આજે પણ એવા યુવકો છે જે વર્ધમાન જેવી જ દૃઢતા અને મક્કમતા ધરાવે છે

08 April, 2024 10:56 AM IST  |  Mumbai | Acharya Rajratnasundersurishwarji Maharaj

ઇન્ટરનેટ બંધ એટલે આપોઆપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જોવાનું તો બંધ જ પણ સાથોસાથ ઈ-મેઇલ જોવા પણ નહીં જવાનું અને ઇન્ટરનેટ બંધ હોય એટલે બીજી બધી વેબસાઇટ પર પણ નહીં જવાનું

પદ્‍મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

આમ તો આ વાત બે વર્ષ પહેલાંની છે, પણ આજે પણ એ એટલી જ પ્રસ્તુત, કદાચ એના કરતાં પણ વધારે મહત્ત્વની છે એટલે થયું કે તમારી સાથે વાત શૅર કરું. 
‘ગુરુદેવ આપનું ચાતુર્માસ ઇન્દોર અને રતલામ આ બેમાંથી એક સ્થળે થવાની સંભાવનાનો જ્યારથી મને ખ્યાલ આવ્યો ત્યારથી મનમાં એક ભાવના હતી કે તમારું ચાતુર્માસ તો ઇન્દોરને જ મળવું જોઈએ.’

એક યુવક મારી પાસે આવ્યો. અંદાજે વીસેક વર્ષની આયુ, દેખાવડો અને એકદમ આજના જમાનાનો, મૉડર્ન કહેવાય એવો. હાથમાં અત્યાધુનિક મોબાઇલ અને શરીર પર કપડાં પણ બહુ પ્રતિષ્ઠિત બ્રૅન્ડનાં, પણ ધર્મ્્અનુરાગી. મનમાં ઉચ્ચ ભાવના અને ઈશ્વર પ્રત્યે આદર પણ એટલો જ ઉચ્ચ.હાથ જોડીને ઊભેલા એ યુવકે વાત આગળ વધારી.

‘તમારું ચાતુર્માસ ઇન્દોરમાં હોય એવું મારા એકમાત્રના વિચારવાથી તો ચાતુર્માસ ઇન્દોરને ન જ મળે એની મને બરાબર સમજ હતી અને એટલે મેં અભિગ્રહ કરી લીધો કે આપનું ચાતુર્માસ જ્યાં સુધી ઇન્દોર ન થાય ત્યાં સુધી સોશ્યલ મીડિયા પર જવાનું બંધ!’ યુવકના ચહેરા પર નમ્રભાવ હતો, ‘તમે જ કહેતા હો છો કે જો છોડવાની વાત આવે ત્યારે અહમ્, ઈગો અને ઍટિટ્યુડ છોડો અને એ છોડ્યા પછી પણ કંઈ છોડવું હોય તો અત્યંત પ્રિય કે મૂલ્યવાન લાગતી હોય એવી વાત-વસ્તુ છોડો. મારે માટે સોશ્યલ મીડિયા બહુ મહત્ત્વનું હતું તો એટલું જ એ પ્રિય પણ. અમે બધા મિત્રો આખો દિવસ ત્યાં જ મળીએ અને વાતો કરીએ તો નવી-નવી ઓળખાણો પણ એ જ જગ્યાએથી અમને થતી રહે.’

‘સોશ્યલ મીડિયા બંધ એટલે શું બંધ કર્યું?’ સહજ રીતે મેં પૂછ્યું કે તરત એ યુવકે જવાબ આપ્યો,
‘ઇન્ટરનેટ બંધ એટલે આપોઆપ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જોવાનું તો બંધ જ પણ સાથોસાથ ઈ-મેઇલ જોવા પણ નહીં જવાનું અને ઇન્ટરનેટ બંધ હોય એટલે બીજી બધી વેબસાઇટ પર પણ નહીં જવાનું. આ નિયમ મેં મારા મનથી જ લઈ લીધો જેની જાણ મારા પપ્પાને આજે પણ નથી.’ યુવકે વાત આગળ વધારી, ‘આપનું ચાતુર્માસ ઇન્દોર નક્કી થઈ ગયું. ઇન્દોરમાં પધારી ગયાને આજે આપને બે મહિના થઈ ગયા છે એ પછીયે મારું સોશ્યલ મીડિયા પર જવાનું બંધ જ છે. એનો એટલો બધો આનંદ હું અનુભવું છું કે ટીવી જોવાનુંય મેં બંધ કરી દીધું છે અને આજે હું આ મોબાઇલ છોડવાના આશીર્વાદ લેવા આવ્યો છું, આશીર્વાદ આપો આપ કે આ બધું કાયમ માટે છૂટી જાય!’ 

નવી પેઢીના મોઢે આવી વાત સાંભળવા મળે ત્યારે ખરેખર થાય કે આજે પણ એવા યુવકો છે જે વર્ધમાન જેવી જ દૃઢતા અને મક્કમતા ધરાવે છે.

astrology life and style jain community