યાદ રાખો કે હાથમાં રહેલો ચાબુક ઇશારો છે, શસ્ત્ર નથી

22 September, 2022 04:33 PM IST  |  Mumbai | Morari Bapu

કેટલાંય વૃક્ષો એવાં હોય છે જેઓ જમીનમાંથી જ પોતાને અનુકૂળ ખાતર પ્રાપ્ત કરી લે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ભક્તિનું માહાત્મ્ય જાણ્યા પછી હવે વાત કરવાની છે યુવાવસ્થામાં પાંગરતી ભક્તિની.

એવું જરા પણ ન વિચારો કે યુવાવસ્થામાં ભક્તિ કરવી જરૂરી નથી. એ બહુ જ જરૂરી છે. ભક્તિમાં મન ધરાવો. ભક્તિ શરીર પર ધારણ કરવાની વસ્તુ નથી. તન પર તિલક કરો, સારું છે; પણ ભક્તિ મનમાં ધરાવો. એને મનમાં જગ્યા આપો એ અત્યંત મહત્ત્વનું છે, કારણ કે ભક્તિનું સ્થાન જ છે માનવનું મન. તમે ધંધો છોડી દો કે ફિલ્મ જોવાનું છોડી દો એવી વાત નથી. એ કરવાની જરૂર પણ નથી, પણ મનમાં ભક્તિ અકબંધ રહે એ મહત્ત્વનું છે.

યુવાનીમાં ભક્તિનાં મૂળ મજબૂત કરવાં હોય તો વડીલોએ ધ્યાન આપવું પડશે. જેમ પાણી સીંચો તો પાણી મળે એમ યુવાનો માટે ભક્તિનું સિંચન કરવાનું છે. તેમને સ્નેહ આપો, પ્રેમ આપો. નાની-નાની વાતમાં યુવાનોને વઢો નહીં, ફટકારો નહીં, ઉતારી પાડો નહીં. અનુશાસન જરૂર રાખો. ચાબુક રાખવો જરૂરી છે; પણ એ દેખાડવા માટે, કોરડો મારવા માટે નહીં. તમે જુઓ, દસમાંથી નવ જાતવાન ઘોડા ચાબુક સાથેના માલિકને જોઈને જ સાચા રસ્તે ચાલવા માડે છે. ચાબુક હાથમાં હોય તો પણ એ ઇશારો છે, ફટકારવા માટેનું સાધન નહીં એ દરેક વડીલોએ યાદ રાખવું જોઈશે.

યુવાનોને સ્નેહ આપો. ખોરાક આપવો એટલે બાળકની રુચિને સમજીને વિવેકથી નીરક્ષીર અલગ કરીને, તેનું મન ભાંગે નહીં એ રીતે આપો. તેની રુચિને વાળી દો, રુચિને અનુરૂપ નિર્ણય આપો અને સારું સૂચન કરો. આકાશ, અવકાશ, વિશાળતા જોઈએ, સ્વચ્છંદતા નહીં. સ્વતંત્રતા મળે. વિદેશમાં કોઈ છોકરો કે છોકરી ઘરમાં રહીને ભણવા નથી ઇચ્છતાં. કેમ? બધા સ્વતંત્ર થવા ઇચ્છે છે. અવકાશ મળે, સ્વછંદી બનવા માટે નહીં. પ્રકાશ મળે, સારો સંગ મળે. હવા, પ્રાણતત્ત્વનો અનુભવ થાય. શરૂઆતમાં બધું થાય. છેવટે ડર વગેરે બધું નીકળી જાય છે.

વૃક્ષને વિકસવા માટે પાંચ વસ્તુની જરૂર પડે છે. આ પાંચ વસ્તુઓ વગર વૃક્ષ પુષ્પિત અને ફલિત નથી થઈ શકતું. એનાં મૂળમાં બે વસ્તુઓ જોઈએ. મૂળને પાણી અને સારું ખાતર ન મળે તો એ જામે નહીં. કેટલાંય વૃક્ષો એવાં હોય છે જેઓ જમીનમાંથી જ પોતાને અનુકૂળ ખાતર પ્રાપ્ત કરી લે છે. એમને કોઈ ખાતર આપવું પડતું નથી. ફૂલ અને ફળ માટે ત્રણ વસ્તુ જોઈએ : આકાશ, પ્રકાશ અને હવા. એ જ રીતે ભક્તિલતા માટે પણ આપણા જીવનમાં પાંચ વસ્તુઓ જોઈએ. એ પાંચ વસ્તુ શું છે એની ચર્ચા કરીશું હવે પછી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Morari Bapu astrology life and style