આક્રમક ઊર્મિલા

04 October, 2022 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઊર્મિલા માતોન્ડકર વેબ-શો ‘તિવારી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે

ઊર્મિલા માતોન્ડકર

ઊર્મિલા માતોન્ડકર વેબ-શો ‘તિવારી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી રહી છે. એનું પોસ્ટર તેણે શૅર કર્યું છે. એ પોસ્ટરમાં તે ખૂબ આક્રમક અને દમદાર દેખાઈ રહી છે. આ શોને સૌરભ વર્માએ ડિરેક્ટ અને કન્ટેન્ટ એન્જિનિયર્સે પ્રોડ્યુસ કર્યો છે. શોની સ્ટોરી મા અને દીકરીના ઇમોશનલ રિલેશન પર આધારિત છે. આ શોમાં પોતાના કૅરૅક્ટર વિશે ઊર્મિલાએ કહ્યું કે ‘આ શોમાં મારા માટે લખાયેલું પાત્ર ખૂબ સશક્ત અને પડકારજનક છે. આવું પાત્ર મેં અગાઉ કદી નથી ભજવ્યું. એને યુવા લેખકોની ટીમે સાથે મળીને લખ્યું છે. મને જ્યારે આ શોની સ્ટોરી સંભળાવવામાં આવી તો મેં છેવટ સુધી એની સ્ક્રિપ્ટ સાંભળી હતી. સ્ટોરી એટલી તો રોમાંચક હતી કે હું અંત સુધી એમાં જોડાયેલી રહી. શોની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં મા-દીકરીના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે જ શોમાં ડ્રામા, ઍક્શન અને ટ્વિસ્ટ્સ જોવા મળશે.’

આ શોનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ઊર્મિલાએ કૅપ્શન આપી હતી, ‘મારો પહેલો વેબ-શો ‘તિવારી’ અને મારી ડિજિટલ પર એન્ટ્રીને લઈને હું ખૂબ ઉત્સાહી છું. તમારા લોકોના અતિશય પ્રેમ અને સપોર્ટને કારણે મારી આ જર્ની આગળ વધી શકી છે. મેં પોતાની જાત સાથે પ્રૉમિસ કર્યું હતું કે ક્યારેય ન કર્યું હોય એવું ચૅલેન્જિંગ લઈને આવીશ. આશા છે કે તમને આ ગમશે. મારી આ નવી જર્ની માટે તમારા સૌના સપોર્ટ, પ્રેમ અને શુભેચ્છાની જરૂર છે.’

entertainment news Web Series urmila matondkar