જરૂરિયાત કરતાં વધારે પશુઓ હોવાનું નુકસાન ભોગવવું પડે છે

23 January, 2023 04:55 PM IST  |  Mumbai | Swami Satchidananda

વિશ્વમાં સૌથી વધુ પશુઓ દક્ષિણ અમેરિકાના દેશોમાં છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ભૂલવું નહીં કે આપણે જ્યારે કુદરતી વ્યવસ્થાવાળું જીવન સ્વીકારીએ છીએ ત્યારે એક ઉપર એક એમ એકબીજાનો ખોરાક બનાવનારી પ્રાણીસૃષ્ટિ આપોઆપ બની છે, પણ જ્યારે આપણે માનવીય વ્યવસ્થા રચીએ છીએ ત્યારે આ પ્રાણીઓમાં દખલગીરી કરીને કુદરતી ક્રમ તૂટે છે અને પછી ઊભા થયેલા પ્રશ્નોને હલ કરવા કતલખાનાં જેવા માનવીય વ્યવસ્થાના રસ્તે ચાલવાનો સમય આવી જાય છે. 

વિશ્વભરમાં માણસોએ કતલખાનાં ઊભાં કર્યાં છે. બીજા દેશોની વાત જવા દો. ભારતમાં હજારો વર્ષોથી કતલખાનાં ચાલે છે, પણ હજી સુધી પશુઓનો અંત આવ્યો નથી. બલ્કે દુષ્કાળ, અતિવૃષ્ટિ, પ્રલય-પ્રકોપ જેવી અનેક કુદરતી આપત્તિઓ વારંવાર આવવા છતાં આજે પણ એમની સંખ્યા અકબંધ છે. વિશ્વમાં સૌથી વધુ પશુઓ દક્ષિણ અમેરિકાના દેશોમાં છે. પ્રતિ વર્ષ હજારો નહીં પણ લાખ્ખોની સંખ્યામાં એમનો નાશ કરીને વિદેશી હૂંડિયામણ કમાવાય છે. ત્યાંના કેટલાક દેશોનો મુખ્ય ધંધો જ આ પશુઓ છે, પણ સંખ્યા ઓછી થતી નથી. હા, ત્યાં આહાર વિના કંકાલ થઈને મરનારાં પશુઓ નથી જોવા મળતાં. માનવીય વ્યવસ્થા પ્રમાણે એમનો ઉપાય થાય છે. એથી બાકીનાં પશુઓ અને માણસો સારી રીતે જીવી શકે છે. 

ભારતમાં પશુઓનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. એકલા ગુજરાતમાં જ અઢી કરોડથી વધારે પશુઓ છે. ખરેખર ગુજરાતને એકાદ કરોડની જ જરૂર છે. બાકીનાં બધાં અનુત્પાદક અથવા અત્યંત ન્યૂન ઉત્પાદક રહીને ધણીધોરી વિનાનાં, અડધાં ભૂખ્યાં, કંકાલ જેવાં થઈને રિબાઈ-રિબાઈને જીવે છે અને રિબાઈ-રિબાઈને મરે છે તો આ જ કામ એ બીજા સાથે પણ કરે છે. ભટકતાં કે પછી ધણીધોરી વિનાનાં ઢોર શહેરમાં આધેડને કે બાળકોને અડફેટે લઈને તેમનો જીવ કાઢી લે છે, જેને કારણે અનેક વખત કોર્ટે પણ સ્થાનિક પ્રશાસનને ઠપકો આપવો પડ્યો છે. 

આ પણ વાંચો :  સ્કેન્ડિનેવિયન દેશોમાં પુષ્કળ હરણ છે એટલે શિકારની છૂટ આપે છે

ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન ભેલાણનો છે. રોઝોની સંખ્યા એટલી બધી વધી ગઈ છે કે કેટલાક ભાગોમાં તો ખેતી થઈ શકતી જ નથી. કેટલાંક વર્ષોથી છૂટાં મુકાયેલાં ભૂંડો પણ ખેડૂતો માટે મહાત્રાસ ઊભો કરે છે. વાંદરા અને રખડતાં ઢોરો વગેરે ખેડૂતોને હેરાનપરેશાન કરે છે. એક-એક ખેતરે એક-એક માણસ ઊભો રાખવો પડે છે. જો જરાક આઘાપાછા થયા તો કરેલી તનતોડ મહેનત એકઝાટકે સાફ થઈ જાય. આ બધામાંથી ખેતી અને ખેડૂતને મુક્ત કરવો કેવી રીતે? 

કારણ કે હિંસક પ્રાણીઓ રહ્યાં નથી અને માણસોને શિકાર કરવાની મનાઈ છે. આ બધાની પાછળ કારણભૂત જો કોઈ હોય તો એ પેલી વાત - અહિંસા.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology life and style swami sachchidananda