`પૉપ કૌન` રિવ્યુ : કોઈ આમને જલદીથી ‘પૉપ કૌન’ શોધી આપો...

21 March, 2023 04:37 PM IST  |  Mumbai | Harsh Desai

ફરહાદ શામજીએ કુણાલ ખેમુને લઈને ‘પૉપ કૌન’ શો બનાવ્યો છે, પરંતુ એને ઇન્સ્ટાગ્રામના ટ્રેન્ડિંગ રીલ્સ અને મીમ્સ પરથી બનાવ્યો હોય એવું લાગે છે : સતીશ કૌશિક, જૉની લીવર અને સૌરભ શુક્લા જેવા દિગ્ગજ હોવા છતાં ડાયલૉગ પર હસવું નથી આવતું

પૉપ કૌન

પૉપ કૌન

કાસ્ટ : કુણાલ ખેમુ, સૌરભ શુક્લા, જૉની લીવર, સતીશ કૌશિક, ચંકી પાન્ડે, નૂપુર સૅનન

ડિરેક્ટર : ફરહાદ શામજી

સ્ટાર :  ફાલતુ

કુણાલ ખેમુનો વેબ-શો ‘પૉપ કૌન’ ડિઝની+હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ શોમાં એક-એકથી ચડિયાતા ઍક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સ્વર્ગીય સતીશ કૌશિકનો પણ સમાવેશ છે. આ શો ફરહાદ શામજીએ ડિરેક્ટ કર્યો છે જેના ૬ એપિસોડ છે.

સ્ટોરી ટાઇમ

આ શોની સ્ટોરી કુણાલ ખેમુની આસપાસ ફરે છે. તેનું નામ સાહિલ છે અને તે પૉલિટિશ્યન જૉની લીવરનો દીકરો છે. તે ડૉન એટલે કે સૌરભ શુક્લાની દીકરી પીહુ એટલે કે નૂપુર સૅનન સાથે પ્રેમમાં છે અને લગ્ન કરવા માગે છે. જોકે કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે તેને ખબર પડે છે કે જૉની લીવર તેનો દીકરો નથી. સૌરભ શુક્લા કહે છે કે તેને માટે બાપનું મહત્ત્વ ખૂબ વધુ હોય છે અને એથી જ કુણાલ ખેમુ તેના પિતાની શોધમાં નીકળે છે. આ શોમાં શબ્દો સાથે ખૂબ રમત રમાવામાં આવી છે અને એથી પિતાને પૉપ કહેવામાં આવ્યું છે. આથી પિતાને શોધવાનું એટળે એ માટે પૉપ કૌન અને પૉપકૉર્ન એમ બન્ને અર્થ કાઢવામાં આવ્યા છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ફરહાદ શામજીએ આ શો ડિરેક્ટ કરવાની સાથે એ લખ્યો પણ છે. આ શોના દરેક ડાયલૉગમાં જોક્સનો સમાવેશ અથવા તો કહો પંચલાઇનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે એ પહેલાં જોયેલા હોય એવા જ જોવા મળી રહ્યા છે અને એ હથોડા જેવા લાગે છે. ફરહાદ શામજીએ પિતાને શોધવા માટે ૬ એપિસોડનો શો બનાવ્યો છે. જોકે એમાં પણ ટ્વિસ્ટ છે. તેણે આ શો દ્વારા એક સોશ્યલ મેસેજ આપવાની પણ કોશિશ કરી છે. આ શોના દરેક એપિસોડમાં કુણાલ ખેમુ હિન્દુ, મુસ્લિમ, સિખ અને ઈસાઈ બને છે. દરેક વખતે તેની બોલવાની સ્ટાઇલ અને બૉડી-લૅન્ગ્વેજ અને તેના પહેરવેશમાં પણ બદલાવ જોવા મળે છે. જોકે આ ભાઈચારો દેખાડવાની વચ્ચે તેની સ્ટોરીલાઇન ખૂબ બોરિંગ અને પ્રિડિક્ટેબલ બની ગઈ છે. શરૂઆતમાં તો એવું જ લાગે કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા છીએ, જ્યારે કુણાલ ખેમુને પોલીસ અટકાવે છે ત્યારે તે કહે છે કે ‘પતા હૈ મેરા બાપ કૌન હૈ.’ સોશ્યલ મીડિયાના ટ્રેન્ડિંગ અને મીમ્સ પરથી આ શો બનાવવામાં આવ્યો હોય એવું લાગે છે. આ સાથે જ ફરહાદે કેટલાંક દૃશ્યો એટલાં હદપારનાં બનાવ્યાં છે કે વિચાર કરવા માટે પણ વિચાર આવી જાય છે કે વિચાર કરું કે નહીં. ખાસ કરીને જૉની લીવરને જ્યારે હાર્ટ-અટૅક આવે છે અને લોકો સમજી બેસે છે કે તે ડાન્સ કરી રહ્યો છે. અરે હાર્ટ-અટેક આવ્યો તો માણસ ડાન્સ કરવાનું બંધ કરી દે. આવાં ઘણાં મગજ વગરનાં દૃશ્યો અહીં જોવા મળે છે. સેન્સલેસ એટલા માટે કે મોટા ભાગના આ શોના ઍક્ટર્સ ‘ગોલમાલ’ સિરીઝમાં જોવા મળ્યા છે અને અહીં પણ તેઓ કંઈ નવું નથી કરી રહ્યા. ફરહાદ શામજીનો આ શોનો ક્લાઇમૅક્સ એ તેનો ખૂબ મોટો માઇનસ પૉઇન્ટ છે, કારણ કે ખબર પડી જ જાય છે કે શું થવાનું છે.

