આવેગની એક નાની ભૂલ અનેક મહા-અનર્થ કરી શકે છે

12 June, 2022 02:11 PM IST  |  Mumbai | Swami Satchidananda

એ માત્ર ને માત્ર સ્ત્રીઓ માટે જ હોય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

છતા પતિએ અને છતા પિતાએ કોઈ સ્ત્રી કે કોઈ પુત્ર અનાથ થઈને જીવે કે ઊછરે તો એ મહા દુ:ખદાયી થઈ જાય. આજે ભલે એકલા હાથે બાળક ઉછેરવાની ફૅશન આવી હોય, પણ આ ફૅશન દુઃખદાયી છે અને એનું દુઃખ સમય આવ્યે મા કે બાપે અને સંતાને ભોગવવું જ પડે, પણ ત્યાં સુધી ઘણું દૂર નીકળી જવાયું હોય છે.

આવેગની એક નાની ભૂલ અનેક મહા-અનર્થ કરી શકે છે અને એ માત્ર ને માત્ર સ્ત્રીઓ માટે જ હોય છે. શકુંતલાના જીવનમાં પણ એવું જ બન્યું હતું. જે બાળક જન્મ્યું હતું તેનું નામ ભરત રાખવામાં આવ્યું. આ ભરત જ કૌરવ-પાંડવોનો આદિ-પિતા બન્યો.

ભરત યુવાન થઈ ગયો, પણ શકુંતલાને લેવા પાલખી ન આવી. શકુંતલાએ આટલાં વર્ષો કેવી રીતે વિતાવ્યાં હશે? વાસ્તવિક વાત કહું, વિધવા થવું સારું, પણ છતા પતિએ ત્યક્તા થવું મહાદુ:ખદાયી, પણ ભૂલ તો પોતાની પણ હતી જ. જે કન્યા ઉતાવળમાં પોતાનું શિયળ અજાણ્યા, અવિશ્વાસુ પુરુષ પાસે લૂંટાવી દેતી હોય છે અને વડીલોને અંધારામાં રાખે છે તેમની આવી જ દશા થાય છે. આ જ કારણ છે કે આજના આ મૉડર્ન સમયમાં પિતાની, વડીલોની વાતોને અવગણો નહીં. શકુંતલામાં જે ક્ષમતા હતી, જે હિંમત હતી એવી ક્ષમતા અને હિંમત આજે કોઈનામાં નથી એ તો સહજ રીતે સ્વીકારવું જ રહ્યું. જો આ સનાતન સત્ય હોય તો પછી શું કામ નાહકના દુખી થવું અને દુખી કરવા.

શકુંતલા થાકી ગઈ હતી, તો તેના પાલકપિતા પણ પુત્રીની દશાથી થાકી ગયા હતા. હવે ક્યાં સુધી આ દીકરીને ઘરમાં રાખવી. અંતે એક દિવસ થોડા શિષ્યોને સાથે મોકલીને શકુંતલા તથા ભરતને દુષ્યંતના દરબારમાં મોકલી દીધાં.    

રાજા તો માનવા જ તૈયાર નહોતો કે આ મારી પત્ની છે અને આ મારો પુત્ર છે. હવે તો ધરતી જગ્યા આપે તો સમાઈ જવા જેવી સ્થિતિ શકુંતલાની થઈ. તેણે બહુ આજીજી-વિનંતી કરી, પણ રાજાએ તો ચોખ્ખું કહી દીધું કે તું મારા ગળે પડે છે. હું તને ઓળખતો પણ નથી. ચાલી જા અહીંથી, પણ એવામાં આકાશવાણી થઈ. એણે બધી સ્પષ્ટતા કરી. રાજાના મનનું સમાધાન થયું. રાજાએ શકુંતલાનો સ્વીકાર કર્યો. ભરત યુવરાજ થયો. દુખાંત કથા સુખાંત થઈ ગઈ, પણ જીવનમાં એવો સુખાંત આવતો નથી, કારણ કે આ સતયુગ નથી, અહીં સાક્ષી પુરાવવા માટે સ્વર્ગમાંથી આકાશવાણી થતી નથી અને એટલે જ સ્ત્રીઓના ભાગે કલંક ભોગવવાનું આવે છે. કલંક ભોગવવા કરતાં તો જીવ દેવો સારો. આ વાત સમજાય છે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

columnists swami sachchidananda life and style