અગ્નિ-અસ્ત્ર સતેજ હોય તે કામમાં હંમેશાં ત્વરિત હોય

18 September, 2022 02:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં ભલે એવું દેખાડવામાં આવે છે કે અગ્નિ–અસ્ત્ર જેની પાસે હોય તેને અગ્નિ કશું કરે નહીં. ના, એવું નથી હોતું, પણ અગ્નિ–અસ્ત્ર સતેજ કરવાનો અર્થ આગની ઝડપથી આગળ વધવાની ક્ષમતા કેળવવી એવો થાય છે

પ્રતીકાત્મક તસવીર

ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં દર્શાવવામાં આવેલાં અસ્ત્રો પામવાનો અર્થ એવો નથી કે તમે એ શક્તિ કે ક્ષમતા સાથે દોસ્તી કેળવી લો, એનો સીધો અર્થ એવો છે કે એ અસ્ત્રમાં રહેલા ગુણો તમારામાં સમાવિષ્ટ થાય. ધારો કે તમે વાનર-અસ્ત્ર પામવા માગતા હો તો તમે વાનરની જેમ કૂદાકૂદ કરવા માંડો કે પછી નંદી-અસ્ત્ર ધારણ કરો એટલે કોઈને પણ ઢીંક મારવાની કળા તમે હસ્તગત કરી લો એવું બિલકુલ નથી હોતું. અસ્ત્ર-શાસ્ત્રમાં વર્ણવવામાં આવેલા એ અસ્ત્રમાં રહેલા ગુણો તમારામાં જાગ્રત કરવા, મતલબ કે એ અસ્ત્ર પામવાં. હા, એ અસ્ત્ર પામ્યા પછી એ અસ્ત્રના ગુણો તો તમારામાં જાગ્રત તો થાય જ છે, પણ એ અસ્ત્રના જે દુશ્મન છે એ અવગુણોનો પણ નાશ થાય છે.

અગ્નિ-અસ્ત્રના ગુણ પ્રાપ્ત કરવા માટેના કેટલાક રસ્તા બહુ સરળ છે.

૧. અગ્નિ અસ્ત્ર જેનામાં સતેજ હોય તે આગની ઝડપે નિર્ણય લેવાથી માંડીને કામ પૂર્ણ કરવામાં માનનારા હોય છે. આ અસ્ત્રને સતેજ કરવાનો સૌથી પહેલો રસ્તો છે શરીરમાં રહેલી ઍસિડિટીને ખતમ કરો. જઠરમાં ઊભી થતી એ આગ તેજ ઓસરવાનું અને નિસ્તેજ કરવાનું કામ કરે છે. સીધો હિસાબ એવો પણ માંડી શકાય કે ઍસિડિટી જેવી તકલીફ ભોગવતી વ્યક્તિ બેચેન વધારે રહે છે અને બેચેની ક્યારેય ત્વરા સાથે કામ કરવા દેતી નથી માટે તીખો અને તામષી પ્રકૃતિનો ખોરાક ત્યજવો એ અગ્નિ-અસ્ત્રને સતેજ કરવાની પહેલી ચાવી છે.

૨. અગ્નિ-અસ્ત્રનો કારક સૂર્ય છે. 
સૂર્યની નિયમિત કરવામાં આવતી પૂજા શરીરમાં રહેલા અગ્નિ-અસ્ત્રને સતેજ કરવાનું કામ કરે છે, તો અગ્નિના સિમ્બૉલ સમાન લાલ રંગનો કરવામાં આવતો મૅક્સિમમ ઉપયોગ પણ અગ્નિ-અસ્ત્રને સતેજ કરે છે. લાલ રંગ મંગળનો પણ રંગ છે એટલે ભોજનમાં જો લાલ રાજમા, ટમેટાં, તરબૂચ જેવાં કઠોળ-ફ્રૂટ્સનું નિયમિત સેવન કરવાથી પણ દેહમાં રહેલું અગ્નિ-અસ્ત્ર ઍક્ટિવ થાય છે.

૩. ત્રાટક વિધિ પણ અગ્નિ-અસ્ત્રને જાગ્રત કરવામાં કારગત નીવડે છે. ઘેરા અંધકારમાં દીવા સામે કરવામાં આવેલા ત્રાટકથી આંખોનું તેજ વધે છે, જેનો સીધો લાભ અગત્યની મીટિંગ દરમ્યાન વિશ્વાસ સંપાદનમાં થતો હોય છે. અગ્નિ-અસ્ત્ર જેનામાં જાગ્રત હોય છે એ વ્યક્તિની કડપ અસરકારક હોય છે. પોલીસ ફોર્સ કે ડિફેન્સ ફોર્સ સાથે જોડાયેલા સૌકોઈમાં આ અગ્નિ-અસ્ત્ર જાગ્રત હોય છે. 

જેમના સૂર્ય અને મંગળ જાતવાન હોય એ જ આ પ્રકારના ક્ષેત્રમાં આગળ વધતા હોય છે.

columnists life and style astrology