સપનાને લાલચ બનાવવાની પ્રોસેસ ખૂબ જ મુશ્કેલ હતી: પ્રતીક ગાંધી

23 December, 2020 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સપનાને લાલચ બનાવવાની પ્રોસેસ ખૂબ જ મુશ્કેલ હતી: પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધી

પ્રતીક ગાંધીનું કહેવું છે કે સપનાને લાલચ બનાવવાની જે પ્રોસેસ હતી એ માટે તેણે ઘણી મહેનત કરવી પડી હતી. ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં ઘણું સારું કામ કરનાર અને નામ બનાવનાર પ્રતીક ગાંધીને ‘સ્કૅમ 1992 : ધ હર્ષદ મહેતા સ્ટોરી’ દ્વારા ઘણી નામના મળી છે. તેના કામને લોકો જ નહીં, પરંતુ ક્રિટિક્સ દ્વારા પણ ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં પ્રતીક ગાંધીએ કહ્યું હતું કે ‘મને ખુશી છે કે લોકો મારા કામને પસંદ કરીને એની પ્રશંસા કરી રહ્યા છે. જોકે હું ફક્ત મારા કામ સાથે પ્રામાણિક રહ્યો હતો. ફોન પર વ્યસ્ત હોવાનું અને ઇન્ટરવ્યુ આપવાનું બાદ કરતાં આ શો પહેલાં હું જેવો હતો એવો જ હજી પણ છું. સપનાં જોવાં, એને પૂરાં કરવાં અને એ માટે સખત મહેનત કરવી ખૂબ જ સારી વાત છે. જોકે તમારું સપનું ક્યારે તમારા પર હાવી થઈ જાય અને શું સાચું અને શું ખોટું એ નક્કી કરી શકો એ માટે તમારે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. તમે જ્યારે સાડાનવ કલાક સુધી કોઈ પાત્રને જુઓ પછી એ સારું હોય, ખરાબ હોય કે ગ્રે; પરંતુ તમે એની સાથે થોડા કનેક્ટ થાઓ છો. એ પાત્ર વિલનનું હોય તો પણ તમે એના માટે ફીલ કરો છો. આ કેસમાં તે કોઈ વિલન કે હીરો નહોતો, પરંતુ એક સામાન્ય વ્યક્તિ હતો જેની લાલચ તેના પર હાવી થઈ ગઈ અને તે સરકાર સાથે ભીડી પડ્યો હતો. આ સપનાથી લાલચની જે પ્રોસેસ હતી એ ખૂબ જ મુશ્કેલ હતી. જોકે મારી કોઈ મેથડ નથી. હું ખૂબ જ સિમ્પલ રીતે પાત્રને અપ્રોચ કરું છું. હું પાત્રના ઇમોશનલ ગ્રાફને સમજવાનો પ્રયત્ન કરું છું.’

entertainment news web series Pratik Gandhi