આજથી શરૂ થતા અધિક માસની વાર્તા અને શુભ મુહૂર્ત જાણો અહીં

18 September, 2020 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજથી શરૂ થતા અધિક માસની વાર્તા અને શુભ મુહૂર્ત જાણો અહીં

પ્રતીકાત્મ તસવીર

શ્રાદ્ધ પક્ષ પુર્ણ થઈને આજથી અધિક મહિનાનો પ્રારંભ થયો છે. હિન્દુ ધર્મમાં અધિક મહિનાનું વિશેષ મહત્વ છે. અધિક મહિનામાં ધાર્મિક કાર્ય સાથે સંબંધિત પ્રવૃત્તિઓ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે, શુભ કાર્યો ધાર્મિક મહિનામાં કરવામાં નથી આવતા. અધિક માસને મલમાસ, પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આવો આજે આપણે જાણીએ અધિક માસની વાર્તા અને તેના શુભ શુભ મુહૂર્ત વિશે.

અધિક મહિનાની વાર્તા

દંતકથા અનુસાર, લોકો અધિક માસને મલમાસ કહેવા લાગ્યા. તે મલમાસ કહેવાથી ગુસ્સે થયો અને પોતાની વેદના ભગવાન વિષ્ણુ સમક્ષ મુકી. અધિક માસનો કોઈ સ્વામી નહોતો. કોઈ સ્વામી ન હોવાથી લોકો અધિક માસને મલમાસ કહેવા લાગ્યા. આનાથી તે ખૂબ જ દુ:ખી થઈ ગયો. જ્યારે તેણે તેની વ્યથા વિષ્ણુ ભગવાનને સંભળાવી ત્યારે ભગવાને મલમાસને વરદાન આપ્યું અને કહ્યું કે, હવેથી હું તારો સ્વામી છું. વરદાન આપવાની સાથે ભગવાન વિષ્ણુએ તે મહિનાને પોતાનું નામ આપ્યું. પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ ભગવાનનું નામ છે, તેથી આ મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કહ્યું કે, જે કોઈપણ આ મહિનામાં મારી પૂજા કરે છે, ઉપાસના કરે છે, આરાધના કરે છે તેના પર તે પ્રસન્ન થાય છે અને આર્શીવાદ આપે છે કે બધી જ મનોકામના પૂર્ણ થાય.

અધિક મહિનાનું મહત્વ

અધિક મહિનામાં ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. માનવામાં આવે છે કે, પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, વિધિ અને દાનથી વિશેષ ફળ મળે છે અને તમામ પ્રકારના દુ:ખો દૂર થાય છે.

અધિક મહિનાની શરૂઆત

પંચાંગ મુજબ, અશ્વિન મહિનામાં શ્રાદ્ધ પક્ષ 17 સપ્ટેમ્બર 2020 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને અધિક મહિનો 18 સપ્ટેમ્બર 2020થી શરૂ થઈ રહ્યો છે. અધિકાર માસ 16 ઓક્ટોબર 2020 ના રોજ સમાપ્ત થશે.

જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે

જ્યોતિષ શાસ્ત્રના જાણકાર પ્રમાણે અધિક માસમાં વિવાહ, દેવસ્થાપન, યજ્ઞોપવિત, સકામ યજ્ઞા જેવા શુભ કાર્યો કરવા માટે શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે. આધુનિક સુખ- સુવિધાની ચીજવસ્તુની ખરીદી માટેના નિષેધનો શાસ્ત્રોમાં કોઈ ઉલ્લેખ નથી. આ સિવાય અધિક માસમાં લગ્ન નક્કી કરવું, સગાઈ નક્કી કરવી, જમીન, મકાન- મિલકતની ખરીદી પણ નક્કી કરી શકાય છે. અધિક માસમાં જ્વેલરી, વાહન, મિલકત, ઈલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓ, કપડાં, સહિત તમામ પ્રકારની ખરીદી માટે કોઈ મનાઈ નથી. જ્યારે મિલકત ખરીદીના સંદર્ભમાં ફક્ત કાગળ-દસ્તાવેજી કાર્યવાહી કરી શકાશે. મિલકતની ખરીદી માટે અધિક માસમાં ૨૫થી વધુ શુભ દિવસ છે.

