ઍપલ ટીવીપ્લસના ‘શાંતારામ’માં કામ કરવું સરળ નહોતું લાગ્યું શુભમ સરાફને

15 August, 2022 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રેગરી ડેવિડ રૉબર્ટ્સની બેસ્ટસેલર નૉવેલ પરથી આ શોને બનાવવામાં આવ્યો છે

શુભમ સરાફ

શુભમ સરાફ માટે ઍપલ ટીવી+ના આગામી શો ‘શાંતારામ’માં કામ કરવું સરળ નહોતું લાગ્યું. ગ્રેગરી ડેવિડ રૉબર્ટ્સની બેસ્ટસેલર નૉવેલ પરથી આ શોને બનાવવામાં આવ્યો છે. આ અગાઉ તે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સના ‘અ સૂટેબલ બૉય’માં અને ‘ક્રિમિનલ : UK’માં પણ દેખાયો હતો. ‘શાંતારામ’ની સ્ટોરીની વાત કરીએ તો એમાં દેખાડવામાં આવશે કે બૅન્કની લૂંટનો અપરાધી અને ડ્રગ્સનો બંધાણી ઑસ્ટ્રેલિયાથી ભારત દોડી આવે છે. ૧૯૮૦ની સ્ટોરી દેખાડતા આ શોમાં શુભમના રોલ વિશે વધુ માહિતી નથી મળી. દેશમાં મહામારીને કારણે તેઓ શૂટિંગ કરી શક્યા નહીં એટલે થાઇલૅન્ડમાં સેટ ઊભો કરવામાં આવ્યો હતો. એમાં શૂટિંગ કરવાના અનુભવ વિશે શુભમે કહ્યું હતું કે ‘‘શાંતારામ’માં કામ કરવું એ એમાં સામેલ બધા માટે આનંદની સાથે પડકારજનક હતું. બૅન્ગકૉકની બહાર અંતરિયાળ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીનો આખો સેટ ઊભો કરવામાં આવ્યો હતો. એની વચ્ચે વહેતી નદી હતી. દિવસે તો ખૂબ ગરમી હતી. આકરો સૂર્યપ્રકાશ હતો  અને ક્યાંય છાંયડો નહોતો. આજુબાજુ ઝૂંપડીઓ હતી. રાતે મચ્છરોનો ઉપદ્રવ હતો. આ બધું અઠવાડિયાના છ દિવસ સુધી દરરોજ ૧૩ કલાક સુધી ચાલતું હતું.’

Web Series web series entertainment news