લાલુ પ્રસાદ યાદવ-નીતીશ કુમારના વિડિયો શું કામ જોયા સોહમ શાહે?

02 June, 2021 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોની લિવની ‘મહારાણી’માં સોહમ શાહનું પાત્ર લાલુ યાદવથી પ્રેરિત છે

સોહમ શાહ

સોની લિવ પ્લૅટફૉર્મની સિરીઝ ‘મહારાણી’નું જમા પાસું તેના કલાકારો છે. રાબડીદેવી પર આધારિત આ સિરીઝમાં હુમા કુરેશી મુખ્ય રોલ ભજવી રહી છે. ભણેલી નહીં, પણ ગણેલી એવી રાણી ભારતી (હુમા કુરેશી)ને જ્યારે એકાએક ચીફ મિનિસ્ટર બનવાનું આવે છે ત્યારની જર્ની ‘મહારાણી’માં વર્ણવવામાં આવી છે. રાણી ભારતીને મુખ્ય પ્રધાન તરીકે જાહેર કરનાર તેના પતિ ભીમાનો રોલ ‘તુમ્બાડ’ ફેમ સોહમ શાહ ભજવી રહ્યો છે જે લાલુ પ્રસાદ યાદવથી પ્રેરિત છે. ‘ભીમા’એ બાળપણથી જ અસ્પૃશ્યતા અને શોષણનો સામનો કર્યો છે જેથી તે રાજકારણમાં જોડાઈને સમાનતા લાવવાનો પ્રયત્ન કરે છે અને બિહારનો મુખ્ય પ્રધાન બને છે.

સોહમ શાહનું કહેવું છે કે ‘ભીમાનો રોલ સ્વીકારવાનું એક કારણ એ હતું કે મેં આ પહેલાં ક્યારેય કોઈ રાજકારણીનો રોલ નથી કર્યો. આ રોલ માટે વજન વધારવું કે મૂછો રાખવી સહેલું હતું, પણ બિહારી ભાષા બોલવી બહુ પડકારજનક કામ હતું. મેં લાલુ પ્રસાદ યાદવ અને નીતીશ કુમારના વિડિયો જોઈને બૉડી-લૅન્ગ્વેજ અને ભાષા પકડવાનો પ્રયત્ન કર્યો છે. મારું પાત્ર લેયર્ડ છે, ફક્ત એક વ્યક્તિ પર આધારિત નથી.’

entertainment news Web Series web series sohum shah