`સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો` રિવ્યુ : ઓ વુમનિયા

08 May, 2023 03:58 PM IST  |  Mumbai | Harsh Desai

આ સિરીઝમાં મહિલાઓના પાત્રને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ દેખાડવામાં આવ્યાં છે અને તેઓ એ દરેક કામ કરે છે જેનાથી પુરુષનો ઈગો હર્ટ થઈ શકે છે : સ્ત્રીઓની સાથે પુરુષનાં પાત્ર પણ બૅલૅન્સમાં લખવામાં આવ્યાં હોત તો આ શો અદ્ભુત બન્યો હોત

સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો

સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો

કાસ્ટ : ડિમ્પલ કાપડિયા, રાધિકા મદન, ઈશા તલવાર, અંગિરા ધર, દીપક ડોબરિયાલ, જિમિત ત્રિવેદી

ડિરેક્ટર : હોમી અડાજણિયા

સ્ટાર : ત્રણ સ્ટાર (ટાઇમ પાસ)

હોમી અડાજણિયા દ્વારા ‘સાસ, બહૂ ઔર ફ્લૅમિંગો’ બનાવવામાં આવી છે જેને ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી છે. સાસુ-વહુના મેલોડ્રામા કરતાં આ શો એકદમ અલગ છે. નામ પરથી લાગતું હતું કે શોમાં થોડી કૉમેડી હશે, પરંતુ નામની અહીં પૅરોડી કરવામાં આવી છે. આ શોમાં ડિમ્પલ કાપડિયા, અંગિરા ધર, ઈશા તલવાર અને રાધિકા મદને લીડ રોલ ભજવ્યા છે.

સ્ટોરી ટાઇમ

ડિમ્પલ કાપડિયાએ આ વેબ-શોમાં સાવિત્રીનું એટલે કે રાનીમાનું પાત્ર ભજવ્યું છે. રાનીમા એક બિઝનેસ કરતી હોય છે, પરંતુ એની આડમાં તે ડ્રગ્સનો બિઝનેસ કરતી હોય છે. તેની સાથે તેની બે વહુ બિજલી (ઈશા તલવાર) અને કાજોલ (અંગિરા) તેમ જ તેની દીકરી શાંતા (રાધિકા મદન) આ બિઝનેસમાં મદદ કરતી હોય છે. વર્લ્ડમાં બેસ્ટ ડ્રગ્સ ફ્લૅમિંગો બનાવતા હોય છે અને એની ડિમાન્ડ પણ ખૂબ જ હોય છે. જોકે બિઝનેસ જ્યારે જોરશોરમાં ચાલતો હોય છે ત્યારે એટલા દુશ્મન પણ ઊભા થાય છે અને રાનીમા પહેલેથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરતી આવી હોય છે. પોલીસ, પૉલિટિક્સ અને અન્ય ડ્રગ લૉર્ડ પણ તેની પાછળ પડ્યા હોય છે. સાસ, બહૂ અને દીકરી કેવી રીતે દરેક પરિસ્થિતિમાંથી બહાર આવે છે એના પર આ સ્ટોરી છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

હોમી અડાજણિયાએ મહિલાઓને પસંદ કરીને આ સ્ટોરીને એક અલગ રૂપમાં રજૂ કરી છે. અત્યાર સુધી મહિલાઓએ ડ્રગ્સનો બિઝનેસ કર્યો હોય અને તેઓ બંદૂક હાથમાં ઊંચકીને ચાલતી હોય એવું ભાગ્યે જ જોવા મળ્યું છે. હોમીનો માસ્ટર સ્ટ્રોક એ હતો કે બિઝનેસથી લઈને ઘર ચલાવવાથી લઈને દરેક ડિપાર્ટમેન્ટમાં મહિલાઓ છે. આ એવી મહિલાઓ છે જેમને તરછોડી દેવામાં આવી હોય અથવા તો વિધવા થઈ ગઈ હોય. તેમ જ તેઓ બ્લૅક કપડાં કેમ પહેરે છે એ પણ ઇન્ટરેસ્ટિંગ છે. જેમની સાથે કંઈક ખોટું થયું હોય એ દરેકને રાનીમા કામે રાખે છે. તેઓ એકમેકની ઢાલ બને છે. સાચા-ખોટા દરેક કામમાં તેઓ સાથે રહે છે. તેઓ શું બિઝનેસ કરે છે એ મહત્ત્વનું નથી, પરંતુ તેમની સામે જે સિચુએશન આવે છે એને તેઓ કેવી રીતે હૅન્ડલ કરે છે એ પણ હોમીનો પ્લસ પૉઇન્ટ છે. તેણે રાનીમાની હવેલીને પણ ખૂબ જ સારી રીતે દેખાડી છે. ઇકો-ફ્રેન્ડ્લી બિઝનેસથી લઈને લોકોની વસ્તીથી કોસો દૂર આ બિઝનેસ ચાલે છે. સેટઅપ, સ્ટોરી અને કેટલાક ડાયલૉગને બાદ કરતાં મોટા ભાગના ડાયલૉગ ખૂબ જ સારા છે. જોકે હોમીએ પણ કેટલાક લૂઝ એન્ડ્સ છોડ્યા છે. તેણે લીડ સ્ટોરીના પાત્રની બૅક સ્ટોરી ખૂબ જ સારી બનાવી છે. ખાસ કરીને રાનીમાની, પરંતુ આ સિવાય કેટલાંક પાત્રોની બૅક સ્ટોરી પર વધુ કામ કરવામાં નથી આવ્યું. બની શકે એને બીજી સીઝનમાં એક્સપ્લોર કરવામાં આવે છે. જોકે એન્ડમાં એક ટ્વિસ્ટ આવે છે એ પ્રિડિક્ટેબલ છે, પરંતુ એ કેમ થયું એ સવાલ અધૂરો મૂક્યો છે.

