ગુજરાતી બોલતાં મને ન જ આવડ્યું!: શ્રેયા ધન્વંતરી

13 October, 2020 06:05 PM IST  |  Mumbai | Nirali Dave

ગુજરાતી બોલતાં મને ન જ આવડ્યું!: શ્રેયા ધન્વંતરી

શ્રેયા ધન્વંતરી

તાજેતરમાં  ઓટીટી પ્લૅટફૉર્મ સોની લિવ પર રિલીઝ થયેલી સિરીઝ ‘સ્કૅમ 1992’માં હર્ષદ મહેતાનો આ સ્કૅમ ખુલ્લો પાડનાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ અખબારની પત્રકાર સુચેતા દલાલનું પાત્ર છેલ્લે ઍમેઝૉન પ્રાઇમ પર આવેલી સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’માં દેખાયેલી ઍક્ટ્રેસ શ્રેયા ધન્વંતરી ભજવે છે. સુચેતા દલાલ અને દેબાશિષ બાસુના પુસ્તક ‘ધ સ્કૅમ’ પર જ ‘સ્કૅમ 1992’ આધારિત છે.

શ્રેયા ધન્વંતરીએ કહ્યું કે ‘ડિરેક્ટર હંસલ મહેતા તમામ પાત્રો ઑથેન્ટિક રાખવા માગતા હતા એટલે મોટા ભાગના કલાકારોનો બેઝ ગુજરાતી હોય એવાને કાસ્ટ કર્યા છે. હર્ષદ મહેતાના પરિવારના લોકો સિરીઝમાં પણ ગુજરાતી જ છે. આ ઉપરાંત હંસલ મહેતા પોતે, કો-ડિરેક્ટર જય મહેતા, સિનેમૅટોગ્રાફર પ્રથમ મહેતા વગેરે પણ ગુજરાતી છે. એટલે મારા માટે તો આ દોઢ વર્ષ દરમ્યાન આખું યુનિટ ગુજરાતી પરિવાર જ બની ગયું હતું. મને લોકોએ ગુજરાતી શીખવાડવાની ઘણી કોશિશ કરી, પણ ન જ આવડ્યું! હા, ગુજરાતી જમવાનું ઘણું ખાધું!’

‘સ્કૅમ 1992 – ધી હર્ષદ મહેતા સ્ટોરી’ના ટીઝરમાં એક સીન છે જેમાં સુચેતા દલાલને એસબીઆઇનો કર્મચારી સ્કૅમ વિશે જણાવે છે. આ સીન જ શ્રેયા ધન્વંતરીનો ઑડિશન સીન હતો. તે કહે છે, ‘સાત પાનાંનો એ સીન હંસલ મહેતાએ મને ભજવવા માટે આપ્યો હતો. મેં સાત પાનાં યાદ રાખ્યાં હતાં અને એ પ્રમાણે પર્ફોર્મ કર્યું હતું. એ બરાબર રહ્યું અને આ પાત્ર માટે ફાઇનલ થઈ.’

entertainment news web series hansal mehta Pratik Gandhi sony entertainment television