વેબ-સિરીઝ દ્વારા તમે સામાન્ય સ્ટોરી ટેલિંગથી અલગ થઈ શકો છો:અભિષેક બચ્ચન

26 August, 2020 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેબ-સિરીઝ દ્વારા તમે સામાન્ય સ્ટોરી ટેલિંગથી અલગ થઈ શકો છો:અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનનું કહેવું છે કે વેબ-સિરીઝને કારણે તે સામાન્ય સ્ટોરી ટેલિંગથી થોડા સમય માટે દૂર રહી શકે છે. અભિષેક બચ્ચને ‘બ્રીધ : ઇનટુ ધ શૅડોઝ’ દ્વારા વેબ-શોમાં એન્ટ્રી કરી હતી. આ શોમાં તેણે સાઇકોલૉજિકલ પાત્ર ભજવ્યું હતું જેમાં તેની બે પર્સનાલિટી હોય છે. આ શો માટે તેના કામનાં ખૂબ જ વખાણ થયાં હતાં. આ વિશે અભિષેકે કહ્યું હતું કે ‘અમે જ્યારે અવિનાશને દેખાડવાનું શરૂ કર્યું ત્યારે અમારે ઘણી ચૅલેન્જનો સામનો કરવો પડ્યો હતો. ડિરેક્ટર મયંક શર્મા અને મેં મહિનાઓ નહીં, પરંતુ ઘણાં અઠવાડિયાં સુધી આ પાત્ર પર કામ કર્યું હતું. તે કેવો હશે, તેની સ્ટાઇલ કેવી હશે, તે કેવી રીતે વર્તાવ કરશે દરેક વસ્તુ પર ખૂબ જ ચર્ચા અને દલીલ થતી હતી. અમારાથી શક્ય હોય એટલું અમે તેને પ્રામાણિકતાથી દેખાડવાની કોશિશ કરી હતી. અમે દર્શકોને એ દેખાડવાની કોશિશ કરતા હતા કે તેમણે પણ કદાચ તેના જેવી કોઈ વ્યક્તિને પર્સનાલિટી ડિસઑર્ડરથી પીડાતી જોઈ હશે. તેને કોઈ ટિપિકલ હીરોની જેમ ડિઝાઇન કરવામાં નહોતો આવ્યો. ઇન્ડિયામાં આપણે જે પ્રકારની સ્ટોરી ટેલિંગ કરીએ છીએ એનાથી દૂર જઈને અલગ રીતે અને સ્વતંત્ર રીતે સ્ટોરી કહેવાની વેબ-સિરીઝ તમને છૂટ આપે છે. જોકે અમારા માટે સૌથી મોટી ચૅલેન્જ એ હતી કે અવિનાશ જ એ તમામ વસ્તુ કરી શકે છે એનો લોકો સ્વીકાર કરે. તેમ જ મારી અન્ય પર્સનાલિટી ‘જે’નો શેડ્ઝ પણ અવિનાશ સાથે કેવી રીતે રજૂ કરવો એ પણ ચૅલેન્જ હતી.’

કોરોના વાઇરસને માત આપ્યા બાદ અભિષેક બચ્ચન ફરી કામ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. તેને પૂરતો આરામ મળી ગયા બાદ તે હવે તેનાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરાં કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ વિશે અભિષેકે કહ્યું હતું કે ‘હું જલદી કામ શરૂ કરવાનું વિચારી રહ્યો છું. મારે હજી પણ ‘ધ બિગ બુલ’ અને ‘બૉબ બિસ્વાસ’ને પૂરાં કરવાનું બાકી છે. અમને જેવી પરવાનગી મળે અને શક્ય બને એટલું જલદી એના પર કામ શરૂ કરીશું.’

કોરોના વાઇરસનો શિકાર બનેલા અને આ વાઇરસથી ડરી રહેલા લોકોને મેસેજ આપવા વિશે અભિષેકે કહ્યું હતું કે ‘કોઈ પણ પ્રકારની મેડિકલ ઍડ્વાઇઝ આપવા માટે હું ક્વૉલિફાઇડ નથી. જોકે અંગત રીતે કહું તો તમારું માઇન્ડ પૉઝિટિવ રાખો અને ડિસિપ્લિનમાં રહો.’

entertainment news web series coronavirus covid19 abhishek bachchan