Jaya Ekadashi : આજના દિવસે કરશો આ કામ તો પરિવાર પર થશે લક્ષ્મીનો વરસાદ

01 February, 2023 12:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી થશે લાભ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

શાસ્ત્રો અનુસાર માઘ માસના શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી (Jaya Ekadashi) કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે, જે વ્યક્તિ આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને વિશેષ ફળ મળે છે અને ભગવાન વિષ્ણુ તેના તમામ કષ્ટ દૂર કરે છે. આ વર્ષે જયા એકાદશી પહેલી ફેબ્રુઆરી એટલે કે બુધવારના રોજ છે. માન્યતા અનુસાર, દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુના પત્ની છે. આ કારણે જયા એકાદશી પર કેટલાક ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીના પણ વિશેષ આશીર્વાદ મેળવી શકાય છે.

શુભ મુહૂર્ત

પંચાંગ મુજબ, ૩૧ જાન્યુઆરીના રોજ રાત્રે ૧૧.૫૩ વાગ્યાથી જયા એકાદશી શરૂ થઈ ગઈ છે. તે બીજા દિવસે એટલે કે આજે પહેલી ફેબ્રુઆરીએ બપોરે ૨.૦૧ વાગ્યે સમાપ્ત થશે. પરંતુ, ઉદયતિથિ અનુસાર, જયા એકાદશી પહેલી ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવશે. આ એકાદશીનું વ્રત બીજી ફેબ્રુઆરીના રોજ સવારે ૭.૦૦ થી ૯.૧૯ વચ્ચે તોડવાનું શુભ રહેશે.

પૂજાની વિધિ

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જયા એકાદશી વ્રત કરી શકાય છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે. પૂજામાં પીળા વસ્ત્રો, પીળા ફૂલ, પીળી મીઠાઈ અને ફળનો સમાવેશ કરવો. ભોગમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને માત્ર ફળ ચઢાવવા.

આ પણ વાંચો - આ છ આદતોથી શનિદેવને છે ખૂબ જ નફરત, રહો સાવચેત

આ કાર્યો કરવાથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન

જયા એકાદશી પર ગાયને ચારો ખવડાવવાનું પણ શુભ ગણાય છે. માન્યતા અનુસાર, ગરીબોને ભોજન કરાવવાથી માતા લક્ષ્મીનું હૃદય પ્રસન્ન થશે

આ દિવસે અન્ય એક ઉપાય પણ કરી શકાય છે. જેના માટે મંદિર પાસે પીપળાના ઝાડ સુધી જવું પડે છે. માન્યતા અનુસાર, જયા એકાદશીના દિવસે પીપળાના ઝાડને જળ અર્પણ કરવું શુભ સાબિત થશે. તેમજ પીપળના ઝાડની પરિક્રમા કરીને દેશી ઘીનો દીવો પ્રગટાવીને મનોકામના જણાવી શકાય છે.

આ પણ વાંચો - ભગવાનના ભજનમાં કસોટી આવે, વિઘ્ન ક્યારેય ન આવે

આ ભોજનને ટાળો

જયા એકાદશીના દિવસે તામસી ખોરાક ગ્રહણ કરવાનું ટાળો. વ્રત કરનાર વ્યક્તિ સિવાય પરિવારના અન્ય સભ્યોએ ઈંડા, માંસ, માછલી અને લસણ-ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ.

life and style astrology