યુવાનોની ભક્તિને પાણી અને ખાતર આપતા રહો

28 September, 2022 05:25 PM IST  |  Mumbai | Morari Bapu

અહીં પાણી આપવાનો અર્થ છે, તેમને સ્નેહ આપો. તમે યુવા વર્ગને ઠપકો ન આપો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

ઉત્તમ ભક્તિમાં તો કોઈની આવશ્યકતા નથી, પણ ભક્તિના આરંભકાળમાં થોડા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. એ મૂળિયાંને મજબૂત કરવા માટે જળ જોઈએ, ખાતર જોઈએ. યુવાન વર્ગમાં ભક્તિનાં મૂળ જમાવવાં હોય તો હું વડીલોને પણ કહું કે તેમને બે વસ્તુઓ અચૂક આપો, પાણી અને ખાતર. ભૂલો નહીં, આપો જ.

અહીં પાણી આપવાનો અર્થ છે, તેમને સ્નેહ આપો. તમે યુવા વર્ગને ઠપકો ન આપો, ધમકાવો નહીં, તેના પર ગુસ્સે ન થાઓ; પણ અનુશાસન જરૂર રાખો, નિયંત્રણ જરૂર રાખો. ગઈ કાલે કહ્યું એમ, ચાબુક હાથમાં રાખો, પણ એ દેખાડવા માટે. તેને કોરડો ન ફટકારો અને એવી ભૂલ ક્યારેય ન થાય એને માટે સજાગ પણ રહો.

તેમને સ્નેહનું જળ આપો તો મૂળિયાં મજબૂત થશે. સમય જતાં જેમ વૃક્ષમાં ફૂલ અને ફળ આવે છે એ રીતે આ યુવકોમાં પણ શ્રદ્ધા અને ભક્તિ આવશે, જેને જોઈને તમારો પરિવાર પ્રસન્ન થશે. તમારા પિતૃઓ પ્રસન્ન થશે. 

અગાઉ જે વાત કરી હતી એ ભક્તિની વેલ પર મૂળ સ્વરૂપને ફલિત કરવા માટે આ પાંચ વસ્તુઓની જરૂર પડે છે. પહેલું, મૂળમાં સ્નેહનું જળ; બીજું, સારા સંસ્કારોનું ખાતર; ત્રીજું, પૂર્ણ સ્વચ્છંદતા નહીં, પરંતુ જરૂરી સ્વતંત્રતા એટલે કે આકાશ; ચોથું, સારો સંગ અર્થાત્ પ્રકાશ અને પાંચમું, પ્રાણ તત્ત્વનો અનુભવ એટલે કે હવા.

બાળકો પર અનુશાસન જરૂર કરો, પણ મર્યાદામાં રહીને. મુક્તિની વેલને મજબૂત કરવા માટે સ્નેહનું જળ અને સૂચનોનું ખાતર આપવાનું છે. સારું ખાતર મળશે તો પુષ્ટિ જલદી થશે. તેને જલદી પુષ્ટિ મળશે તો તે મજબૂત બનશે અને તેનાં મૂળિયાં મજબૂત થશે. ખાતર શું છે? બાળકોની રુચિ સમજીને, તેની રુચિને પોતાની વિવેકબુદ્ધિથી યોગ્ય-અયોગ્ય અલગ કરીને, તેમનું મન માને એવી રીતે, જરૂર પડે ત્યારે નિર્ણય કરવો એ ખાતર છે. માત્ર તમારી મરજી તેના પર ન લાદો. શક્ય હોય ત્યાં સુધી તેના હિતમાં તેની અભિરુચિને ધ્યાનમાં રાખી દરેક વળાંક પર તેના નિર્ણયને સારાં સૂચનોનું ખાતર આપો. આ બે વસ્તુ મૂળમાં, પછી ઉપર ત્રણ વસ્તુ આકાશ, પ્રકાશ અને હવા આપો. આકાશ ન હોય તો કોઈ વૃક્ષ ફળે જ નહીં. એને આકાશ જોઈએ, વિશાળતા જોઈએ, પ્રકાશ અને હવા જોઈએ. જ્યારે મૂળિયાં મજબૂત થઈ જાય ત્યારે આ ત્રણ વસ્તુઓ એને મળે. આકાશ મળે, એનો અર્થ એવો નથી કે તેને સ્વચ્છંદતા મળે, થોડી સ્વતંત્રતા મળવી જોઈએ. તેના મનમાં જે આવે એ કરે, એમ પણ નહીં. યુવાન ભાઈઓ-બહેનોને પણ હું એ જ કહીશ કે તમે ભલે આકાશ મેળવો, પરંતુ એટલા સ્વતંત્ર ન થઈ જાઓ જે તમારા ઘર-પરિવાર માટે એ વિનાશક બની જાય.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Morari Bapu astrology life and style