`યે કાલી કાલી આંખેં` રિવ્યુ : ક્રાઇમ અને પાવર વચ્ચેની ટ્રૅજિક લવ સ્ટોરી

18 January, 2022 03:30 PM IST  |  Mumbai | Harsh Desai

આવી સ્ટોરી કહેવી દરેકના ગજાની વાત નથી અને સિદ્ધાર્થ સેનગુપ્તા દ્વારા એને સારી રીતે દેખાડવામાં આવી છે : દરેક પાત્રની તેમનું ઉત્તમ આપવાની પૂરેપૂરી કોશિશ દેખાઈ આવે છે

`યે કાલી કાલી આંખેં`નો સીન

વેબ-શો : યે કાલી કાલી આંખેં 

કાસ્ટ : તાહિર રાજ ભસીન, શ્વેતા ત્રિપાઠી, આંચલ સિંહ, સૌરભ શુક્લા, બિજેન્દ્ર કાલા

ડિરેક્ટર : સિદ્ધાર્થ સેનગુપ્તા

રિવ્યુ : ત્રણ સ્ટાર
   
યોગી સરકાર એક તરફ ઉત્તર પ્રદેશને ક્રાઇમ-ફ્રી સ્ટેટ બનાવવાની કોશિશ કરી રહી છે ત્યારે એ જ સ્ટેટ પર આધારિત એક ફિક્શન વેબ-શો ‘યે કાલી કાલી આંખેં’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવ્યો છે. આ શોમાં તાહિર રાજ ભસીન, શ્વેતા ત્રિપાઠી, આંચલ સિંહ, સૌરભ શુક્લા, બિજેન્દ્ર કાલા જેવા ઘણા ઍક્ટર્સે કામ કર્યું છે. આઠ એપિસોડની આ સ્ટોરીના દરેક એપિસોડ લગભગ ૩૫-૪૦ મિનિટના છે. સિદ્ધાર્થ સેનગુપ્તાએ આ શોને ડિરેક્ટ કર્યો છે.
ક્રાઇમ અને પાવર વચ્ચેની આ એક લવ સ્ટોરી છે. વિક્રાન્ત એટલે કે વિકીનું પાત્ર તાહિરે ભજવ્યું છે. તે એક એન્જિનિયર હોય છે અને શિખા એટલે કે શ્વેતા ત્રિપાઠી સાથે લગ્ન કરી નાનકડું ઘર વસાવવા માગતો હોય છે. તેનાં સપનાં ખૂબ જ નાનાં અને સામાન્ય હોય છે. તેના પિતા પૉલિટિશ્યન કહો કે ગૅન્ગસ્ટર એટલે કે સૌરભ શુક્લાના અકાઉન્ટન્ટ હોય છે. સૌરભ શુક્લા કહે તો સવાર અને સાંજ કહે તો સાંજ એવું વિકીના પપ્પા એટલે બિજેન્દ્ર કાલાનું માનવું હોય છે. સૌરભ શુક્લાની દીકરી પૂર્વાનું પાત્ર આંચલ સિંહે ભજવ્યું છે. પૂર્વા નાની હોય છે ત્યારે તેને વિકી પસંદ આવી ગયો હોય છે. જોકે તેણે ફ્રેન્ડશિપ માટે ના કહેતાં પૂર્વા બહાર ભણવા જતી રહી છે. તે જ્યારે પાછી આવી કે તેની મુલાકાત વિકી સાથે થાય છે. તે વિકી સાથે લગ્ન કરવા માગતી હોય છે, પરંતુ વિકી શિખા સાથે લગ્ન કરવા માગતો હોય છે. પૂર્વાની ખુશી તેના પિતા માટે સૌથી મહત્ત્વની હોય છે. આથી વિકીની સામાન્ય જિંદગીમાં એક તોફાન આવી જાય છે. તેના ઘરની ઇલેક્ટ્રિસિટી, ફોન, પાણી બધું બંધ થઈ જાય છે. તેને જે કંપનીમાંથી નોકરી મળી હોય છે એ પણ કૅન્સલ થઈ જાય છે. વિકી પાસે પૂર્વાના શરણમાં આવવા સિવાય કોઈ ઑપ્શન નથી હોતો. જોકે એક સામાન્ય વ્યક્તિને ગુંડાઓની વચ્ચે મૂકવામાં આ તો તે પણ ગુંડો બને છે કે પછી શું અને તેના પ્રેમનું શું થાય છે એ માટે શો જોવો રહ્યો.
