તન પર નહીં, ભક્તિને મનમાં ધારણ કરો

17 August, 2022 04:26 PM IST  |  Mumbai | Morari Bapu

ભક્તિનો અર્થ શરીર પર ધારણ કરવાની કોઈ વસ્તુ નહીં. કોઈ પણ ભક્ત આ દુનિયામાં આવે છે ત્યારે સંપ્રદાયવાળા તેના પર પોતાની છાપ લગાવી દે છે. આ સંપ્રદાયનો ધંધો છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

કુતૂહલ અને જિજ્ઞાસા પછીની ત્રીજી સ્થિતિ છે મુમુક્ષા. 
મુમુક્ષા બૌદ્ધિક નથી, આત્મિક છે. જેમ મરૂભૂમિમાં તમે ભૂલા પડો ને પાણી પણ ન મળે તો પ્રાણ દાવ પર લાગી જાય કે પીવાનું પાણી ન મળે તો મર્યા, એમ મુમુક્ષા એને કહેવાય કે હવે ધર્મ ન મળે તો પ્રાણ જાય. બુદ્ધિથી ઊંચું સ્થાન છે મુમુક્ષાનું. મુમુક્ષા સદૈવ આત્મિક હોય. બૌદ્ધિક સ્તર પર મુમુક્ષા હોઈ શકે નહીં. આ મુમુક્ષા એ ભક્તિની દશા છે.
આ જ વાતને આગળ વધારતાં પહેલાં રસ-શાસ્ત્ર જોઈએ.
રસ કુલ નવ પ્રકારના છે ઃ શૃંગાર રસ, હાસ્ય રસ, ભયાનક રસ, બીભત્સ રસ, રૌદ્ર રસ, શાંત રસ, વીર રસ, કરુણ રસ અને અદ્ભુત રસ. આ નવ રસ પછી દસમો રસ ભક્તિ રસ છે.
ભક્તિનો અર્થ શરીર પર ધારણ કરવાની કોઈ વસ્તુ નહીં. કોઈ પણ ભક્ત આ દુનિયામાં આવે છે ત્યારે સંપ્રદાયવાળા તેના પર પોતાની છાપ લગાવી દે છે. આ સંપ્રદાયનો ધંધો છે. મારો કહેવાનો અર્થ એ છે કે ભક્તનો કોઈ સંપ્રદાય નથી હોતો. દુનિયામાં કોઈ પણ મહાન સંત, કોઈ પણ ભક્ત આવે ત્યારે બધા સંપ્રદાયવાળા તેના પર પોતપોતાની છાપ લગાવી દે છે. એથી તેમને ફાયદો થાય છે.
ભક્તિનું સ્થાન - ગૌસ્વામીજીએ અહીં બહુ સુંદર શબ્દોનો ઉપયોગ કર્યો છે.
સાવધાન સુનુ ધરુ મન માંહી. 
મનમાં ધારણ કરો. 
ભક્તિ તન પર ધારણ કરવાની વસ્તુ નથી. એનો અર્થ એવો નથી કે તમે તિલક ન કરો, કરો તો સારી વાત છે. ન કરો તો તમે ભક્તિ ન કરી શકો એવું નથી. સૂત્ર એકદમ સ્પષ્ટ છે. તન પર ભક્તિ ધારણ ન કરો, મનમાં ધારણ કરો. ભક્તિનું સ્થાન છે માનવીનું મન. 

પરમાત્મા કેટલાયને પાંચ-પાંચ વાર મળે છે, ઘણાને વર્ષમાં એક વાર મળે છે. આપણે આપણી ધારણા મુજબના સ્વરૂપમાં જ એને શોધતા રહીએ છીએ. એ કોઈ પણ સ્વરૂપે આવી શકે છે. માણસ કેટલીયે વાર પોતાની મૂઢતાને કારણે તેમના સ્વરૂપનાં દર્શનની તક ગુમાવી બેઠો છે. આપણે રડીએ છીએ કે ભગવાનનાં દર્શન નથી થતાં, કારણ કે તમે ભગવાન પણ કેદમાં રાખ્યા છે. તમે તમારી મૂઢતામાંથી તેને છોડો તો તે તમને દર્શન આપેને.

ભક્તિનો અર્થ શરીર પર ધારણ કરવાની કોઈ વસ્તુ નહીં. કોઈ પણ ભક્ત આ દુનિયામાં આવે છે ત્યારે સંપ્રદાયવાળા તેના પર પોતાની છાપ લગાવી દે છે. આ સંપ્રદાયનો ધંધો છે.

columnists life and style astrology Morari Bapu