ડિગ્રી લેવા માટે મહેનત કરવી પડે, પણ માણસ બનવા નથી કરવી પડતી

17 April, 2024 07:34 AM IST  |  Mumbai | Morari Bapu

માણસ બનવા માટે એવી કોઈ મહેનત નથી કરવી પડતી. બસ, મનમાં રહેલો ભાર હળવો કરો, અહમને પડતો મૂકો અને પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી આગળ વધો.

પૂજ્ય મોરારી બાપુની તસવીર

એક શ્રીમંત માણસ, શરીર તેનું સ્થૂળ. ઊઠી શકે નહીં જલદી, નોકર ઉઠાડે ત્યારે ઊઠે. પૈસા ખૂબ, સાધન-સંપન્ન હતો, પણ કંઈ કરી શકે નહીં. એવું નહીં કે તેની શારીરિક લાચારી હતી. ના, એવું નહોતું. બસ શરીર સ્થૂળ એટલે તેનામાં આળસનું પ્રમાણ વધતું જતું. ઓળખીતા-પાળખીતા તેને આળસ ખંખેરવાની સલાહ આપે, પણ આળસ નહીં ખંખેરવામાં પેલો ખૂબ બધો પૈસો નડતરરૂપ હતો. નોકર-ચાકરનો ઢગલો અને ધંધો પણ ધમધોકાર ચાલે એટલે એ માણસ ગાદી-તકિયા નાખીને બેઠો રહે.

એક દિવસ ગાદી-તકિયો નાખીને તે બેઠો હતો ત્યાં તેની દુકાન પાસેથી ગરીબ માણસ પસાર થયો. તેને તરસ લાગેલી એથી શેઠ પાસે જઈને તેણે હાથ જોડ્યા, ‘વડીલ, મને જરા પાણી આપોને.’ 
‘શું દોડ્યા આવો છો? જાઓ જઈને બીજેથી પી લ્યો.’  પેલાએ સહેજ કરગરીને કહ્યું, ‘આ મોટી દુકાન જોઈને આવ્યો છું, બીજું ક્યાં કંઈ માગું છું. પાણીનો ગ્લાસ જ માગું છું, એ પણ નહીં પીવડાવો?’ શેઠ ફરી તાડૂક્યા. કહે, ‘ખબર છે આ કોની દુકાન છે? નગરશેઠની... અહીં આવાં બધાં કામ માટે સમય ન હોય.’ એ પછી પણ પેલો ગયો નહીં. તેણે ફરી હાથ જોડ્યા અને કહ્યું, ‘બસ, મારે પાણી પીવું છે. બીજું કાંઈ જોઈતું નથી...’  શેઠ હવે સહેજ નરમ પડ્યા, પણ પેલી આળસ તો હજી અકબંધ જ હતી. ‘ઊભો રહે, માણસને આવવા દે. તે આવે પછી આપશે.’ ‘વડીલ! તમે આટલા શ્રીમંત છો, મને પાણીનો એક ગ્લાસ નહીં આપો?’ શેઠે અકળામણ સાથે જવાબ આપ્યો, ‘કહ્યુંને, માણસને આવવા દે.’ અડધો કલાક પસાર થયો એટલે પેલા ભિખારીએ શેઠને પૂછ્યું, ‘તમે હજી માણસની જ રાહ જુઓ છો?’ શેઠે હા પાડી એટલે ભિખારીએ બે હાથ જોડ્યા, ‘શેઠ, એક કામ કરોને, પાંચ મિનિટ માટે તમે માણસ થઈ જાઓને. માણસ આવે ને પછી મને પાણી પાય એના કરતાં તમે જ માણસ થઈ જાઓને...’

આપણને સૌને પણ આ જ વાત લાગુ પડે છે. જરૂર પડે ત્યારે અને જરૂર પડે ત્યાં માણસ બનીને રહીએ. માણસ બનીને વિચારીએ અને માણસ બનીને આગળ વધીએ. ડૉક્ટર, એન્જિનિયર કે આર્કિટેક્ટ બનવા માટે બહુ બધી મહેનત કરવી પડતી હોય છે. પરીક્ષા આપો અને એ આપતાં પહેલાં આખી રાત વાંચો, ખૂબ ભણો પણ માણસ બનવા માટે એવી કોઈ મહેનત નથી કરવી પડતી. બસ, મનમાં રહેલો ભાર હળવો કરો, અહમને પડતો મૂકો અને પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી આગળ વધો.

astrology life and style columnists