હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાથી તાંડવ પર પ્રતિબંધની માગણી

17 January, 2021 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોવાથી તાંડવ પર પ્રતિબંધની માગણી

તાંડવની કાસ્ટ

તાજેતરમાં રિલીઝ થયેલી સૈફ અલી ખાનની વેબ-સિરીઝ ‘તાંડવ’ દ્વારા હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ હોવાને કારણે હવે એના પર બૅન મૂકવાની માગણી ઊઠી છે. સોશ્યલ મીડિયામાં વેબ-સિરીઝના મેકર્સ પર હિન્દુવિરોધી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ટ્વિટર પર હાલમાં #BanTandavNow ટ્રેન્ડ કરી રહ્યું છે. એના પર અત્યાર સુધી ૮૭,૦૦૦થી વધુ ટ્વીટ્સ આવી ચૂકી છે. વેબ-સિરીઝમાં એક સીન છે જેમાં ઝિશાન ઐયુબ ભગવાન શિવના કૅરૅક્ટરમાં દેખાઈ રહ્યો છે. આ સીન યુનિવર્સિટીના એક થિયેટરનો છે, જેમાં મંચનો સંચાલક તેને કહે છે કે ‘ભોલેનાથ કુછ કરીએ. રામજી કે ફૉલોઅર્સ તો સોશ્યલ મીડિયામેં  બઢતે હી જા રહે હૈં.’ એના પર ઝિશાન કહે છે કે ‘ક્યા કરું, અપની પ્રોફાઇલ-પિક ચેન્જ કર દૂં.’

તો મંચનો સંચાલક કહે છે કે ‘ઇસસે કુછ નહીં હોગા. આપ કુછ અલગ કરીએ.’

આ સીનને કારણે લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. આ સાથે જ સિરીઝમાં વધુ એક સીન છે જેમાં કૉલેજનો એક યુવાન છોકરો કહે છે, ‘જબ એક છોટી જાતિ કા આદમી એક ઊંચી જાતિ કી ઔરત કો ડેટ કરતા હૈના તો વોહ બદલા લે રહા હોતા હૈ, સિર્ફ ઉસ એક ઔરત સે.’ એ સીનને પણ હિન્દુ અને દલિતવિરોધી પ્રોપેગેન્ડા ગણાવવામાં આવી રહ્યો છે.

અલી અબ્બાસ ઝફરના ડિરેક્શનમાં બનેલી આ વેબ-સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. આ સિરીઝમાં ડિમ્પલ કાપડિયા, સૈફ અલી ખાન, ગૌહર ખાન, સુનીલ ગ્રોવર, ઝિશાન ઐયુબ અને તિગ્માંશુ શધુલિયા લીડ રોલમાં છે. ૯ એપિસોડવાળી આ સિરીઝમાં દિલ્હીની પૉલિટિક્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે જ યુનિવર્સિટીના રાજકારણને પણ એમાં દેખાડવામાં આવ્યું છે. ટ્વિટર પર બીજેપીના નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કર્યું હતું કે ‘આદરણીય પ્રકાશ જાવડેકરજી, વેબ-સિરીઝ ‘તાંડવ’ દલિતોનું અપમાન કરનારી, હિન્દુ-મુસ્લિમ હિંસા ભડકાવવાનો પ્રયાસ કરનરી અને સાથે જ ધાર્મિક પ્રતીકોનું અપમાન કરવાનો એક પ્રયત્ન છે. વેબ-સિરીઝ ‘તાંડવ’ પૂરી રીતે દલિત અને સાંપ્રદાયિક ઘૃણા દેખાડતો શો છે. એ સંદર્ભે  પ્રકાશ જાવડેકરજીને ઈ-મેઇલ કરો.’

entertainment news web series