchidananda life and style