પર્ફોર્મન્સ

રાનીમાના પાત્રમાં ડિમ્પલ કાપડિયા ખૂબ જ જોરદાર છે. તે જ્યારે સ્ક્રીન પર હોય ત્યારે તે હવેલીને જ નહીં, પરંતુ પૂરી સ્ક્રીન પર રાજ કરતી હોય એવું લાગે છે. તેનો પર્સોના ખૂબ જ જોરદાર દેખાડવામાં આવ્યો છે અને એ તેની ઍક્ટિંગના દમ પર છે. હંમેશાં દૂરનું વિચારતી રાનીમા તેના વિચારો અને તેની બૉડી લૅન્ગ્વેજ દ્વારા હંમેશાં તેના પાત્રને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. ઈશા તલવાર અને અંગિરાએ પણ ખૂબ જ સારું કામ કર્યું છે. ઈશા એક નવા અવતારમાં જોવા મળી છે. આ પહેલાં તેણે આટલું જોરદાર પાત્ર ક્યારેય નથી ભજવ્યું. અંગિરા પણ એક ક્યુટ સ્માઇલવાળી મહિલામાંથી ક્યારે ખૂંખાર બની જાય એ ચેન્જને તેણે ખૂબ જ સારી રીતે દેખાડ્યો છે. જોકે તેનું પાત્ર પ્રિડિક્ટેબલ છે. રાધિકા મદનનું પાત્ર ખાસ તેના માટે જ લખવામાં આવ્યું હોય એવું લાગે છે. જોકે તેની ડાયલૉગ ડિલિવરીમાં પહેલેથી જ પ્રૉબ્લેમ છે. તેણે તેના ડાયલૉગને થોડી હાઈ પીચ પર બોલવાની જરૂર છે, કારણ કે ઘણી વાર એ સમજમાં નથી આવતા. જોકે તેની ઍક્શન કમાલની છે. તેને લઈને કોઈએ જોરદાર ઍક્શન ફિલ્મ બનાવવી જોઈએ. તે એકલી જ નહીં, ઈશા અને અંગિરાની પણ ઍક્શન કમાલની છે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ પૉલિટિશ્યનના પાત્રમાં છે. જોકે તેમનું પાત્ર નામપૂરતું છે. પુરુષમાં કોઈ ઇન્ટરેસ્ટિંગ પાત્ર હોય તો એ છે આશિષ વર્માનું હરીશનું પાત્ર. તેનું કૉમિક ટાઇમિંગ કમાલનું છે. આ ડાર્ક સિરીઝમાં પણ તે વાતાવરણ થોડું હળવું કરી દે છે. દીપક ડોબરિયાલે મન્કનું પાત્ર ભજવ્યું છે. તે ડ્રગ લૉર્ડ હોય છે. તેનો લુક ધારદાર છે, પરંતુ તેની પાસે એટલું કામ કઢાવવામાં નથી આવ્યું. તે જ્યારે પણ સ્ક્રીન પર આવે ત્યારે એમ થાય છે કે હવે કમાલ કરશે, પરંતુ તેનું પાત્ર ખૂબ જ કમજોર લખવામાં આવ્યું છે. જિમિત ત્રિવેદીએ પોલીસનું પાત્ર ભજવ્યું છે. તે આ કેસનું ઇન્વેસ્ટિગેશન કરતો હોય છે. તેના પર પૉલિટિકલ પ્રેશર આવે છે અને તેને કામ કરવા દેવામાં નથી આવતું. તેનું ફ્રસ્ટ્રેશન એક દૃશ્યમાં નીકળે છે અને એ દૃશ્ય ખૂબ જ જોરદાર છે. જોકે તેના પાત્રને વધુ સારી રીતે લખવામાં આવવું જરૂરી હતું અને તેની પાસે સ્ક્રીન ટાઇમ ખૂબ જ લિમિટેડ હતો એ પણ વધુ હોવો જોઈતો હતો.

આખરી સલામ

આ શોમાં મહિલાઓનાં પાત્રને જેટલાં સારા અને ડીટેલમાં લખવામાં આવ્યાં છે એટલાં જ પુરુષનાં પાત્રને ઉપરછલ્લાં રાખવામાં આવ્યાં છે. જો બન્નેને બૅલૅન્સ રાખવામાં આવ્યાં હોત તો આ શો ખરેખર મહિલાઓ માટેનો ઉત્તમ શો બન્યો હોત. જોકે બીજી સીઝનમાં એ કમી દૂર કરી શકાય એમ છે.

Web Series harsh desai dimple kapadia entertainment news