તિહાડ જેલની રિયલ સ્ટોરી પર સિરીઝ બનાવશે વિક્રમાદિત્ય મોટવાણી

08 June, 2020 09:06 PM IST  |  Mumbai | Nirali Dave

તિહાડ જેલની રિયલ સ્ટોરી પર સિરીઝ બનાવશે વિક્રમાદિત્ય મોટવાણી

ભારતીય વેબ-સિરીઝની દુનિયામાં ‘સેક્રેડ ગેમ્સ’ લાવનારા ફિલ્મમેકર વિક્રમાદિત્ય મોટવાણી હવે તિહાડ જેલની વાર્તાઓ રજૂ કરવાના છે જે ‘બ્લૅક વૉરન્ટ: કન્ફેશન્સ ઑફ અ તિહાડ જેલર’ નામના પુસ્તક પર આધારિત હશે. આ પુસ્તક તિહાડ જેલમાં લાંબો સમય સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપનારા સુનીલ ગુપ્તા અને જર્નલિસ્ટ સુનેત્રા ચૌધરીએ લખ્યું છે. જેલર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર સુનીલ ગુપ્તાએ ત્રણ દાયકા જેટલો સમય તિહાડ જેલમાં વિતાવ્યો છે અને પોતે નજરે જોયેલા કેદીઓની વાતો, જેલમાં કઈ રીતે પૈસા અને પાવરથી કામગીરી થાય છે એ વિશે હચમચાવી નાખનારી બાબતો આ પુસ્તકમાં છે.

જેલના સળિયા પાછળ ધકેલાયેલા અને સજા પામેલા કેટલાક કુખ્યાત ગુનેગારો રંગા-બિલ્લા, વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીનો હત્યારો સતવંત સિંહ, કાવતરાખોર કેહર સિંહ,  કાશ્મીરી આતંકવાદી મકબૂલ બટ અને નિર્ભયા રેપ કેસના ગુનેગારોની વાતો અહીં કરવામાં આવી છે. ‘ઉડાન’ અને ‘લૂટેરા’ જેવી ફિલ્મો માટે જાણીતા વિક્રમાદિત્ય મોટવાણીએ આ સિરીઝ વિશે કહ્યું કે ‘બ્લૅક વૉરન્ટ ડ્રામૅટિક, ઉત્તેજક અને રૂંવાડાં ઊભાં કરી નાખે એવું પુસ્તક છે અને આવા અદ્ભુત પુસ્તકનું સિરીઝમાં રૂપાંતર કરવાનો મોકો મળ્યો છે એથી હું ઘણો ખુશ છું.’

entertainment news web series vikramaditya motwane