‘મુખબીર-ધ સ્ટોરી ઑફ અ સ્પાય’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી પ્રકાશ રાજે

15 November, 2022 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટોરી પાકિસ્તાનમાં રહેલા ભારતના સીક્રેટ એજન્ટની છે, જે ૧૯૬૫માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં અગત્યની ભૂમિકા ભજવે છે

પ્રકાશ રાજ ઇન ‘મુખબીર-ધ સ્ટોરી ઑફ અ સ્પાય’

ZEE 5 પર રિલીઝ થયેલી વેબ-સિરીઝ ‘મુખબીર: ધ સ્ટોરી ઑફ અ સ્પાય’ દ્વારા પ્રકાશ રાજે ડિજિટલ પ્લૅટફૉર્મ ​પર એન્ટ્રી કરી છે. એની સ્ટોરી પાકિસ્તાનમાં રહેલા ભારતના સીક્રેટ એજન્ટની છે, જે ૧૯૬૫માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધમાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ સિરીઝમાં ભગતના રોલમાં પ્રકાશ રાજ દેખાય છે જે સીક્રેટ એજન્ટ્સને ટ્રેઇનિંગ આપે છે. આ સિરીઝમાં જોડાવા વિશે પ્રકાશ રાજે કહ્યું કે ‘ડિજિટલ પ્લૅટફૉર્મે અનેક તકોનાં દ્વાર ખોલી દીધાં છે. ડઝન જેટલી સ્ક્રિપ્ટ્સ મારે એક્સપ્લોર કરવાની છે. હું એવા રોલ્સ શોધી રહ્યો છું કે જે પ્રાસંગિક હોય અને બાદમાં જ એની સાથે જોડાઈશ. આ મારી પહેલી વેબ-સિરીઝ છે. એની સ્ક્રિપ્ટ ફ્રેશ છે, જે સ્પાયની જર્નીની આસપાસ ફરે છે. એને ૬૦ના દાયકા, શાસ્ત્રીજી (ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી)ની સાથે ખૂબ સરસ રીતે ફિલ્માવવામાં આવી છે. એ વખતે તો મારો જન્મ પણ નહોતો થયો અને દેશમાં એક અજાણી ટેરિટરી હતી. સ્ક્રિપ્ટની અંદર માનવતા અને હીરોની બહાદુરીને જે રીતે અણધારી, ન જોયેલી સ્થિતિ સાથે ચમકાવવામાં આવી છે એ ખરેખર આશ્ચર્ય ઉપજાવે છે. એ સ્ટોરી મને ખૂબ પસંદ પડી છે.’

આ શોનો USP એટલે કે યુનિક સેલિંગ પૉઇન્ટ શું છે એ વિશે પૂછવામાં આવતાં પ્રકાશ રાજે કહ્યું કે ‘મારું એવું માનવું છે કે ‘મુખબીર: ધ સ્ટોરી ઑફ અ સ્પાય’નો USP એની સ્લાઇસ-ઑફ-લાઇફ સિરીઝ છે. તમે કદી ન જોયો હોય અથવા ન સાંભળ્યો હોય એવો અનુભવ તમને મળશે. એ જ એની ખરી સુંદરતા છે. એવા અમુક જ શો હોય છે જે છાપ છોડી જાય છે. તમને લાગશે કે આ તમારી જ સ્ટોરી છે. દરેક ઠેકાણે તમે પોતાની જાતને અનુભવશો અને અમારો ઉદ્દેશ જ વધારે મનોરંજન આપવાનો છે. આ તાજગી દેનારું છે. તમારી આંખો ઉઘાડશે. આ એક નવું વિશ્વ છે, જેમાં તમારું માઇન્ડ ઇતિહાસના કાળમાં પહોંચી જશે. આ અલગ લાગણી છે. મુખબીર તમારો હાથ ઝાલીને તમને એ ડ્રામા અને એ અસમંજસનો એહસાસ કરાવશે, જેનો દેશે સામનો કર્યો છે.’

entertainment news Web Series prakash raj