સંયમને ઉંમર સાથે નહીં, કાબૂ સાથે નિસબત છે

05 October, 2022 02:53 PM IST  |  Mumbai | Morari Bapu

સારા સંગ, કથા પ્રસંગમાં રુચિ અને સંત-સંગ પછી આવે છે ગુણગાન.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

આપણે વાત કરીએ છીએ ભક્તિ માટેનાં નવ સૂત્રોની, જેમાં આપણે સારા સંગ, કથા પ્રસંગમાં રુચિ અને સંત-સંગની વાત કરી. હવે આપણે વાત કરવાની છે અન્ય છ સૂત્રોની. સારા સંગ, કથા પ્રસંગમાં રુચિ અને સંત-સંગ પછી આવે છે ગુણગાન.

‘મમ ગુન ગાન કરી કપટ તજી ગાન.’ કપટ છોડીને ભગવાનના ગુણ ગાઓ. ગુણગાનનો અર્થ એ છે કે ભગવાનની જેટલી વિભૂતિઓ છે એનું ગાન કરો, ભગવાન દ્વારા જેટલી સારી બાબતો દુનિયામાં નિર્મિત થઈ છે એ સઘળાં સારાં તત્ત્વોનું ગુણગાન કરો. ગુણગાન કરવામાં ક્યાંય અટકો નહીં અને કંઠેથી કોઈને માટે ખરાબ શબ્દ નીકળે નહીં એનું ધ્યાન રાખો. હવે વાત કરીએ પાંચમા સૂત્રની, પાંચમું સૂત્ર છે ભજન કરવું. 

પંચમી ભક્તિ. એને ક્યારેય વીસરવી નહીં, ભજન કરવું એ મારી ભક્તિ છે. ભગવાને કહ્યું છે કે પંચમ ભજન સો વેદ પ્રકાસા. કેટલી સરસ વાત, કેટલો સરસ એનો અર્થ, માટે ક્યારેય ભજન ભૂલવું નહીં. ભોજન ભુલાશે તો ચાલશે, પણ ભજનનો માર્ગ ક્યારેય વીસરાવો ન જોઈએ.

વાત કરીએ હવે છઠ્ઠા સૂત્રની. ઇન્દ્રિયો પર સંયમ રાખવો. નવ સૂત્રોમાં આ સૂત્ર દરેક સાંસારિકે બરાબર સમજવું જોઈશે. 

ઇન્દ્રિયો પર સંયમ રાખવો એ છઠ્ઠી ભક્તિ છે. શું યુવા વર્ગ માટે જરૂરી નથી આ? જરૂરી છે જ. તમે જ વિચારો, જે યુવાવસ્થામાં પોતાની ઇન્દ્રિયો પર સંયમ રાખી શકે અને જે વૃદ્ધ બની ગયા છે તેઓ તમને સલાહ આપશે કે યુવાવસ્થામાં આ કરવા જેવું કામ છે. જે લોકો પોતાના એ સમયમાં સંયમ ન રાખી શક્યા અને વૃદ્ધ થઈ ગયા એ લોકો પણ તમને એ જ સલાહ આપશે. કહેવાનો ભાવાર્થ સંયમને યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા સાથે કોઈ નાતો નથી. એ તો સંયમને જ ઓળખે છે અને સંયમ જે રાખે એ ભક્તિને પામે છે, કારણ કે સંયમને ઉંમર સાથે નહીં, કાબૂ સાથે નિસબત છે.
હવે વાત કરીએ સાતમા સૂત્ર, સાતવં સમ મોહિ મય જગ દેખા.

સમાન ભાવે, કોઈ જાતના પૂર્વાગ્રહ વિના સમગ્ર વિશ્વમાં પ્રભુનું દર્શન કરવું એ સાતમી ભક્તિ છે. આ ભક્તિને ક્યારેય ભૂલવી નહીં અને જો એ ભૂલવી ન હોય તો ક્યારેય ભાવમાં ભેદભાવ કરવા નહીં. 

હવે બાકી રહે છે બે સૂત્રો. આઠમું સૂત્ર જથ્થા લાભ સંતોષા અને નવમું સૂત્ર નવમ્ સરલં બસ સન છલ હિના. આ બન્ને સૂત્રો વિશે હવે આપણે વાત કરીશું આવતી કાલે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology life and style Morari Bapu