પર્ફોર્મન્સ

કુણાલ ખેમુએ આ શોમાં ખૂબ સારી ઍક્ટિંગ કરી છે. તેની ઓનેસ્ટ ઍક્ટિંગને કારણે તેને જોવાની મજા પડે છે. જો તેને શોમાંથી કાઢી મૂકવામાં આવે તો આ શો જોવાની તો દૂરની વાત, આ શો વિશે જાણવાની પણ જરૂર નહીં પડે. સતીશ કૌશિકના મૃત્યુ બાદ તેમનો આ પહેલો શો રિલીઝ થયો છે, પરંતુ એમ છતાં તેમની પાસે એક પણ જોરદાર કહી શકાય એવું દૃશ્ય નથી કરાવવામાં આવ્યું. તેમને જોઈને તેમણે આજ સુધી ભજવેલાં અદ્ભુત પાત્રો જરૂર યાદ આવી જાય અને એટલે જ તેમનું પાત્ર થોડું ઇમોશનલ કરે છે. સૌરભ શુક્લા અને જૉની લીવર જેવા આલા દરજ્જાના કૉમેડિયન હોવા છતાં તેઓ માંડ હસાવી શકે છે, કારણ કે હસાવવા માટે જે મટીરિયલ છે એ ખૂબ આઉટડેટેડ છે. જૉની લીવરની દીકરી જેમી લીવર આજ સુધી જે કરતી આવી છે એ જ તેણે આ શોમાં પણ કર્યું છે. રાજપાલ યાદવ અને ચંકી પાન્ડે પણ મહેમાન ભૂમિકામાં છે, પરંતુ તેમની હાજરીથી શોમાં કોઈ ફરક નથી પડતો. આ શો દ્વારા ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનને ઍક્ટિંગમાં એન્ટ્રી કરી છે. જોકે તે પણ સપોર્ટિંગ રોલમાં હોય એવું વધુ લાગ્યું છે. તેને જે કામ સોંપવામાં આવ્યું હતું એને તેણે સારી રીતે કર્યું છે, પરંતુ થોડા સિરિયસ દૃશ્યમાં તે થોડી પાછી પડી ગઈ છે.

આખરી સલામ

ફરહાદ શામજીએ તેના શોમાં ઘણાં એક્સપરિમેન્ટ્સ કર્યાં છે, જેમાં દરેક એપિસોડમાં ગીતનો સમાવેશ પણ છે. એ માટે ગાયકોની એક જોડી હંમેશાં તૈયાર રહે છે, પરંતુ એને સરપ્રાઇઝ જ રહેવા દેવી વધુ સારી રહેશે. તેના આ નવા-નવા આઇડિયા પણ શોને બચાવી નથી શક્યા. જોકે અંતે આપણે સતીશ કૌશિક ખાતર તેમને શ્રદ્ધાંજલિ આપતા હોય એ રીતે શો જોઈ લેવો જોઈએ.

entertainment news Web Series movie review kunal khemu harsh desai johnny lever