એક ફેરો પણ મુશ્કેલ

24 July, 2021 11:23 AM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મનો સૌથી મોટો પ્રૉબ્લેમ એની સ્ટોરી છે : ડાયલૉગ, મ્યુઝિક અને ડિરેક્શન દરેક ડિપાર્ટમેન્ટમાં માર ખાઈ ગઈ છે

વિક્રાન્ત મેસી અને ક્રિતી ખરબંદાની ‘14 ફેરે’ ગઈ કાલે ZEE5 પર રિલીઝ થઈ હતી.

14 ફેરે

કાસ્ટ : વિક્રાન્ત મેસી, ક્રિતી ખરબંદા, ગૌહર ખાન

ડિરેક્ટર : દેવાંશુ સિંહ

વિક્રાન્ત મેસી અને ક્રિતી ખરબંદાની ‘14 ફેરે’ ગઈ કાલે ZEE5 પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દેવાંશુ સિંહે ડિરેક્ટ કરી હતી જેની સ્ક્રિપ્ટ મનોજ કલ્વાણી દ્વારા લખવામાં આવી હતી. વેઇટ, વૉટ? સ્ક્રિપ્ટ? સ્ટોરી હતી ખરી? આ ફિલ્મની સ્ટોરી છે કે જયપુરની અદિતિ (ક્રિતી ખરબંદા) અને જહાનાબાદનો સંજય (વિક્રાન્ત મેસી) દિલ્હીમાં કૉર્પોરેટ વર્લ્ડમાં નોકરી કરતા હોય છે. તેઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતાં હોય છે, પરંતુ તેમની ફૅમિલીને કહેતાં ડરતાં હોય છે. તેમણે લગ્ન કરવાં હોય છે, પરંતુ તેમને જાતિવાદને લઈને કરવામાં આવતા ઓનર કિલિંગથી ડર લાગતો હોય છે.

મનોજ કલ્વાણીની સ્ક્રિપ્ટમાં ખૂબ જ લોચા છે. સ્ટોરીથી લઈને એના પ્રોજેક્શન સુધી લોચા-એ-ઉલ્ફત છે. દેવાંશુના ડિરેક્શનમાં પણ કોઈ નવીનતા નથી. ફિલ્મની સ્ટોરી એટલી પ્રિડિક્ટેબલ છે કે એક વાર એવું પણ થાય કે આ શું ખરેખર કોઈ સ્ટોરી છે. તેમ જ સૌથી મોટો લોચો એ છે કે જે પરિવારના સભ્યો તેમનાં બાળકોને દિલ્હી ભણવા અને નોકરી કરવા મોકલતા હોય એ પરિવારના લોકો ૨૦૨૧માં તેમનાં બાળકો અન્યને પ્રેમ કરે અથવા તો લગ્ન કરી લે તો તેમને મારતા નથી. એટલે કે ઓનર કિલિંગ નથી કરતા. આવા કેસ હજી પણ જોવા મળે છે, પરંતુ ઘરમાંથી બહાર જઈને ભણવા અને નોકરી કરવા દેતા લોકોની વિચારધારામાં ઘણો બદલાવ આવી ગયો છે. તેમ જ પાત્રોને ઇન્ટ્રોડ્યુસ કરવામાં ને ફિલ્મ એક કૉમેડી-ડ્રામા છે એ દેખાડવામાં અડધો કલાક ઉપર નીકળી ગયો છે. ફિલ્મની શરૂઆતથી શું થઈ રહ્યું છે એવું લાગે છે. વનલાઇનર્સથી લઈને કૉમેડી દરેક વસ્તુની એમાં અછત છે. રાજીવ ભલ્લા અને Jam8 એટલે કે પ્રીતમ ચક્રવર્તીની કંપની દ્વારા આપવામાં આવેલા મ્યુઝિકમાં પણ ખાસ દમ નથી. ટૂંકમાં ફિલ્મ દરેક ડિપાર્ટમેન્ટમાં ખૂબ જ કંગાળ છે.

વિક્રાન્ત મેસી ખૂબ જ દાદૂ ઍક્ટર છે અને આવા પાત્ર તેને લાયક હોય એવું નથી લાગતું. એમ છતાં તેણે ઘણું સારું કામ કર્યું છે અને દરેક સિચુએશન મુજબ ચહેરાના એક્સપ્રેશનમાં પણ બદલાવ જોવા મળે છે. તે જ્યારે અન્ય લોકો સાથે વાત કરતો હોય અને જ્યારે તેની ફૅમિલી સાથે વાત કરતો હોય ત્યારે તેની બોલીમાં બદલાવ જોવા મળે છે (તે દિલ્હીમાં રહેતો હોવા છતાં તેની ફૅમિલી સાથે જે રીતે તેમની બોલીમાં વાત કરે છે એને જાળવી રાખવામાં આવ્યું છે.) ક્રિતી ખરબંદાને હંમેશાંની જેમ તેની સુંદરતા માટે લેવામાં આવી હોય એવું લાગે છે. તેની પાસે પણ કોઈ ખાસ કામ નહોતું. ગૌહર ખાને વૃદ્ધાની ઍક્ટિંગ સારી કરી છે. તે કોઈ પણ પ્રકારની ઍક્ટિંગ કરી શકે છે એ તેણે દેખાડ્યું છે, પરંતુ તેને આ વૃદ્ધાના પાત્રમાં જોવી થોડું વિચિત્ર લાગે છે. તેના પાત્રને પણ સારી રીતે પ્રોજેક્ટ કરવાની જરૂર હતી.

આ ફિલ્મનો સૌથી મોટો પ્રૉબ્લેમ એની સ્ટોરી છે. આ સાથે જ ડાયલૉગ, મ્યુઝિક અને ડિરેક્શન દરેક ડિપાર્ટમેન્ટમાં તે માર ખાઈ ગઈ છે.

 

ફાલતુ,  - એક સ્ટાર

ઠીક-ઠીક, - બે સ્ટાર

ટાઇમ પાસ, - ત્રણ સ્ટાર

પૈસા વસૂલ, - ચાર સ્ટાર

બહુ જ ફાઇન - પાંચ સ્ટાર

harsh desai film review web series zee5