સર્વાર્થ સિદ્ધ યોગ: આ યોગ તમામ મનોકામના પૂર્ણ કરનારો યોગ છે. આ યોગમાં કરેલા કામમાં સળફતા મળે છે. તા. ૯, ૨૬ સપ્ટેમ્બર, ૧, ૪, ૬, ૭, ૯, ૧૧, ૧૭ ઓક્ટોબરે આ યોગ રહેશે.

દ્વિપુષ્કર યોગ: એવી માન્યતા છે કે, આ યોગમાં કરેલા તમામ કામોનું બમણું ફળ મળે છે. તા.૧૯ અને ૨૭ સપ્ટેમ્બરે આ યોગ છે.

અમૃતસિદ્ધ યોગ: અમૃત સિદ્ધ યોગમાં કરેલ કાર્યોનું ફળ દીર્ઘકાલીન હોય છે.

પુષ્ય નક્ષત્ર: અધિક માસમાં બે દિવસ પુષ્ય નક્ષત્ર આવે છે. ૧૦ ઓક્ટોબરે રવિ પુષ્ય અને ૧૧ ઓક્ટોબરે સોમ પુષ્ય નક્ષત્ર છે. આ બંન્ને દિવસે કોઈપણ શુભ કાર્યો કરી શકાશે.

ખરીદી માટે આ દિવસો છે શુભ -

ધ્રુવ સ્થિર મુહૂર્ત: તા.૧૮, ૨૬ સપ્ટેમ્બર, તા. ૭,૧૫ ઓક્ટોબર અને તમામ રવિવાર શિક્ષણ સંબંધિત ખરીદી, રોકાણ અંગેના કામકાજ, જ્વેલરી બનાવવા, શપથ ગ્રહણ અને હોદ્દો સંભાળવા માટે શુભ છે.

ચર-ચલ મુહૂર્ત: તા. ૨૦,૨૭, ૨૮, ૨૯ અને તા. ૩૦ સપ્ટેમ્બર, તા. ૧૦ ઓક્ટોબર અને તમામ સોમવારે મોટરકાર, બાઈક, સહિત વાહનની ખરીદી કે બુકિંગ માટે શુભ રહેશે.

ઉગ્ર-ક્રુર મુહૂર્ત: તા. ૨૫, ૩૦ સપ્ટેમ્બર, તા. ૫, ૧૩, ૧૪, ઓક્ટોબર અને તમામ મંગળવારે શસ્ત્રની ખરીદી અને બુકિંગ કરી શકાશે.

મિશ્ર-સાધારણ મુહૂર્ત: ૨૧ સપ્ટેમ્બર, ૬ ઓક્ટોબર અને તમામ બુધવાર માંગલિક કાર્યો માટે શુભ છે.

અધિક માસમાં બની રહ્યો છે વિશેષ સંયોગ

આ વખતે અધિક મહિનામાં એક ખાસ સંયોગ પણ બની રહ્યો છે. આ વિશેષ સંયોગ 160 વર્ષ પછી બની રહ્યો છે. આ પછી, આવો સંયોગ વર્ષ 2039માં થશે. આ વર્ષે સંયોગને લીધે લીપ યર અને અશ્વિન અધિક માસ બંને એક સાથે આવી રહ્યાં છે. સૌર વર્ષ સૂર્યની ગતિ પર આધારીત છે. ચંદ્ર વર્ષની ગણના ચંદ્રની હિલચાલ તરીકે ગણવામાં આવે છે. સૌર વર્ષ 365 દિવસ 6 કલાક છે. જ્યારે એક ચંદ્ર વર્ષમાં 354.36 દિવસ હોય છે. દર ત્રણ વર્ષે, ચંદ્રના આ દિવસો એક મહિનાની બરાબર થાય છે. જ્યોતિષની ગણતરીઓને સાચી પાડવા માટે ત્રણ વર્ષ પછી ચંદ્ર મહિનામાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. આને અધિક મહિનો અથવા પુરુષોત્તમ મહિનો કહેવામાં આવે છે.

life and style astrology