સ્કેન્ડિનેવિયન દેશોમાં પુષ્કળ હરણ છે એટલે શિકારની છૂટ આપે છે

17 January, 2023 06:15 PM IST  |  Mumbai | Swami Satchidananda

કેટલાંક હરણ કુદરતી રીતે શિયાળામાં ખોરાક વિના ઠંડીથી મરી જાય છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ગઈ કાલે કહ્યું એમ, સિંહણને જ્યારે દૂધ પીતાં બે-ચાર બચ્ચાં હોય છે, ખાસ કરીને નર બચ્ચાં, ત્યારે સિંહને નજીક આવવા દેતી નથી, કારણ કે એને ખબર છે કે જો એ ગર્ભવતી થશે તો આ બચ્ચાં માટે દૂધ રહેશે નહીં. એથી ગુસ્સો કરીને એ સિંહને દૂર રાખે છે, પણ સિંહ નજીક જવા માટે આકુળ-વ્યાકુળ થઈ ગયો છે. કામનો આવેગ એને અશાંત કરી મૂકે છે. હવે એ પોતાનાં જ બચ્ચાંને વીણી-વીણીને મારી નાખે છે. બસ, તરત જ સિંહણ એને નજીક આવવા દે છે. આ વ્યવસ્થાથી સિંહોની સંખ્યા-પ્રમાણ સ્થિર રહે છે. હિંસક પ્રાણીઓ જેવી રીતે પોતાનાં બચ્ચાંનો પોતાની મેળે નાશ કરે છે એવી રીતે ઘાસાહારી પ્રાણીઓ નથી કરતાં. એમની સંખ્યા વધી જાય એથી મોટો પ્રશ્ન ઊભો થવાનો નથી, કારણ કે અંતે તો એમનો શિકાર થવાનો જ છે. એમના શિકાર-મૃત્યુને રોકી શકાવાનું નથી. લાખ પ્રયત્ન કરીને પણ હિંસક પ્રાણીઓને ઘાસાહારી બનાવી શકાતાં નથી. માંસાહાર એમને માટે અનિવાર્ય કુદરતી આહાર છે.

કેટલીક જગ્યાએ હિંસક પ્રાણીઓ વિનાનાં માત્ર હરણ વગેરે ઘાસાહારી પ્રાણીઓ રહે છે. સ્કેન્ડિનેવિયન દેશોમાં પુષ્કળ હરણ છે, પણ સિંહ-વાઘ વગેરે હિંસક પ્રાણીઓ નથી. આને કારણે હિંસક પશુઓ દ્વારા એમનો શિકાર થતો નથી, જેથી બહુ ઝડપથી એમની સંખ્યા વધી જાય છે. એને રોકવા માટે પ્રતિ વર્ષ બે મહિના માટે સરકાર શિકાર કરવાની છૂટ આપે છે. હા, આ છૂટ સત્તાવાર આપવામાં આવે છે અને એ સમયગાળા દરમ્યાન ત્યાં લોકો હન્ટિંગ-પિકનિક કરે છે. લોકો જંગલ તરફ નીકળી પડે અને બહુ મોટા પ્રમાણમાં હરણનો શિકાર કરે. આ બે મહિનાની શિકારની જે મોસમ હોય છે એને ત્યાંની ગવર્નમેન્ટ ટૂરિસ્ટ સીઝન તરીકે પણ સેલિબ્રેટ કરે છે. એવું કર્યા વિના તેમની પાસે છૂટકો જ નથી.

જો આવું ન કરવામાં આવે તો ખેતી થવી મુશ્કેલ થઈ જાય. કેટલાંક હરણ કુદરતી રીતે શિયાળામાં ખોરાક વિના ઠંડીથી મરી જાય છે. ત્યાં કારમો શિયાળો હોય છે. છછ્છ મહિના સુધી ધરતી બરફથી ઢંકાઈ જાય છે. ખોરાક અને પાણી દુર્લભ થઈ જવાથી હરણ મરી જાય છે. કેટલાક દયાળુ લોકો ઍપલના ઢગલા કરી રાખે છે તથા નહાવાનાં ટબ મૂકી રાખે છે. 

ટેવાયેલાં હરણ બરફની નીચેથી ઍપલ શોધી કાઢે છે અને માંડ-માંડ જીવે છે. ભૂલવું નહીં કે આપણે જ્યારે કુદરતી વ્યવસ્થાવાળું જીવન સ્વીકારીએ છીએ ત્યારે એક પર બીજું, બીજા પર ત્રીજું, ત્રીજા પર ચોથું એમ એકબીજાનો ખોરાક બનાવનારી પ્રાણીસૃષ્ટિ આપોઆપ બની છે, પણ અહીંથી પ્રશ્ન શરૂ થાય છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists life and style astrology swami sachchidananda