સિદ્ધાર્થ સેનગુપ્તા દ્વારા શોને ખૂબ જ સારી રીતે બનાવવામાં આવ્યો છે. વિશાલ ભારદ્વાજ બાદ કોઈ ક્રાઇમ અને પાવર વચ્ચે ટ્રૅજિક લવ સ્ટોરીને સારી રીતે બનાવી શક્યું છે. આ શોનાં દૃશ્યોને પણ ખૂબ જ સારી રીતે શૂટ કરવામાં આવ્યાં છે. સ્ટોરી વચ્ચે થોડી કમજોર પડે છે અને એ એમાંથી બહાર નથી આવી શકતી. ક્લાઇમૅક્સને જે રીતે દેખાડવામાં આવી છે જસ્ટિફાઇ નથી થતું. બીજી સીઝનને ધ્યાનમાં રાખીને આ એન્ડ બનાવવામાં આવ્યો હોય એવું લાગે છે, પરંતુ એ વધુપડતું છે.
તાહિર ગયા મહિનાથી સ્ક્રીન પર ચમકી રહ્યો છે. પહેલાં તેની ‘83’ આવી હતી. ત્યાર બાદ ‘રંજિશ હી સહી’ અને ‘લૂપ લપેટા’નું ટ્રેલર સાથે ‘યે કાલી કાલી આંખેં’માં તે જોવા મળી રહ્યો છે. તેણે દરેકમાં એકદમ અલગ-અલગ પાત્ર ભજવ્યાં છે. ‘યે કાલી કાલી આંખેં’માં પણ તેણે એક સામાન્ય અને નિસહાય, પરંતુ બદલો લેવા માગતા વ્યક્તિનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તરતાં ન આવડતું હોય ત્યારે જેટલા જોરમાં હાથ મારવામાં આવે એટલા જ જોરમાં ડૂબી પણ જવાય છે અને એ તાહિરના પાત્રમાં ખૂબ જ સારી રીતે જોઈ શકાય છે. શ્વેતા ત્રિપાઠી માટે આ પ્રકારનું બૅકગ્રાઉન્ડ ખૂબ જ ફ્રેન્ડ્લી છે. ‘મિર્ઝાપુર’માં એ આપણે જોઈ શક્યા છીએ. તેને ખૂબ જ ઓછો સ્ક્રીન ટાઇમ મળ્યો છે, પરંતુ એનો તેણે ભરપૂર ઉપયોગ કર્યો છે. આંચલ સિંહ એક સિડક્ટ્રેસ તરીકે જોવા મળી છે. તે કોઈ દિવસ તેના હાથ ગંદા નથી કરતી પરંતુ તેને જે જોઈતું હોય એ માટે તે ફક્ત ઑર્ડર આપતી જોવા મળે છે અને કોઈનું મર્ડર થતાં પણ જોઈ શકે છે. સૌરભ શુક્લા અને બિજેન્દ્ર કાલા ખૂબ જ ઉમદા ઍક્ટર્સ છે. તેઓ હંમેશાં તેમનાં પાત્રને રિલેટેબલ બનાવવાની સાથે એમાં હ્યુમર પણ પેદા કરે છે.
આખરી સલામ
મેકર્સ દ્વારા એક ટ્રૅજિક લવ સ્ટોરીને ખૂબ જ અલગ રીતે કહેવામાં આવી છે અને એમાં તેઓ સફળ પણ થયા છે. લેખકો અને ક્રીએટર્સ દ્વારા આ સ્ટોરીમાં કેટલાંક સિરિયસ દૃશ્યોને ખૂબ જ હ્યુમરની સાથે કહેવામાં આવ્યાં છે. જે-તે વ્યક્તિ માટે એ ખૂબ જ સિરિયસ હોય એ દેખાઈ આવે છે પરંતુ બીજી વ્યક્તિ માટે એ એટલું જ ફની હોય એવું દેખાડવામાં આવ્યું છે.

Web Series web series tahir raj bhasin shweta tripathi harsh desai