યોદ્ધા યુદ્ધ તો લડે, પણ યુદ્ધમાં જીત વ્યૂહની થાય

18 March, 2024 07:28 AM IST  |  Mumbai | Swami Satchidananda

મહાભારતમાં એ પણ સ્પષ્‍ટતા સાથે કહેવાયું છે કે મૂંઝાયેલા દુર્યોધને પોતાની જ સેનાના સેનાપતિ પર ત્યારે જ બળાપો કાઢ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

બે શબ્દો સમજવા જેવા છે : એક, ધૃતરાષ્ટ્ર અને બીજો શબ્દ છે, હૃતરાષ્ટ્ર. 

બન્નેના પુત્રો માટે ધાર્તરાષ્ટ્રા અને હાર્તરાષ્ટ્રા પ્રયોગ કરી શકાય. અર્થાત્ ધારણ કરેલા રાષ્ટ્રવાળા અને હરાઈ ગયેલા રાષ્ટ્રવાળા. કૌરવો ધાર્તરાષ્ટ્રા છે, જ્યારે પાંડવો હાર્તરાષ્ટ્રા છે. અર્થાત્ હરાઈ ગયેલા રાષ્ટ્રવાળા. કુરુક્ષેત્રના યુદ્ધનું વર્ણન કરતી વખતે સંજયે કહ્યું હતું કે દુર્યોધનની દૃષ્ટિ સામે ઊભેલી પાંડવોની સેના પર છે. એ સ્વાભાવિક છે, કારણ કે એ લક્ષ્ય છે. જેની સાથે યુદ્ધ કરીને વિજય મેળવવાનો છે તે સેનાને જોઈ-સમજી લેવી જરૂરી છે. પોતાને સમજવા કરતાં પણ શત્રુપક્ષને સમજવો બહુ જરૂરી હોય છે. પોતાના પક્ષમાં તો તમે ધારો ત્યારે ફેરફાર કરી શકો, પણ શત્રુપક્ષમાં કશો ફેરફાર કરી શકાય નહીં. એટલે સૌપ્રથમ પાંડવોની સેનાને જોઈ-સમજી લેવી જરૂરી છે.    

સંજય જ કહે છે કે પાંડવોની સેના જોયા પછી દુર્યોધનને લાગે છે કે એ સેના વધારે વ્યૂહબદ્ધ ઊભેલી છે. અહીં એક વાત કહેવાની કે યુદ્ધમાં યોદ્ધાઓ લડતા હોય છે પણ વિજય તો વ્યૂહનો જ થતો હોય છે. વ્યૂહ સેનાપતિ રચતો હોય છે એટલે જય-પરાજયનું પરિણામ સેનાપતિના નામે ચડતું હોય છે. યુદ્ધશાસ્ત્રમાં અનેક પ્રકારના વ્યૂહ બતાવ્યા છે. આ બધા વ્યૂહોની રચના દેશ-કાળ-પરિસ્થિતિ પ્રમાણે સેનાપતિ કરતો હોય છે, જ્યારે ટોળું વ્યૂહ વિના જ ‘હોઈશો-હોઈશો’ કરીને લડતું હોય છે કારણ કે ટોળાનો સેનાપતિ નથી હોતો, પણ સેના તો વ્યૂહબદ્ધ લડતી હોય છે. તેનો સેનાપતિ યોગ્ય વ્યૂહ રચીને સેનાને લડાવતો હોય છે. ખરો વ્યૂહ તેને કહેવાય જેમાં પોતાના પક્ષના ઓછામાં ઓછા સૈનિકોની હાનિ થાય અને શત્રુપક્ષનો મોટો વિનાશ થાય. થોડા જ સમયમાં શત્રુપક્ષને મરણતોલ ફટકો મારવો અને પોતે બચી જવું એ વધુ સારો વ્યૂહ કહેવાય. વ્યૂહ વિનાની સેના મોટી હોય તો પણ હારી જતી હોય છે. તેથી યુદ્ધમાં સર્વોચ્ચ મહત્ત્વ વ્યૂહનું છે. આવી વ્યૂહબદ્ધ ઊભેલી પાંડવોની સેનાને જોઈને દુર્યોધન મૂંઝાયો એ વાતનું વર્ણન પણ સંજય કરે છે અને મહાભારતમાં એ પણ સ્પષ્‍ટતા સાથે કહેવાયું છે કે મૂંઝાયેલા દુર્યોધને પોતાની જ સેનાના સેનાપતિ પર ત્યારે જ બળાપો કાઢ્યો હતો અને કહ્યું હતું કે રાજાની હાજરી ન હોય એટલે ગમે એમ કામ થાય એ કેવી રીતે ચલાવી શકાય?

રાજા. કારણ કે યુદ્ધ સમયે દુર્યોધન જ રાજા છે, પાંડવો રાજા નથી. પાંડવોને તો રાજ પાછું જોઈએ છે એટલે યુદ્ધની આ નોબત આવી છે. દુર્યોધન પોતાને રાજા કહેવાય એ માટે સતત પ્રયાસશીલ હતો એવો ઉલ્લેખ પણ મહાભારતમાં છે અને મહાભારતમાં એ વાતનો ઉલ્લેખ પણ છે કે જે રાજા હોય છે એના પણ ચોક્કસ ગણાય એવા ગુણો અનિવાર્ય છે. એ ગુણોની વાત હવે પછી કરીશું.

astrology life and style columnists