ભગવાનને ધનના ભાવથી નહીં, મનના ભાવથી પૂજો તો એ મળે

23 November, 2022 10:06 AM IST  |  Mumbai | Morari Bapu

અહીં સોનાના મંદિરને બનાવતાં ૬ મહિના થયા તો સામા પક્ષે પેલા ગરીબનું માનસમંદિર પણ ૬ મહિનામાં બની ગયું. 

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

એક શેઠે પોતાના ઘરમાં સોનાનું મંદિર બનાવડાવ્યું.

શેઠ બહુ ધનિક, પુષ્કળ પૈસો તેમની પાસે એટલે સ્વાભાવિક રીતે તેમણે મંદિર બનાવવા માટે ક્યાંય કોઈ કચાશ રાખી નહીં અને સોનાની ઈંટોથી આખું મંદિર બનાવ્યું. વાત તો અહીંથી સાચી શરૂ થાય છે.

શેઠની બાજુમાં એક ગરીબ રહેતો હતો. ગરીબ કહ્યો એટલે તમે સમજી જ ગયા હો કે જે પોતાની આજીવિકા પણ મહામહેનતે રળતો હોય. એ ગરીબ બિચારાને થયું કે શેઠે તો સોનાનું મંદિર બનાવ્યું, પણ હું કેવી રીતે સોનાનું મંદિર બનાવી શકું? 

બહુ લાંબા મનોમંથન પછી તેને રસ્તો મળ્યો અને એ ગરીબે માનસિક પૂજામાં સોનાનું મંદિર બનાવડાવવાનું શરૂ કર્યું. અહીં સોનાના મંદિરને બનાવતાં ૬ મહિના થયા તો સામા પક્ષે પેલા ગરીબનું માનસમંદિર પણ ૬ મહિનામાં બની ગયું. 

પછી વાત આવી મૂર્તિની. શેઠ તો ધનિક એટલે તેમણે મોંઘામાં મોંઘી મૂર્તિ ઘડાવી અને પોતાના મંદિરમાં મુકાવી. પેલો ગરીબ તો બિચારો જે કરતો એ ભાવથી કરતો, મંદિર પણ એનું માનસમંદિર હતું એટલે તેણે પોતાના માનસમંદિરમાં એવી જ મૂર્તિ મુકાવી જેવી પેલા કરોડપતિ શેઠે પોતાના મંદિરમાં મુકાવી હતી. 

૬ મહિનામાં શેઠનું મંદિર તૈયાર થઈ ગયું અને આ જ સમયગાળામાં પેલા પાડોશી ગરીબનું મંદિર પણ પૂર્ણ થયું. થાય જને, એ બિચારો તો પેલા શેઠના પગલે જ ચાલતો હતો. ફરક એટલો હતો કે શેઠ બધું સાચેસાચું કરતો હતો અને આ ગરીબ બધું પોતાના માનસપટ પર કરતો હતો. 

મંદિર તૈયાર થયું એટલે શેઠે મંત્ર પૂરી ધામધૂમ સાથે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી અને જેકોઈ જરૂરી હતી એ બધી વિધિ પૂરી કરાવી. ગરીબને તો શું, તેણે પણ પોતાના માનસપટ પર બનેલા મંદિરની માનસિક પ્રાણપ્રતિષ્ઠા ચાલુ કરી દીધી. શેઠે આખા ગામને જમવા બોલાવ્યું તો પેલાએ પણ મનોમન ગામઆખાનો જમણવાર કરાવ્યો. 

બધી વિધિ પૂરી થઈ એટલે શેઠ મંદિરમાં મૂર્તિ પાસે ગયા, પણ શેઠની મૂર્તિમાં કોઈ તેજ નહોતું. શેઠે બ્રાહ્મણોનો વાંક કાઢ્યો, પણ બ્રાહ્મણોએ કહ્યું કે આમાં અમારી કે પછી અમારી કોઈ વિધિની ખામી નથી, તારો ઠાકુર પેલા ગરીબના ઘરમાં જઈને વસ્યો છે. એમ કરો, તમે તે ગરીબને દર્શન કરવા માટે અહીં લઈ આવો તો તેના હૃદયમાં બેઠેલા ઠાકોરજી પણ અહીં આવી જશે. 

શેઠ આખી વાત સમજી ગયા અને તે પોતાનું સ્ટેટસ પડતું મૂકીને સામે ચાલીને ગરીબ પાસે ગયા. ખૂબ જ ભાવપૂર્વક હાથ જોડીને તે ગરીબને પોતાને ત્યાં લઈ આવ્યો. જેવા એ ગરીબે મૂર્તિનાં દર્શન કર્યાં કે મૂર્તિમાં તેજ આવી ગયું. જો ભાવથી ભગવાનને પૂજો, જો ભાવથી ભક્તિ કરો તો ભગવાનનો સાક્ષાત્કાર થાય જ થાય.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology life and style Morari Bapu